૨. પ્રકાંડમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Stem)

વનસ્પતિશાસ્ત્ર - 302
વનસ્પતિ દેહધર્મવિદ્યા અને વનસ્પતિ પરિસ્થિતિવિદ્યા
(Plant Physiology and Plant Ecology)
યુનિટ - ૧ : અંતઃસ્થવિદ્યા - I 


૨. પ્રકાંડમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Stem)


વનસ્પતિના પ્રકાંડનું પ્રાથમિક કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ક્ષારાના વહનમાં તેમજ પર્ણો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાકના વહનમાં મદદ કરવાનું છે. પ્રકાંડની રચના આ કાર્ય માટે અનુકૂળ બને છે. સામાન્ય રીતે પ્રકાંડમાં જોવામાં આવતી પેશીઓ, ત્રણ પ્રકારના પેશીતંત્રો (tissue systems) ની ૨ચનો કરે છે.

(૧) અધિસ્તરીય પેશીતંત્ર (Epidermal tissue system) : આ પેશીતંત્રમાં અધિસ્તર અને અધિસ્તરના બહિરુભેદોનો સમાવેશ થાય છે. બહિરુદભેદોમાં પ્રકાંડ રોમો, શલ્કી રોમો (scales) વગેરેનો સમાવેશ થાય છે. પ્રકાંડ વનસ્પતિનો હવામાં આવેલો ભાગ હોવાથી, અધિસ્તરના કોષોની બહારની દીવાલ ઉપર રક્ષણ માટે ક્યુટિન (Cutin)નું આવરણ હોય છે. આ આવરણને રક્ષકત્વચા (cuticle) કહેવામાં આવે છે. વાતવિનિમય માટે અધિસ્તરના કોષોની વચ્ચે છિદ્રો રહે છે, જેઓને પર્ણરંદ્રો કે પર્ણછિદ્રો કહેવામાં આવે છે.

(૨) આધાર પેશીતંત્ર (Ground tissue system) : દ્વિદળી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં, આ પેશીતંત્રમાં બે સ્પષ્ટ ભાગ જોઈ શકાય છે. બહારના ભાગને (cortex)  અને અંદરના ભાગને મધ્યરંભ (stele) કહે છે. હંસરાજની ગાંઠામૂળીમાં અને મકાઈના  પ્રકાંડમાં ઉપર દર્શાવેલા ભાગો સ્પષ્ટ જોઈ શકાતા નથી.

(૩) સંવહન પેશીતંત્ર કે વાહક પેશીતંત્ર (Conducting tissue system) : આ પેશીતંત્રમાં જલવાહિની અને અન્નવાહિની નામે ઓળખાતી જટિલ પેશીઓનો સમાવેશ થાય છે. દ્વિદળી, એકદળી અને અનાવૃત્તબીજધારી વનસ્પતિઓમાં આ પેશીઓ. એક જ ત્રિજ્યા ઉપર ગોઠવાઈને સહસ્થ વાહિપૂલ બનાવે છે, પરંતુ હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિમાં આ પેશીઓ સંકેન્દ્રિત વાહિપૂલો બનાવે છે. દ્વિદળી અને અનાવૃત્તબીજધારી વનસ્પતિઓમાં અન્નવાહિની અને જલવાહિની પેશી વચ્ચે વર્ધમાન કોષોનો સમૂહ જોવામાં આવે છે, જેને એધા કહે છે. ''એધાનું અસ્તિત્વ હોવાથી આવા પ્રકાંડમાં, પ્રાથમિક વૃદ્ધિ પછી પણ વૃદ્ધિની શક્યતા રહે છે. પ્રાથમિક વૃદ્ધિ પૂરી થયા પછી થતી આ વૃદ્ધિને દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે છે.” દ્વિદળી અને કેટલીક અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં સંવહન પેશીતંત્ર ધરાવતો મધ્યરંભનો ભાગ અંત:સ્તર નામના સ્તરના અસ્તિત્વને લીધે બાહ્યક પ્રદેશથી સ્પષ્ટ રીતે જુદો પડતો દેખાય છે. મકાઈ જેવી એકદળી અને હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિના વાહિપૂલોમાં એધાનું અસ્તિત્વ હોતું નથી, તેમ જ તે પાછળથી પણ ઉત્પન્ન થતી નથી, અને તેથી તેઓમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.

પ્રકાંડની રચનાત્મક લાક્ષણિકતાઓ :


વિવિધ વનસ્પતિઓના પ્રકાંડની અંતઃસ્થ સંરચના એકસરખી હોતી નથી, તેમ છતાં દ્વિદળી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડની રચનામાં સામ્ય છે. બંનેમાં વાહિપૂલો નિશ્ચિત સંખ્યામાં અને વર્તુળ અથવા વલયમાં ગોઠવાયેલાં છે. વાહિપૂલોમાં અન્નવાહિની અને જલવાહિની વચ્ચે એધા હોય છે. જલવાહિનીનું આદિદારું મધ્ય તરફ હોય છે, આવી જલવાહિનીને અંતરારંભી કહે છે. જલવાહિનીનો વિકાસ કેન્દ્રાપસારી કે કેન્દ્રોત્સારી (centrifugal) છે. વહિપૂલો સહસ્થ, એકપાર્શ્વસ્થ અને વર્ધમાન હોય છે. કેટલીક દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં (દા.ત. કોળામાં) અન્નવાહિનીના બે સમૂહો, જલવાહિનીની ઉપર તેમ જ નીચેની બાજુએ જોવામાં આવે છે. એધાનું અસ્તિત્વ હોવાથી આવા વાહિપૂલને સહસ્થ, દ્વિપાર્શ્વસ્થ અને વર્ધમાન કહે છે. એકદળી વનસ્પતિના પ્રકાંડમાં વાહિપૂલોની સંખ્યા અનિશ્ચિત હોય છે અને તેઓ આધારપેશીઓમાં વિકીર્ણ કે વિખરાયેલાં રહે છે. પ્રત્યેક વાહિપૂલ સહસ્થ, એકપાર્શ્વસ્થ અને અવર્ધમાન હોય છે.

આવૃત્ત બીજધારી વનસ્પતિના પ્રકાંડના મધ્યરંભના નીચે પ્રમાણે લાક્ષણિક્તાઓ હોય છે:

(૧) વાહિપૂલો સહસ્થ અને સામાન્ય રીતે એકપાશ્વસ્થ હોય છે.

(૨) જલવાહિનીનો વિકાસ કેન્દ્રાપસારી હોવાથી જલવાહિની અંતરારંભી (endarch) હોય છે.

(૩) દ્વિદળી અને અનાવૃત્તબીજધારી વનસ્પતિઓમાં વાહિપૂલો નિશ્ચિત સંખ્યામાં હોય છે અને એક વલય કે વર્તુળમાં ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક વાહિપૂલ વર્ધમાન હોવાથી દ્વિતીય વૃદ્ધિ શક્ય બને છે.

(૪) એકદળી વનસ્પતિના પ્રકાંડમાં વાહિપૂલો ઘણી જ મોટી સંખ્યામાં અને આધારપેશીમાં વિખરાયેલા કે વિકીર્ણ હોય છે. અન્નવાહિની અને જલવાહિની પેશી વચ્ચે એધા હોતી નથી અને તેથી દ્વિતીય વૃદ્ધિ થતી નથી, આવા વાહિપૂલો અવર્ધમાન હોય છે.

● એકદળી પ્રકાંડની અંત:સ્થ રચના (Intermal structure of Monocot stem) :


મકાઈ જેવી એકદળી વનસ્પતિના પ્રકાંડના પાતળા અનુપ્રસ્થ છેદને સેફ્રેનીનથી અભિરંજિત કરી, સૂક્ષ્મદર્શકથી જોતાં, તેમાં ત્રણ ભાગો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે : (અ) અધિસ્તર, (બ) આધારપેશી અને (ક) વાહિપૂલો. અહીં, અંતઃસ્તર અને પરિચક્ર જેવી રચનાઓ જોઈ શકાતી નથી; વાહિપૂલો એક વલયના સ્વરૂપમાં હોતાં નથી, પરંતુ તેઓ આધાર પેશીમાં વિકીર્ણ કે વિખરાયેલાં હોય છે.

(A) અધિસ્તર : આ એકસ્તરીય ૫ડ મૃદુતક કોષોનું બનેલું હોય છે. કોષોની બહારની દિવાલ ઉપર, ક્યુટિન નામના સકાર્બનિક પદાર્થથી નિર્માણ પામેલી, જાડી રક્ષક ત્વચા (ક્યુટિકલ) જોવામાં આવે છે. આ સ્તર ઉપર સૂર્યમુખીના જેમ રોમો હોતા નથી. અર્થાત, તેની સપાટી સુંવાળી હોય છે. પર્ણરંધ્રો જોઈ શકાય છે. પર્ણરંધ્રો રક્ષક કોષો, તેમ જ ગૌણ કોષોથી રક્ષાયેલાં હોય છે. આ સ્તરનું કાર્ય રક્ષણનું તેમ જ વાતવિનિમયનું છે.


(B) આધાર પેશી : સૂર્યમુખીની જેમ મકાઈના પ્રકાંડમાં મુખ્ય બાહ્યક, અંત:સ્તર અને પરિચક્ર જેવા ભાગો હોતા નથી.

આધારપેશીમાં સૌથી બહારનાં બે કે ત્રણ સ્તરો દઢોતકી કોષો ધરાવે છે અને અધઃસ્તર નામે ઓળખાતા ભાગની રચના કરે છે. આ સ્તરના કોષોની દીવાલ લિગ્નિનથી સ્થૂલિત થયેલી હોવાથી, પ્રકાંડને જરૂરી આધાર અથવા મજબૂતી મળી શકે છે.

અધઃસ્તરની નીચે આવતા આધાર પેશીના કોષો પાતળી દીવાલવાળા મૃદુતક હોય છે, જેઓની વચ્ચે વાહિપૂલો જોવામાં આવે છે.

મકાઈ અને અન્ય એકદળી વનસ્પતિના પ્રકાંડમાં જોવામાં આવતા મધ્યરંભને એટેક્ટોસ્ટીલી (atactostele) કહેવામાં આવે છે. આ પ્રકારના મધ્યરંભમાં વાહિપૂલો આધારપેશીમાં વિખરાયેલાં હોય છે.

(C) વાહિપૂલો : વાહિપૂલો ઘણી મોટી સંખ્યામાં હોય છે અને તેઓ આધારપેશીમાં વિકીર્ણ કે વિખરાયેલાં હોય છે. પરિઘ તરફ આવેલાં વાહિપૂલો નાનાં, સંખ્યામાં વધુ અને પાસે પાસે ગોઠવાયેલાં હોય છે. આ વાહિપૂલોમાં દઢોતકી પુલકંચુક સંપૂર્ણ હોતું નથી; મધ્ય તરફ આવેલાં વાહિપૂલો મોટાં, સંખ્યામાં ઓછાં અને એકબીજાથી દૂર હોય છે. તેઓમાં પૂલકંચુક સંપૂર્ણ રીતે વાહિપૂલને વીંટળાયેલું હોય છે. દઢોતકી પૂલ કંચુક ધરાવતા આવા વાહિપૂલને તંતુમય (fibrovascular) વાહિપૂલ કહે છે. પ્રત્યેક વાહિપૂલ સહસ્થ, એકપાર્થસ્થ અને અવર્ધમાન હોય છે. વાહિપૂલ અવર્ધમાન હોવાથી મકાઈના પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. વાહિપૂલમાં જલવાહિનીનો વિકાસ કેન્દ્રોત્સારી હોવાથી, જલવાહિની અંતરારંભી હોય છે. અન્નવાહિની ઉપરની બાજુએ જ્યારે જલવાહિની નીચેની બાજુએ હોય છે.

૧. અન્નવાહિની : અન્નવાહિની ચાલની નલિકા અને સાથી કોષો ધરાવે છે. આ જટિલ પેશી, વાહિપૂલમાં ઉપરની બાજુએ જોવામાં આવે છે. ચાલની નલિકા અષ્ટકોણીય હોય છે. ચાલની નલિકાની આસપાસ ચાર ચોરસ કે લંબચોરસ સાથી કોષો જોવામાં આવે છે. આ પેશીના કોષો નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે.

૨. જલવાહિની : જલવાહિની અંગ્રેજી અક્ષર 'V' જેવા આકારમાં જોઈ શકાય છે. અનુદારૂ બહારની બાજુએ અને 'V' ના બંને જુદા પડતા છેડાઓ પર હોય છે, જ્યારે આદિદારૂ અંદરની તરફ અને 'V' ના તલપ્રદેશ તરફ હોય છે. જલવાહિનીમાં ફક્ત ચાર જ વાહિનીઓ હોય છે – બે અનુદારૂ અને બે આદિદારૂ. અનુદારૂ ગર્તાકાર સ્થૂલન બતાવે છે, જ્યારે આદિદારૂમાં કુન્તલાકાર અને વલયાકાર સ્થૂલન જોઈ શકાય છે. અનુદારૂવાહિનીઓ વચ્ચે, જાડી લિગ્નનયુક્ત કોષદીવાલ ધરાવતા કેટલાંક કોષો હોય છે, જેઓને જલવાહિની કોષો કે દારૂવાહિનીકીઓ કહે છે. સંપૂર્ણ વિકાસ પામેલાં વાહિપૂલોમાં આદિદારૂની નીચે એક કોટર જોવામાં આવે છે. આ કોટરને ભંગજાત કોટર (lysigenous cavity) કહે છે. આદિદારૂની નીચે આવેલા કેટલાંક મૃદુતકી કોષોની દીવાલ નાશ પામતાં આ કોટર ઉત્પન્ન થાય છે.

● મકાઈના પ્રકાંડનો આયામ છેદ :


મકાઈના પ્રકાંડમાં આયામ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરી સૂક્ષ્મદર્શકથી તપાસતાં તેમાં નીચે દર્શાવ્યા મુજબ રચના જોઈ શકાય છે.

(અ) અધિસ્તર : આ સ્ત૨ના કોષો લાંબા સમવ્યાસી અને પાતળી દીવાલવાળા હોય છે. ૨ક્ષક ત્વચા જાડી હોય છે. પર્ણરંધો કે વાયુરંધ્રો જોઈ શકાય છે.


(બ) આધાર પેશી : આ પ્રદેશમાં આવેલા કોષો મૃદુતકી અને પાતળી દીવાલવાળા હોય છે, જેમાં આયામ દિશામાં કપાયેલાં વાહિપૂલો જોઈ શકાય છે.

(૧) અધઃસ્તર : અધિસ્તરની નીચે આવતા આ સ્તરના કોષો, દઢોતકી હોવાથી લાંબા, સાંકડા અને બંને છેડે અણીદાર હોય છે. કોષદીવાલ લિગ્નિનથી સ્થૂલિત થયેલી હોવાથી સેફ્રેનીનથી અભિરંજિત થાય છે.

(ક) વાહિપૂલો : વાહિપૂલો આયામ દિશામાં કપાયેલાં હોય છે. વાહિપૂલોની બંને બાજુએ દઢોતક કોષોથી બનેલું પૂલકંચુક જોઈ શકાય છે. વાહિપૂલોમાં અન્નવાહિની અધિસ્તર તરફ, જ્યારે જલવાહિની અંદરની બાજુએ હોય છે.

(૧) અન્નવાહિની : ચાલની નલિકા કોષો અને સાથી કોષો ધરાવતી આ જટિલ પેશીના કોષોની સંરચના સૂર્યમુખી જેવી જ હોય છે. ચાલની નલિકા કોષોમાં ચાલની પટ્ટીકા જોઈ
શકાય છે.

(૨) જલવાહિની : આયામ છેદમાં જલવાહિનીના કોષોની દીવાલના સ્થૂલનો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અનુદારૂવાહિનીની દીવાલમાં ગર્તાકાર સ્થૂલન જોઈ શકાય છે. આદિદારૂવાહિનીની કોષદિવાલમાં વલયાકાર અને કુન્તલાકાર સ્થૂલનો જોવામાં આવે છે. વલયાકાર સ્થૂલન કેટલીક વખત ભંગજાત કોટરમાં પણ જોવામાં આવે છે.

● સૂર્યમુખીના તરૂણ પ્રકાંડની આંતરીક રચના (Internal structure of Sunflower Young Stem):


સૂર્યમુખીના તરૂણ પ્રકાંડના અનુપ્રસ્થ છેદને સેફ્રેનીનથી અભિરંજીત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેમાં નીચેની રચના જોવામાં આવે છે.

(અ) અધિસ્તર Epidemis) : મૃદુતક અથવા જીવિતક કોષોથી બનેલા આ એકસ્તરી પડનું પ્રાથમિક કાર્ય રક્ષણનું છે. આ સ્તરના કોષોમાંથી બહુકોષીય પ્રકાંડ રોમો ઉત્પન્ન થાય છે. કોષોની બહારની દીવાલ ઉપર પાતળી રક્ષકત્વચા (ક્યુટિકલ)નું નિર્માણ થાય છે. આ સ્તરના કોષોની વચ્ચે પર્ણરંધ્રો (પર્ણછિદ્રો) હોય છે, જેઓ વાતવિનિમયમાં મદદ કરે છે.

(બ) બાહ્યક (Cortex) : બાહ્યકમાં અધઃસ્તર, મુખ્ય બાહ્યક અને અંતઃસ્તરનો સમાવેશ થાય છે.

૧. અધઃસ્તર : અધિસ્તરની નીચે આવતા ભાગને અધઃસ્તર કહે છે. આ સ્તરમાં કોષોનાં ત્રણથી ચાર પડો જોવામાં આવે છે. આ કોષોની દીવાલ તેઓના ખૂણા આગળ સ્થૂલિત હોય છે અને તેથી આ કોષો દ્વારા બનતી પેશીને સ્થૂલકોણક કહે છે. કોષોમાં કવચિત્ નીકલણો પણ હોય છે. આ કોષોની દીવાલ સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે. અધઃસ્તર પ્રકાંડને યાંત્રિક આધાર અથવા મજબૂતી આપે છે. પર્ણરંધ્રોની નીચે આવતા આ પ્રદેશના કોષોમાં નીલકણો હોય છે. દરેક પર્ણરંધ્રની નીચે એક શ્વસનકોટર જોવામાં આવે છે.

૨. મુખ્ય બાહ્યક : આ પ્રદેશમાં આવતા કોષો પાતળી દીવાલવાળા અને મૃદુતકી હોય છે અને લગભગ ત્રણથી ચાર સ્તરો બનાવે છે. આ પ્રદેશમાં રાળવાહિનીઓ (resin ducts) જોવામાં આવે છે, જે રાળ નામના ઉત્સર્ગ પદાર્થનું વહન કહે છે. આ રાળવાહિની કે રાળનલિકાનો ઉદ્ભવ વિયુક્તજાત (schizogenous) હોય છે. આ પ્રકારના ઉદ્ભવમાં પાસપાસે આવેલા કોષો પરસ્પર એકબીજાથી વિખૂટા પડે છે અને તેમ થતાં કોષો વચ્ચે એક કોટર - ખાલી જગા ઉત્પન્ન થાય છે. પ્રત્યેક રાળવાહિની કદમાં નાની અને જીવંત સ્ત્રાવી કોષોથી વીંટળાયેલી હોય છે. સ્ત્રાવી કોષોના આ સ્તરને અધિચ્છદીય સ્તર કહે છે. રાળવાહિની સામાન્ય રીતે પ્રાથમિક મજ્જક રશ્મિઓની ઉપર આવેલા મુખ્ય બાહ્યકના પ્રદેશમાં જોવામાં આવે છે; બાહ્યક પાણી તેમ જ ખોરાકનો સંગ્રહ કરે છે.

૩. અંતઃસ્તર : બાહ્યકનું આ સૌથી અંદરનું સ્તર તરંગાકાર દેખાય છે. આ સ્તરમાં આવેલા કોષો લાંબા, મૃદુતકી અને નળાકાર હોય છે. કોષોમાં કાંજીના કણો જોવામાં આવે છે અને તેથી આ સ્તરને કાંજી સ્તર (starch sheath) કહે છે. આ સ્તરના કોષોની દીવાલ ઉપર કાસ્પેરિયન સ્થૂલન જોવામાં આવતું નથી અને તેથી તેને ફક્ત કાંજીસ્તર તરીકે જ ઓળખવું જોઈએ.

 
(ક) મધ્યરંભ : મધ્યરંભમાં વાહિપૂલો, પરિચક્ર, મજ્જાશુંઓ અને મજ્જાનો સમાવેશ થાય છે. વાહિપૂલોની સંખ્યા નિશ્ચિત હોય છે અને તેઓ એક વલયના સ્વરૂપમાં ગોઠવાય છે. વાહિપૂલોની વચ્ચે મજ્જાશુંઓ કે મજ્જાકિરણો જોવામાં આવે છે. મજાકિરણોનું અસ્તિત્વ હોવાથી જલવાહિની તેમ જ અન્નવહિની, સળંગ વલયના સ્વરૂપમાં હોતી નથી, નીચી કક્ષાની વનસ્પતિઓનાં પ્રકાંડોમાં જલવાહિની અને અન્નવાહિની સળંગ વલયના સ્વરૂપમાં
હોય છે. મજજાનું અસ્તિત્વ હોવાથી, આવા મધ્યરંભને નળાકાર મધ્યરંભ કહે છે. વાહિપૂલો એકબીજાથી સ્વતંત્ર હોય છે અને તેઓની વચ્ચે મૃદુતક કોષો જોવામાં આવે છે, જે વાહિપૂલોને પરસ્પર એકબીજાથી જુદાં પાડે છે. મૃદુતક કોષોનાં આ સમૂહને પર્ણઅવકાશ (leaf gap) કહે છે. પર્ણ અવકાશોનું અસ્તિત્વ હોવાથી, આવા નળાકાર મધ્યરંભ (siphonostele) ને વિચ્છેદિત નળાકાર મધ્યરંભ (dictyostele) કહેવામાં આવે છે.

દ્વિદળી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓનાં પ્રકાંડમાં જોવામાં આવતા મધ્યરંભને યુસ્ટીલી (eustele) કહેવામાં આવે છે. આ પ્રકારનાં મધ્યરંભમાં વાહિપૂલો વલયના સ્વરૂપમાં ગોઠવાયેલાં હોય છે.

૧. પરિચક્ર (Pericycle) : પરિચક્ર એકાંતરે આવેલા દઢોતક અને જીવિતક કોષોથી બને છે. પરિચક્રના દઢોતકી કોષોના સમૂહને કઠિન અધોવાહી (hard bast) કહેવામાં આવે છે. તે લગભગ પાંચથી છ સ્તરો જેટલી જાડાઈ ધરાવે છે. કઠિન અધોવાહિ વાહિપૂલની અન્નવાહિની ઉપર જોઈ શકાય છે. સેફ્રેનિનથી તે અભિરંજિત થાય છે. આધુનિક મત પ્રમાણે પરિચક્રનો કઠિન અધોવાહિ નામે ઓળખાતો ભાગ વાસ્તવિક રીતે અન્નવાહિનીનો જ ભાગ છે અને તેથી તેને બંડલ ટોપી (bundle cap) પણ કહે છે.

૨. વાહિની બંડલો કે વાહિપૂલો (Vascular bundles) : વાહિપૂલો લગભગ ૨૫ થી ૩૦ની સંખ્યામાં હોય છે અને એક વલયના સ્વરૂપમાં ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક વાહિપૂલ સહસ્થ, એકપાર્થસ્થ અને વર્ધમાન હોય છે. તેઓ ત્રિકોણાકાર કે ફાચર આકારનાં હોય છે. અન્નવાહિની, પરિચક્ર તરફ અને જલવાહિની મધ્ય કે મજ્જા બાજુ હોય છે. તેઓ અરીય દિશામાં ગોઠવાયેલાં હોય છે. અન્નવાહિની અને જલવાહિની વચ્ચે વર્ધમાન પેશીના કોષો હોય છે જેને એધા કહે છે. વાહિપૂલમાં આવેલી આ એધાને પૂલીયએધા (fascicular cambium) કે પૂલાન્તરી એધા (intrafascicular cambium) કહેવામાં આવે છે. પાર્શ્વીય એધાનું અસ્તિત્વ હોવાથી વાહિપૂલમાં પણ દ્વિતીય વૃદ્ધિ થઈ શકે છે.

(i) અન્નવાહિની (Phloem) : આ પેશી વાહિપૂલમાં ઉપરની બાજુએ હોય છે. અન્નવાહિનીમાં ચાલની નલિકા કોષો, સાથી કોષો અને અન્નવાહિની મૃદુતક કોષો જોઈ શકાય છે. ચાલની નલિકા કોષો, અનુપ્રસ્થ છેદમાં બહુકોણીય દેખાય છે. કોષદીવાલો પાતળી હોય છે. ચાલની નલિકા કોષો સાથે સંપર્કમાં આવેલા ત્રિકોણાકાર અથવા ચતુષ્કોણીય કોષો, સાથી કોષો છે. તેઓ ચાલની નલિકા કોષો કરતાં પ્રમાણમાં નાના હોય છે. ચાલની નલિકા અને સાથી કોષો એક જ માતૃકોષમાંથી ઉદ્ભવે છે. અન્નવાહિની મૃદુતક કોષોની દીવાલ સેલ્યુલોઝ કે કાષ્ટકની બનેલી હોય છે. અન્નવાહિનીમાં જોવામાં આવતા વિવિધ કોષો પરસ્પર સહનિયમન દર્શાવે છે અને ખોરાકના વહનમાં મદદ કરે છે.

(ii) એધા (Cambium) : અન્નવાહિનીની નીચે આવેલા અર્ધચંદ્રાકાર દિશામાં ગોઠવાયેલા કોષોને એધા કહેવામાં આવે છે. આ પેશીના કોષો વર્ધનશીલ હોવાથી, પાતળી દીવાલવાળા હોય છે. એધાના કોષો જીવંત અને આંતરકોષીય અવકાશો રહિત છે. આ વર્ધનશીલ પેશીના કોષો અન્નવાહિની અને જલવાહિનીની વચ્ચે વર્ધમાન કોષોનું એક જ સ્તર બનાવે છે. સ્તરની બંને બાજુએ એધા જેવા જ દેખાતા કોષો વાસ્તવમાં એધામાંથી ઉદ્દભવેલા કોષો છે, પરંતુ એધા નથી. એવા હંમેશા એકસ્તરીય હોય છે. આ પેશીના કોષો વર્ધમાન હોવાથી, વિભાજન પામી શકે છે અને તેથી દ્વિતીય વૃદ્ધિ શક્ય બને છે.

(i) જલવાહિની (xylem) : આ જટિલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ હોય છે. કેન્દ્રાભિમુખી અને અરીય હારોમાં ગોઠવાયેલી આ પેશીના પરિચક્ર તરફ આવેલા કોષો વ્યાસમાં મોટા હોય છે જેને અનુદારૂ કહે છે. મજા તરફ આવેલા કોષો વ્યાસમાં નાના અથવા સાંકડા હોય છે, જેને આદિદારૂ કહે છે. અનુદારૂના કોષો વચ્ચે દઢોતક તંતુઓ હોય છે, જેઓને જલવાહિની દઢોતક તંતુઓ કહે છે. આદિદારૂના કોષો વચ્ચે, તેમ જ આદિદારૂની નીચે આવેલા જીવિતક કોષોને, જલવાહિની મૃદુતક (જીવિતક) કોષો કહે છે. જલવાહિનીનો વિકાસ કેન્દ્રોત્સારી હોવાથી, જલવાહિની અંતરારંભી (endarch) કહે છે.

આયામ છેદમાં અનુદારૂ ગર્તાકાર અને જાલાકાર સ્થૂલનો બતાવે છે, જ્યારે આદિદારૂમાં વલયાકાર અને કુન્તલાકાર સ્થૂલન જોવામાં આવે છે.

૩. મજ્જક રશ્મિઓ (Medullary rays) : બે વાહિની બંડલો વચ્ચે આવેલા મૃદુતક કોષો અરીય દિશામાં ગોઠવાયેલા હોય છે. આ કોષો પ્રમાણમાં લાંબા હોય છે. અરીય દિશામાં ગોઠવાયેલા આ કોષો મજ્જક રશ્મિઓનું નિર્માણ કરે છે. મજ્જક રશ્મિઓ (મજ્જાંશુઓ) કે મજ્જાકિરણો દ્વારા ખોરાક તેમ જ પાણીનું પાર્શ્વીય સંવહન શક્ય બને છે. આ કોષો દ્વિતીય વૃદ્ધિ સમયે કાર્યશીલ બની દ્વિતીય વર્ધમાન પેશીનું સર્જન કરે છે, જેને આંતરપુલીય એધા (interfascicular cambium) કહે છે. આ એધા, વાહિપૂલની એધા સાથે સંયોજાઈને એક સળંગ એધાવલયનું નિર્માણ કરે છે, જે મધ્યરંભમાં થતી દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે.

૪. મજ્જા (Pith) : મધ્યમાં આવતા મૃદુતક કોષો મજ્જા બનાવે છે. તેમાં કવચિત રાળવાહિનીઓ (રાળનલિકાઓ) જોવામાં આવે છે.

સૂર્યમુખીના પ્રકાંડનો આયામ છેદ :


સૂર્યમુખીના પ્રકાંડના આયામ છેદમાં નીચે દર્શાવેલી રચના જોઈ શકાય છે.

(અ) અધિસ્તર : અધિસ્તરના કોષો લાંબા, સમવ્યાસી અને પાતળી દીવાલવાળા હોય છે. તેના ઉપર બહુકોષીય પ્રકાંડ રોમો જોવા મળે છે. રક્ષક ત્વચા પણ જોઈ શકાય છે. આ સ્તરમાં પર્ણરંદ્રો (વાયુરંધ્રો) પણ જોવામાં આવે છે.


(બ) બાહ્યક : બાહ્યકમાં અધઃસ્તર, મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર અનુક્રમે નીચે મુજબ રચના બતાવે છે :

૧. અધઃસ્તર : આ સ્તરમાં આવેલા સ્થૂલકોણક કોષો લાંબા, સાંકડા અને બંને છેડે અણીદાર હોય છે. કોષદીવાલ સેલ્યુલોઝ અને પ્રેક્ટિન દ્રવ્થી સ્થૂલિત થાય છે. સ્થૂલન એકસરખાં પ્રમાણમાં હોતું નથી. કોષોમાં નીલકણો જોઈ શકાય છે.

૨. મુખ્ય બાહ્યક : આ પ્રદેશના કોષો પ્રમાણમાં નાના સમવ્યાસી અને લંબાઈમાં મોટા હોય છે. કોષદીવાલ પાતળી હોય છે. કોષોમાં નીલકણો હોય છે. આ પ્રદેશમાં આવેલા કોષો વચ્ચે લાંબી નલિકાઓ જોઈ શકાય છે, જેથી બંને પાર્શ્વ બાજુએ સાંકડા કોષો હોય છે. આ નલિકા રાળનલિકા કે રાળવાહિની છે. રાળનલિકાની પાર્શ્વબાજુએ આવેલા કોષો અધિચ્છદીય સ્તરના કોષો છે.

૩. અંતઃ સ્તર : આ સ્તરના કોષો લાંબા અને નળાકાર હોય છે. કોષદીવાલ પાતળી હોય છે. કોષોમાં કાંજીના કણો જોઈ શકાય છે, જે આયોડિનથી ભૂરો રંગ ધારણ કરે છે.

(ક) મધ્યરંભ : મધ્યરંભમાં પરિચક્ર, અન્નવાહિની, એધા, જલવાહિની અને મજ્જા વગેરે જોવામાં આવે છે.

૧. પરિચક્ર : પરિચક્ર દઢોતકી અને મૃદુતકી કોષોથી બનેલું હોય છે. પરિચક્રનું સ્વરૂપ, છેદ કયા પ્રદેશમાંથી પસાર થયો છે, તેના ઉપર આધાર રાખે છે. દઢોતકી કોષો લાંબા, સાંકડા અને બંને છેડે અણીદાર હોય છે. કોષદીવાલ લિગ્નિનથી સ્થૂલિત થાય છે. સ્થૂલન સરખા પ્રમાણમાં હોય છે. વાહિપૂલની અન્નવાહિની ઉપર આ દઢોતકી પરિચક્ર કઠિન અધોવાહી બનાવે છે.

૨. અન્નવાહિની : અન્નવાહિનીમાં ચાલની નલિકા, સાથી કોષો અને અન્નવાહિની મૃદુતક કોષો હોય છે. ચાલની નલિકા લાંબી નલિકાઓના સ્વરૂપમાં હોય છે. નલિકાઓ વચ્ચે આવેલી અનુપ્રસ્થ છિદ્રિષ્ટ દીવાલને ચાલની પટ્ટિકા કહે છે. ચાલની નલિકામાં કોષરસ અને પ્રવાહી સ્વરૂપમાં ખોરાક હોય છે. કોષકેન્દ્ર હોતું નથી. પ્રત્યેક ચાલની નલિકા સાથે એક નાનો, લાંબો, સાંકડો, પાતળી દીવાલવાળો અને સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો કોષ જોવામાં આવે છે, જેને સાથી કોષ કહેવામાં આવે છે. અન્નવાહિની મૃદુતક કોષો ચોરસ કે લંબચોરસ આકારના અને પાતળી દીવાલવાળા હોય છે. કેટલીક વખત આ કોષોની દીવાલ સેલ્યુલોઝથી સ્થૂલિત થાય છે. સ્થૂલન સામાન્ય રીતે પાર્શ્વીય દીવાલો ઉપર હોય છે.

૩. એધા : આ કોષો પાતળી દીવાલવાળા, આંતરકોષીય અવકાશોરહિત અને ત્રાકાકાર હોય છે. કોષોમાં જીવરસ હોય છે. અન્નવાહિની અને જલવાહિનીની વચ્ચે તેઓ એક જ સ્તર બનાવે છે.

૪. જલવાહિની : જલવાહિનીમાં અનુદારૂની દીવાલ જાલાકાર અને ગર્તાકાર સ્થલન ધરાવે છે. અનુદારૂનો વ્યાસ પ્રમાણમાં પહોળો હોય છે. દીવાલ લિગ્નિનથી સ્થૂલિત થાય છે.  અનુદારૂવાહિની વચ્ચે કેટલાંક લાંબા, સાંકડા, બંને છેડે અણીદાર, લિગ્નિનયુક્ત કોષદીવાલ ધરાવતા કોષો જોવામાં આવે છે. આ કોષો જલવાહિની દઢોતક કોષો છે. આદિદારૂની દીવાલમાં વલયાકાર અને કુન્તલાકાર સ્થૂલન જોવામાં આવે છે. આ વાહિનીઓનો વ્યાસ સાંકડો હોય છે; આ વાહિનીઓની વચ્ચે જોવામાં આવતા મૃદુતક કોષો, જલવાહિની મૃદુતક કોષો છે.

પ. મજ્જા : મજ્જાના કોષો મૃદુતક અને પાતળી દીવાલવાળા હોય છે. કોષો પહોળા, નાના, સમવ્યાસી અને જીવંત હોય છે. કવચિત્ રાળનલિકાઓ પણ જોઈ શકાય છે.

***

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !