અરે! - ગુજરાતી પ્રેમકથા

  અરે! - ગુજરાતી પ્રેમકથા:

     પદવીદાન (ડિગ્રી માટેના) સમારોહમાં મળેલી અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન)ની ડિગ્રી અને મેડલ લઈને કારમાં સાથે આવેલા પોતાના મિત્ર સાર્થક જોડે ઘરે પહોંચ્યા બાદ સમારોહથી થાકીને લોથપોથ થઈ ગયેલાં અભિનવે સોફા પર આડા પડીને લંબાવ્યું અને સામે ઊભેલા મિત્ર સાર્થકે કંઈ કામ હોય તો રોકાઉં એમ પૂછતાં તેનો આભાર માનતા કહ્યું, તું જઈ શકે છે, ક્યારેક યાદ કરજે અને આવજે પણ. જરાય સંકોચાતો નહીં. આમ પણ હું હવે ઘરે એકલો જ છું.

     અભિનવનું દિલ વ્યથિત હતું. આટલાં વર્ષ જે કોલેજને પોતાની જ હોય એમ માનીને અભ્યાસ કર્યો એમાંથી આખરે એણે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે જ વર્ષે અભિનવે યુ.પી.એસ.સી.ની આઇ.એ.એસ.ની પરીક્ષા પણ પાસ કરી હતી. તેથી કોલેજનો અભ્યાસ પૂર્ણ થયાં બાદ નોકરી શોધવાનો કોઈ સવાલ જ ન હતો. અભિનવને વર્ગ-૧નાં એક ઉચ્ચ અધિકારી તરીકે સારી નોકરી મળી ગઈ હતી.

     હવે, એકલા એકલા ગૃહજીવનમાં શું કરવું એવાં વિચારથી એ થરથરી ગયો હતો. પરિવારજનોમાં પણ હવે મમ્મી-પપ્પા તો હતાં નહીં! મોટો ભાઈ પણ વિદેશમા નોકરી મળતાં ત્યાં જ લગ્ન કરી ગોઠવાઈ ગયો હતો. નાણાંનો તો કોઈ સવાલ નથી, કામવાળી બાઈ કામ કરી જાય છે અને ટિફિન બંધાવેલું જ છે,  એટલે બીજી કોઈ વ્યવસ્થાની જરૂર પણ નથી. તેમજ કોલેજનો અભ્યાસ પૂર્ણ થવાથી હવે થોડો આરામ મળશે. પણ અહીં શ્રેયા થોડી હોવાની!  ખુશ રહે એવું એણે હંમેશા ઈચ્છયું છે.

     શ્રેયા એને ખૂબ જ ગમતી હોવા છતાં એ તેને બહુ બહુ તો ખાસ મિત્ર જ માની શકે! એના કરતાં એ ત્રણ વર્ષ વધુ ઉંમરનો હતો. શ્રેયા તેનો ખૂબ જ ખ્યાલ રાખતી અને બધી જ અંગત વાતો કરીને પોતાના પ્રેમાળ સ્વભાવથી તેની વધુ નજીક આવીને ગાઢ મિત્ર તો બની જ ગઈ હતી. એ રૂપાળી, સોહામણી હોવા છતાં શ્રેયાને કોઈ યુવક સાથે હજી સુધી પ્રેમ ન થયો હોવાનું જાણી ખૂબ જ આશ્ચર્ય થયું હતું. એ તેની સાથે દિલ ખોલીને જે કંઈ હોય તે કહેતી એટલે જ તો એણે એકવાર મર્યાદાભંગ ન થાય એ રીતે તેને કોઈ સાથે પ્રેમ થયો જ હશે એમ પૂછતાં એણે ખૂબ ઝડપથી કહ્યું હતું, 'હા...હા...તમારી સાથે અને પછી ખડખડાટ હસી પડી હતી. ત્યારે એણેય તેને પૂછ્યું હતું કે 'તમે મને પ્રેમ કરો ખરાં?' જવાબમાં એણે એને કહ્યું હતું કે 'ધારો કે હા પાડું તોય કોઈ અર્થ નથી, તમારા અને મારા વિચારો કે જીવન મેળ ખાતાં નથી.' શ્રેયાએ તે અંગે તેને પૂછતાં એ જવાબ ન આપી શક્યો. માતાપિતાનાં અવસાન બાદ અભિનવને જીવનનિર્વાહમાં નિરસ થઈ ગયો હતો. એને એકલતા લાગતી હતી. પણ એને લાગતું ન હતું કે પોતાના જીવનસાથીને તે આઘાતમાંથી નીકળીને સુખ આપી શકશે.

      જ્યારે શ્રેયાએ એમ કહ્યું કે 'તમારા જીવનમાં સહભાગી થવા હું તો છું ને!' ત્યારપછી શ્રેયા વધુ આગળ ન વધે તે માટે એણે એને કહ્યું હતું કે એવી બધી વાતો કરવાને બદલે કોઈ સારો છોકરો શોધીને પરણી જા! મારી એક ગર્લફ્રેન્ડ પહેલાંથી છે જ, જેની સાથે થોડાં મહિના પછી લગ્ન થવાનાં છે. તને છોકરો ન મળતો હોય તો હું શોધી આવું. આ વાત સાંભળીને એણે કહ્યું હતું કે, 'એવું નથી કે મને કોઈ છોકરો નથી મળતો, પરંતુ કંઈક તો યોગ્યતા હોવી જોઈએને? હવે તો હું એવી કંટાળી ગઈ છું કે મેરેજ જ નથી કરવા. પરિવારજનો કહે તો કહી દઉં છું કે જાવ મને ગમે એવો છોકરો લઈ આવો ને પછી વાત કરો! તમે ખરાબ નહીં લગાડતાં પણ છેલ્લે તો હું તમને જ પરણી જાત. પણ તમારા તો મેરેજ નક્કી થઈ ગયાં છે, જેવાં મારા નસીબ!'

    એની એ વાત સાંભળીને અભિનવને ખુબ દુઃખ થયું હતું. પ્રેમ ક્યાં બધાના નસીબમાં હોય છે! પરિસ્થિતિ કેવી સર્જાઈ! અભિનવ પણ શ્રેયાને પ્રેમ કરતો હતો. પણ તેનું વ્યથિત મન તેને શ્રેયા સાથે લગ્ન કરતાં રોકતું હતું. એટલે જ એણે લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે જ તો એને શ્રેયા ગમવા છતાં તે અન્ય યુવાન પ્રેમીને પરણી સુખી થાય એમ ઈચ્છતો હતો. એ ખોટાં શમણા ન જુએ તે માટે જ પોતાની એક ગર્લફ્રેન્ડ હોવાની અને તેની સાથે લગ્ન નક્કી થયાં હોવાની ખોટી વાત કરી હતી.

      હવે પોતે જ શ્રેયા માટે સારો છોકરો શોધી કાઢશે એમ એણે વિચાર્યું ત્યાં જ ડોરબેલ વાગતાં એણે અત્યારે રાતે કોણ આવ્યું હશે, એમ વિચારીને ઊભા થઈને બારણું ખોલતાં જ આશ્ચર્યથી એની આંખો ચાર થઈ ગઈ! એણે 'શ્રેયા, તું...?તું? અત્યારે કેમ? શું કંઈ પ્રોબ્લેમ છે કે શું?' એમ પૂછતાં એ સાથેની બેગ ખેંચીને અંદર આવતાં બોલી, 'જરાં શ્વાસ તો લેવા દો, પછી બધી વાત કરું!'

      શ્રેયાએ બેગ એક બાજુ મૂકી, બારણું બંધ કરી અભિનવને બાહુપાશમાં જકડતાં કહ્યું, 'જુઠ્ઠા, મને છેતરતાં તમારું દિલ કેમ ન તૂટી ગયું! હવે હું તમને છોડવાની નથી.'

      'અરે...અરે...! આ શું કહે છે? પાગલ થઈ ગઈ છે કે શું? મેં તને શું છેતર્યો?' અભિનવે તેને દૂર કરવાનો પ્રયાસ કરતાં કહ્યું.

        'તમારી કોઈ ગર્લફ્રેન્ડ નથી છતાં કેમ કહ્યાં કર્યું કે તમારા લગ્ન નક્કી થઈ ગયાં છે!' શ્રેયાએ તેનો ગાલ ખેંચતા મીઠો ઠપકો આપતા કહ્યું.

        'એવું તને કોણે કહ્યું?' અભિનવે અચાનક શ્રેયાને ખરી વાતની જાણ થતાં આશ્ચર્યથી પૂછ્યું.

        'તમે જાતે જ તમારા ખાસ મિત્ર સાર્થકભાઈને કહ્યું હતું ને! એણે જ મને કહ્યું કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ નથી કે તમારા કોઈની સાથે લગ્ન નક્કી થયાં નથી. બોલો, એ શું ખોટું છે!' શ્રેયાએ અભિનવનો હાથ પકડીને સોફા પર બેસતા કહ્યું.

        'શું વાત કરે છે? મેં એવું કંઈ કહ્યું જ નથી!' અભિનવે કહ્યું.

        'પણ તમે તમારા મિત્રને એમ ન કહ્યું હતુ કે હવે તમે ઘરે એકલા જ છો, ગમે ત્યારે આવજે! મને સારું લાગશે.' શ્રેયાએ હળવાશથી કહ્યું.

        'એ તો એમ જ!' અભિનવ થોથવાયો એટલે શ્રેયાએ કહ્યું, 'જે સત્ય હતું તે બહાર આવી ગયું છે. મને પણ શંકા હતી જ! પણ પૂછતાં ડર લાગતો હતો. આ તો તમારા મિત્ર સાર્થકભાઈએ સીધા જ મને મળવા આવી કહ્યું કે, 'અભિનવ જૂઠું કહેતા હતાં. એ તો એકલા જ છે. તેમની કોઈ ગર્લફ્રેન્ડ નથી.' એની વાત સાંભળી, મેં તમે કેમ એવું જુઠ્ઠાણું ચલાવ્યું તેનો તાગ મેળવ્યો. આપણા વચ્ચે લાગણીનો સંબંધ બંધાતા તમે હું તમારા પ્રેમમાં પડી લગ્ન કરવા ન કહ્યું અને બીજાં કોઈને પરણીને સુખી થાઉં તે માટે જ આમ નાટક કર્યું હતું. બોલો, સાચી વાત કે ખોટી?'

      'હા, સાચી વાત પણ એથી શું? આપણા વચ્ચે મૈત્રીથી વધુ કોઈ સંબંધ ન હોઈ શકે સમજી!' અભિનવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

      'એ તો મારે જોવાનું છે! તમારે મને સુખી કરવી હોય તો મને સ્વીકારશો, બાકી એક વાત નોંધી લો. હું અત્યાર સુધી તમારા પ્રેમ ખાતર જ બીજા કોઈને પરણી નથી કે પરણવાની નથી.'

      'હેં! એમ વાત છે, તો બહું સારું...મને પણ મારી ભૂલ સમજાય છે. જે છોકરી મને આટલો પ્રેમ કરી શકે એને હું કેવી રીતે છોડી શકું. હવે તો હું જ તને નહીં જવા દઉં.' કહી અભિનવ શ્રેયાને બાહુપાશમાં જકડી ઊંચકીને બેડરૂમમાં લઈ ગયો. થોડાં સમય બાદ અભિનવ અને શ્રેયાએ લગ્ન કરી લીધાં અને પોતાનું સુખમય પ્રેમાળ જીવન એકબીજા સાથે વ્યતીત કરવા લાગ્યાં.


Comments

Post a Comment

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !