પટાવાળાના પિતરાઈઓ

પટાવાળાના પિતરાઈઓ


રત્નાગિરીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક પારસી મેજિસ્ટ્રેટ હતા.

પોતે કોઈ જ વાહન વસાવેલું નહિ.

ક્યાંય જવા-આવવાનું થાય ત્યારે ભાડાની ઘોડાગાડીનો ઉપયોગ કરે.

કોર્ટની દીવાલ પર ટિંગાડેલા ઘડિયાળમાં પાંચના ડંકા પડ્યા.

મેજિસ્ટ્રેટે કેસને અટકાવી દીધો.

ચેમ્બરમાં થોડીક પળ આરામ કરી મેજિસ્ટ્રેટ સાહેબે પટાવાળાને બોલાવ્યો : ‘જો ભાઈ, મારા માટે ભાડાની એક ગાડી કરી આવ. કોઈ સારો સિગરામવાળો મળે તો કાયમનું જ એની સાથે નક્કી કરી નાખજે, જેથી રોજરોજ બોલાવવાની ઝંઝટ તો મટે !'

થોડી વાર પછી પટાવાળો એક સિગરામવાળાને બોલાવી આવ્યો.

મેજિસ્ટ્રેટ સાહેબે એમાં બેઠક લીધી.

રેવાલ ચાલે ચાલતો સિગરામ થોડી વારમાં તો મેજિસ્ટ્રેટ સાહેબના બંગલા પાસે આવીને ઊભો રહ્યો.

સાહેબની બેગ લઈ પટાવાળો અંદર આવ્યો ત્યારે સાહેબે પૂછ્યું:

'ભાડાના રોજના કેટલા પૈસા આપવાનાં નક્કી કર્યા છે ?'

‘સાહેબ , દર ફેરાના આપણે દસ આના આપવાના નક્કી કર્યા છે. રોજ સમયસર અહીં આવીને ગાડીવાળો ઊભો રહેશે.’

પટાવાળાના હાથમાં દસ આનાનું પ્રચૂરણ મૂકી, સાહેબ અંદરના રૂમમાં કપડાં બદલવા ગયા.

બહાર આવી પટાવાળાએ પૈસા ચૂકવી દીધા.

સિગરામવાળો, પટાવાળાએ તારીફ કરી હતી એવો જ, નિયમિત નીકળ્યો. ભાડું મેળવવા ભલે એ આખા શહેરમાં રખડતો હોય, પણ ઘડિયાળમાં પાંચના ટકોરા થાય ત્યારે કોર્ટમાં અચૂક ઊભો જ હોય.

એની નિયમિતતા પર મેજિસ્ટ્રેટ સાહેબ વારી ગયા.

બંગલે પહોંચતાં જ પટાવાળા દ્વારા હંમેશ એનું ભાડું બરાબર દસ આની ચૂકવી દેતા.

હવે બન્યું એવું કે પટાવાળો એક દિવસ સખ્ત માંદગીને બિછાને પટકાયો.

સાહેબને એકલા સિગરામમાં બેસી બંગલે આવવું પડયું.

સિગરામમાંથી ઊતરીને સાહેબે એક રૂપિયો સિગરામવાળાને આપ્યો.

એણે સાહેબને આઠ આના પાછા આપ્યા.

મેજિસ્ટ્રેટ સાહેબ આઠ આની હાથમાં પકડી ઘડીભર ઊભા રહ્યા.

પછી પૂછ્યું: 'ભાઈ, તારી ભૂલ તો નથી થતી ને? છ આનાને બદલે આઠ આના પાછા કેમ આપ્યા? આજ મગજ ઠેકાણે છે કે નહિ?'

‘નહિ, સાહેબ, રોજના આઠ આના જ લઉં છું.'

મેજિસ્ટ્રેટ સાહેબ તો આઠ આના ચૂકવીને બંગલામાં આવ્યા.

પટાવાળાની અપ્રામાણિકતાએ એમના હૈયાને હચમચાવી નાખ્યું.

લાંબી માંદગીમાંથી સાજો થઈ પટાવાળો ફરજ પર હાજર થયો.

એ દિવસે રાબેતા મુજબ, કોર્ટ છૂટયા. પછી, મેજિસ્ટ્રેટ બંગલે પહોંચ્યા ત્યારે પટાવાળાના હાથમાં દસ આના મૂકતાં બોલ્યા:

‘લે ભાઈ, આ દસ આના. આઠ આના ગાડીવાળાને ચૂકવી દેજે, બે આના તારા કમિશનના રાખજે.'

આ ઓચિંતા ધડાકાથી પટાવાળો તો હબક ખાઈ ગયો. એનું મુખ સફેદ પૂણી જેવું થઈ ગયું. બહાર જઈ, કંપતે કાળજે ને ધ્રુજતે હાથે ગાડીવાળાના આઠ આના ચૂકવી દીધાં. પછી સાહેબની સન્મુખ માથું ઢાળી, બે હાથ જોડી ઊભો રહ્યો. માફી માગતાં બોલ્યો: ‘ભૂલ થઈ ગઈ, સાહેબુ માફ કરો.'
 
ખૂબ જ મનોમંથન અનુભવતા હોય એવી વ્યથાભરી નજરે મેજિસ્ટ્રેટ ઘડીભેર પટાવાળા સામે જોઈ રહ્યા. પછી ધીરે રહીને બોલ્યા:

‘અલ્યા, કોઈની સાથે નહિ અને મારી સાથે જ ચાલબાજી રમ્યો? મેં તારામાં કેટલો બધો વિશ્વાસ મૂક્યો હતો! એ વિશ્વાસનું તે ખૂન કર્યું ? જયારે શાક-પાંદડાંમાંથી બેચાર આના ચ્હા-પાણીના કાઢતાં ઘરઘાટીઓની વાત સાંભળતો, કડિયા-સુથારને માલ અને મજૂરીમાંથી કમિશન કાઢતા જોતો ત્યારે મને થતું કે આ બધાની સરખામણીમાં મને પટાવાળો ખૂબ જ પ્રામાણિક મળ્યો છે. અરે, તારી આ પ્રામાણિકતાને પરિણામે તો કોઈ સારી જગ્યાએ તને ઠેકાણે પાડવાનો વિચાર કરી રહ્યો હતો. પણ જ્યારે તારે અસલ પોત મારી સામે પ્રકાશ્યું ત્યારે મારા એ વિશ્વાસના ચૂરેચૂરા થઈ ગયા.'

પ્રસંગ તો ખૂબ જ નાનકડો છે, પરંતુ નાનો તોય રાઈના દાણા જેવો છે. સમાજના દરેક ઘરના લોકોને વિચારતા કરી મૂકે એવો છે. સમયને અભાવે ઘણા લોકો પોતાનાં અગત્યનાં કામ બીજાને સોંપતાં હોય છે. એમનો વિશ્વાસ કેટલો ‘વટાવાતો' હોય છે એનાથી એ લોકો અજાણ હોય છે. પણ સમાજનો મોટો ભાગ આ પટાવાળાના પિતરાઈઓથી જ ભરેલો છે. આ પિતરાઈઓ પોતાનામાં વિશ્વાસ મૂકનારાને છેતરે છે. એ ભૂલી જાય છે કે, એમને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામના એ ટ્રસ્ટી છે. પોતાનું સમજીને એ કામ કરવાનું છે. એ વખતે પોતાનું લવલેશ પણ હિત કે સામાનું અહિત વિચારવાનું નથી.’

મહારાષ્ટ્રના આ પારસી મેજિસ્ટ્રેટ હતા ખારેઘાટે.

Fun Fact: My Real character is like Dishonest Peon.


Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન