કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

થોમસ આલ્વા એડિસન


    ગ્રામોફોન તથા વીજળીના ગોળા જેવી અજબ શોધો કરનાર મહાન અમેરિકન વૈજ્ઞાનિક એડિસને એક વાર એક નવા યંત્રની શોધ કરી.

     થોડા સમય પછી એક ઉત્પાદક કંપનીના માલિકનો એમની ઉપર ફોન આવ્યો: "આપ જલદી અમને મળો, અમારે આપની શોધ ખરીદી લેવી છે."

    એડિસન એ શોધ વેચાતી આપવા ચાલ્યા. રસ્તામાં વિચાર કરતા ચાલ્યા કે આ શોધની કિંમત કેટલી માગવી? ઘડીભર એમણે ધાર્યું કે દસ હજાર ડોલર તો માગવા જ.

     પરંતુ થોડીક રકઝક તો થાય જ અને ખરીદનાર બહુ ખેંચતાણ કરે તો છ હજાર ડોલર સુધી સોદો પતાવી દેવો.

     આખરે તેઓ પેલી કંપનીના માલિક પાસે પહોંચ્યા. એણે એડિસનનો સત્કાર કર્યો અને પૂછ્યું, "સાહેબ, આ શોધ અમે ખરીદવા માગતા હોઈએ તો કિંમત શી લેશો?"

      એડિસને વિનય બતાવતાં કહ્યું, "નહિ, પહેલાં આપ બોલો."

       કંપની માલિક એ શોધ હાથ કરવા ખૂબ આતુર જ હતો. એટલે એ બોલ્યો, "વીસ હજાર ડોલર આપું તો?"

      એડિસનથી પૂછાઈ ગયું, "વીસ હજાર ડોલર?!"

      એડિસનને તો ખરેખર આવડી મોટી રકમનું આશ્ચર્ય થયું હતું અને સવાલ એમના મોંમાંથી નીકળી ગયો હતો. પણ કંપની માલિકને લાગ્યું કે એડિસનને વીસ હજારની રકમ ઓછી પડે છે.

      આથી એણે જલદી જલદી કહ્યું, "અચ્છા, તો ચાલીસ હજાર ડોલર રાખો, બસ?"

      એડિસન તરત જ બોલી ઊઠ્યા, "કબૂલ, કબૂલ!"

       કંપની માલિકે ઝટપટ કરારપત્ર તૈયાર કરાવી નાખ્યો અને એણે એડિસનને કહ્યું, "સાહેબ! એક સાચી વાત કહું?"

       એડિસન બોલ્યા, "ખુશીથી કહો."

       "શોધ બદલ સાઠ હજાર ડોલર સુધી આપવાની તૈયારી કરીને બેઠો હતો."
       
        એડિસને હસીને કહ્યું, "અને હું છ હજાર ડોલર સુધી સ્વીકારવાની તૈયારી કરીને આવ્યો હતો!"

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !