વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !

        દુનિયાભરના વિજ્ઞાનીઓની એક સભા મળી હતી. મંચ ઉપર અનેક પ્રકારનાં નાનાંમોટાં યંત્રોની ભીડ હતી. યંત્રોની વચ્ચે એક નાનકડો છોડ પણ હતો. એક કુંડામાં એ છોડ ઉગાડેલો હતો.

        મંચ ઉપર કેટલાક મુખ્ય વિજ્ઞાનીઓ બેઠા કે ઊભા હતા. એમની વચ્ચે એક જુવાન ભારતીય વિજ્ઞાની પણ હતો. એ જુવાનના હાથમાં એક નાનકડી પ્યાલી હતી, જેમાં કશોક પાવડર હતો. એ જુવાન કોઈક પ્રયોગ કરવાની તૈયારીમાં હતો.


        સભામાં શાંતિ છવાઈ એટલે એ જુવાને મોટે અવાજે કહ્યું : ''મિત્રો ! મારા હાથમાં જે પ્યાલી છે તેમાં જગતનું સૌથી કાતિલ ઝેર છે. વિજ્ઞાનીઓ એ ઝેરને પોટેશિયમ સાયનાઈડ તરીકે ઓળખે છે.

        મારું કહેવું એવું છે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે અને માણસની જેમ જ એને ઝેર વગેરેની અસર થાય છે અને એને પણ વેદના, દુઃખ વગેરેની લાગણી થાય છે. મારા આ સિદ્ધાંતનો પ્રત્યક્ષ પ્રયોગ કરવા ધારું છું"

        આખી સભામાં શાંતિ અને સ્તબ્ધતા ફેલાઈ ગઈ. મોટા મોટા વિજ્ઞાનીઓ આ ભારતીય યુવાનનો ચમત્કાર જોવા આતુર બની ગયા.

        એ વિજ્ઞાનીએ પેલી પ્યાલીમાંથી થોડુંક ઝેર લઈને પ્રયોગ કરવાનું શરૂ કર્યું પોતે પણ ઉત્સુકતાથી જોવા માંડ્યું. થોડુંક ઝેર પેલા છોડના મૂળમાં મૂક્યું. સામે જ પીડામાપક યંત્ર હતું. યુવાન વિજ્ઞાનીએ જોયું કે ઘણી વાર થવા છતાં પીડામાપક યંત્રમાં કશું દેખાયું નહીં.

        સમય પસાર થવા લાગ્યો. પોટેશિયમ સાયનાઈડની અસર તો સેકંડોની અંદર થતી હોય છે. પણ અહીં કશી અસર ન થઈ.

        આથી સામે અને આજુબાજુ બેઠેલા વિજ્ઞાનીઓ તિરસ્કારથી હસવા લાગ્યા. કોઈ કોઈ તો સિસોટીઓ વગાડવા લાગ્યા અને પાટલીઓ ઠોકવા લાગ્યા.

        ભારતીય વિજ્ઞાની એકદમ ભોંઠો પડી ગયો. કેટલાક ગોરા વિજ્ઞાનીઓએ બૂમો પાડી : "આ કાળિયો હિન્દુસ્તાની આપણને વિજ્ઞાન શીખવવા આવ્યો છે ! જા, ભાઈ જા, મદારીના ખેલ કરીને તારા દેશીઓને રિઝવ !"

        આવી બૂમો સાંભળતાં જ ભારતીય વિજ્ઞાનીના ચહેરા પર એક ચમક આવી ગઈ. એણે કશોક નિર્ણય કરી લીધો હોય એવું લાગ્યું.

        બીજી જ ક્ષણે એણે ઝેરની પ્યાલી પોતાને મોંએ માંડી દીધી.

        સભા ફરી વાર આભી બની ગઈ. અચંબા અને અચરજમાં સૌ ડૂબી ગયા.

        થોડીક ક્ષણ આવી સ્થિતિ રહી. પછી એકાએક સૌને ભાન થયું કે ભારતીય વિજ્ઞાની તો જગતનું કાતિલમાં કાતિલ ઝેર ખાઈ ગયો છે! એ... હમણાં મડદું થઈને હેઠો પડશે !

        અરે, આપણે આ શું કર્યું? બિચારાની મશ્કરી કરવી જોઈતી નહોતી. એને માઠું લાગી ગયું લાગે છે...

        પણ આ શું? ભારતીય વિજ્ઞાની તો હજુ ઊભો છે ! ઊભો છે એટલું જ નહીં મરકમરક હસે છે.

        કોઈ કશું પૂછે કારવે તે પહેલાં જ એ વિજ્ઞાનીએ હાથ ઊંચા કર્યા. અને એ બુલંદ અવાજે બોલ્યો,"દોસ્તો ! આપ ગભરાશો નહીં. હું મરવાનો નથી, કારણ કે આ ઝેર તો બનાવટી છે !"

        સભામાં વળી ગોકીરો મચી ગયો. લોકો એકબીજાના કાનમાં મોં નાખીને પૂછવા લાગ્યા કે આ શું ?

        એટલામાં વળી યુવાન ભારતીય વિજ્ઞાનીનો અવાજ ગાજી ઊઠ્યો, દોસ્તો ! મને મારા આ યંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. મારી જાત કરતાં પણ વધુ વિશ્વાસ છે. એ મને દગો દે જ નહીં.

        મેં મારી પ્રયોગશાળામાં એના વડે અનેક સફળ પ્રયોગો કર્યા છે. જો મને આપવામાં આવેલો પાવડર પોટેશિયમ સાયનાઈડ હોત તો છોડ પર એની અસર થયા વગર ન રહેત.

        પરંતુ વિજ્ઞાનીઓની આ સભામાં મને જૂઠો પાડવા માટે અને મને બદનામ કરવા માટે કોઈ અદેખાઓએ કાવતરું કર્યું છે. મને ઝેરને બદલે કોઈ નકામી ચીજ આપવામાં આવી છે, જેથી મારો પ્રયોગ સફળ ન થાય.

        યુવાન ભારતીય વિજ્ઞાનીની આ વાતે વળી હોહા મચાવી મૂકી. પ્રયોગના સંચાલકોએ હવે ખરેખરું પોટેશિયમ સાયનાઈડ હાજર કર્યું. એના વડે આ પ્રયોગ સંપૂર્ણપણે સફળ થયો. ભારતીય વિજ્ઞાનીની વાહ વાહ થઈ રહી.

        આ ભારતીય વિજ્ઞાનીનું નામ જગદીશચંદ્ર બસુ. વનસ્પતિમાં પણ જીવ છે અને એને સુખદુઃખની લાગણી થાય છે, એવું સાબિત કરીને એમણે દુનિયાભરમાં નામના મેળવી.

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન