૧. મૂળમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Root)

વનસ્પતિશાસ્ત્ર - 302
વનસ્પતિ દેહધર્મવિદ્યા અને વનસ્પતિ પરિસ્થિતિવિદ્યા
(Plant Physiology and Plant Ecology)
યુનિટ - ૧ : અંતઃસ્થવિદ્યા - I 


૧. મૂળમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Root)


   મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ થાય છે. આ કાર્ય કરવા માટે મૂળના પરિઘવર્તી સ્તરમાંથી એકકોષી મૂળરોમો ઉત્પન્ન થાય છે. મૂળરોમ ધરાવતા આ સ્તરને રોમસ્તર (pilferous layer) કહે છે. કોઈ પણ મૂળના છેદને તપાસતાં, તેમાં સામાન્ય રીતે ત્રણ પ્રદેશો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે : (૧) રોમસ્તર, (૨) બાહ્યક (cortax) અને (૩) મધ્યરંભ (stele).


    રોમસ્તર એ પરિઘવતી સ્તર છે, જે એકકોષી મૂળરોમો ધારણ કરે છે. મધ્યરંભ એ મૂળના છેદમાં જોવામાં આવતો મધ્યનો ભાગ છે. આ પ્રદેશમાં જલવાહિની અને અન્નવાહિની નામની પેશીઓ હોય છે. બાહ્યક એ મૂળના છેદમાં આવતો રોમસ્તર અને મધ્યરંભ વચ્ચેનો ભાગ છે. આ પ્રદેશ મુખ્યત્વે મૃદુતક કે જવિતક કોષયુક્ત (parenchymatous) હોય છે. બાહ્યક અને મધ્યરંભી વચ્ચે આવતું સળંગ સ્તર અંતઃસ્તર (endodermis) નામે ઓળખાય છે. અંતઃસ્તર બાહ્ય કનું સૌથી અંદરનું સ્તર છે.

   મૂળની સંરચનાત્મક લાક્ષણિકતાઓ : વિવિધ વનસ્પતિઓનાં મૂળની અંતઃસ્થ સંરચનાનો અભ્યાસ કરતાં, તેઓની સંરચનામાં સામ્ય છે તેમ માલૂમ પડે છે. નીચે દર્શાવેલી લાક્ષણિકતાઓ સામાન્ય રીતે મોટા ભાગની વનસ્પતિઓના મૂળોમાં જોવામાં આવે છે.

    (૧) જલવાહિની અને અન્નવાહિની પેશીઓ જુદી જુદી ત્રિજ્યાઓ ઉપર હોય છે. આ પ્રકારની ગોઠવણીને એકાન્તરિક કહે છે. જલવાહિની અને અન્નવાહિની પેશીઓ વાહિપૂલ બનાવે છે અને આથી મૂળમાં જોવામાં આવતાં વાહિપૂલોને અરીય (radial) કહેવામાં આવે છે. આધુનિક મત પ્રમાણે, મધ્યરંભને પણ અરીય કહે છે. અરીય મધ્યરંભને પ્રાથમિક મધ્યરંભ કે આદિમધ્યરંભ (protostele) ગણવામાં આવે છે.

   (૨) જલવાહિનીનો વિકાસ કેન્દ્રાભિસારી (centripetal) હોય છે, કારણ કે વિકાસ બહારની દિશામાંથી અંદરની બાજુએ થાય છે. પ્રથમ ઉત્પન્ન થયેલી જલવાહિનીને આદિદારૂ (protoxylem) અને પાછળથી ઉદ્ભવેલી જલવાહિનીને અનુદારૂ (mataxylem) કહેવામાં આવે છે. આદિદારૂનું સ્થાન અંતઃસ્તર તરફ, જ્યારે અનુદારૂનું સ્થાન મધ્યમાં કે મધ્ય તરફ હોય છે. આ પ્રકારની જલવાહિનીને બહિરારંભી (exarch) કહેવામાં આવે છે.

   (૩) સ્થૂલકોણક પેશી (collenchyma) સામાન્યતઃ જોવામાં આવતી નથી; પરંતુ વોનગુટેંબર્ગ (Von Guttenberg) ના મત મુજબ, કેટલીક સપુષ્પ વનસ્પતિના મૂળના બાહ્યકમાં આ પેશી જોવા મળે છે.

   (૪) યાંત્રિક પેશીનું (mechanical tissue) સ્થાન મૂળના મધ્યમાં અથવા તો બાહ્યકના અંદરના ભાગમાં હોય છે.

   (પ) પરિવર્તી સ્તર જેને રોમસ્તર (અધિસ્તર કે મૂલાધિસ્તર) કહે છે તે સામાન્ય રીતે એકસ્તરીય હોય છે અને પાતળી દીવાલવાળા કોષો ધરાવે છે. આ સ્તરમાં રંદ્રો હોતાં નથી. શોષક પ્રદેશમાં આ સ્તર એકકોષી મૂળરોમો ધારણ કરે છે. મૂળરોમો અધિસ્તરના કોષોના
નલિકાકાર બહિરુદ્ભેદો છે. કેટલીક વનસ્પતિમાં આ સ્તર લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આવી વનસ્પતિમાં તેમજ હવાઈ મૂળમાં આ સ્તરની બાહ્યદીવાલ ક્યુટિકલથી રક્ષિત થાય છે.

   (૬) મૂળની ટોચે મૂળટોપી વર્ધમાન પેશી અધોઅગ્રસ્થ (subterminal) હોય છે, જ્યારે પ્રકાંડમાં આ પેશી અગ્રસ્થ (terminal) હોય છે.

   (૭) બાહ્યક રચનામાં સરળ અને સમજાત હોય છે. તે મુખ્યત્વે મૃદુતક કોષોથી બને છે અને સંગ્રહનું કાર્ય કરે છે. તે મધ્યરંભ કરતાં પ્રમાણમાં વધુ સ્થાન રોકે છે.

   (૮) બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર સામાન્ય રીતે એકસ્તરીય હોય છે અને સ્પષ્ટ કાસ્પેરિએન સ્થૂલન (casparian thickening) ધરાવે છે.

   (૯) પાર્શ્વમૂળોનો ઉદ્ભવ પરિચક્રના કોષોમાંથી થતો હોવાથી તેઓ અંતર્જાત હોય છે.

● એકદળી મૂળની અંતઃસ્થ રચના (Internal Structure of Monocot Root)

   સામાન્યતઃ એકદળી વર્ગની વનસ્પતિઓના મૂળ તંતુમય આગતુક પ્રકારના હોય છે. અહીં એકદળી મૂળની અંત:સ્થ રચના શીખવા માટે મકાઈના મૂળની ચર્ચા કરીશું.

   મકાઈ એકવર્ષાયુ છોડ છે. જેમાં વનસ્પતિમાં ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતું પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે. તે નાશ પામે છે. એટલે નાજુક તંતુ જેવા આગન્તુક મૂળો પ્રકાંડના તલ પ્રદેશમાંથી કે અધરાક્ષમાંથી સમુહમાં ઉત્પન્ન થાય છે. આ બધા મૂળો અગ્રાભિવર્ધીક્રમમાં હોતા નથી. આ પ્રકારના ભૂમિગત આગંતુક મૂળને તંતુમૂળ કહે છે.

    મકાઈના આ તંતુમૂળ અથવા બીજી કોઈ એકદળી વનસ્પતિના મૂળનો અનુપ્રસ્થ છેદ સેફ્રેનીન વડે અભિરંજીત કરી સૂક્ષ્મદર્શકયંત્રમાં તપાસતા બહારથી અંદરની તરફ નીચે પ્રમાણે પેશીઓ જોવા મળે છે.

   (A) રોમસ્તર અથવા મૂલાધિસ્તર : મૂળના આ પરિધવર્તી સ્તરના કોષોમાંથી પાતળી દીવાલવાળા, નલિકાકાર બહિરુદભેદો નીકળતા જોઈ શકાય છે. તેઓને મૂળરોમો કહેવામાં આવે છે. આ સ્તરના કોષો પાતળી દીવાલવાળા અને અનિયમિત આકારના હોય છે. સુવિકસિત મૂળમાં અને અવલંબન મૂળમાં આ સ્તરના કોષો રક્ષકત્વચા (cuticle) થી રક્ષાયેલ હોય છે. ભૂમિગત મૂળના આ સ્તરનું કાર્ય જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું હોવાથી, તેના ઉપર ૨ક્ષક ત્વચા હોતી નથી.

   (B) બાહ્યક : બાહ્યકમાં બહિ:સ્તર, અધ:સ્તર, અંત:બાહક અને અંતઃસ્તરનો સમાવેશ થાય છે. આમ, રોમસ્તર અને મધ્યરંભ વચ્ચે આવેલા પ્રદેશમાં પેશીય ભિન્નત્વ થયેલું જોઈ શકાય છે.

   ૧. બહિ:સ્તર : રોમસ્તરની નીચે જોવામાં આવતા બાહ્યકના પ્રથમ સ્તરને બહિસ્તર (exodermis) કહેવામાં આવે છે. આ સ્તરના કોષો મોટા, બહુકોષીય, સુબેરિનયુક્ત જાડી દીવાલવાળા હોય છે અને તે મૂલાધિસ્તર અથવા રોમસ્તર નાશ પામતાં રક્ષણનું કાર્ય કરે છે.

    ૨. અધ:સ્તર : બહિસ્તર પછી આવતા બાહ્યકની બે કે ત્રણ સ્તરો દઢોતકથી બનેલા હોય છે. આ સ્તરોના કોષોની દીવાલ શરૂઆતમાં સેલ્યુલોઝયુક્ત હોય છે, જે પાછળથી લિગ્નિંન દ્રવ્યથી સ્થૂલિત બને છે અને તેથી સેક્રેનિનથી ચમકતો લાલ રંગ ધારણ કરે છે. બાહ્યકના આ પ્રદેશને અધઃસ્તર કે બાહ્યબાહ્યક (hypodermis; outer cortex) પણ કહે છે.

    ૩. અંત:બાહ્યક : અધઃસ્તરની નીચે આવતા મધ્યરંભ સુધીના આ પ્રદેશમાં મૃદુતકી કોષો હોય છે. આ પેશીના કોષો પાતળી દીવાલવાળા અને આકારમાં ગોળ કે લંબગોળ હોય
છે. કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવામાં આવે છે. અવલંબન મૂળના આ પ્રદેશમાં અનિયમિત અરીય વાતકોટરો (air cavities) જોવામાં આવે છે. જે વાત-વિનિમયના કાર્યમાં મદદ કરે છે. બાહ્યકના આ પ્રદેશને અંત:બાહ્યક (inner cortex) કહેવામાં આવે છે. બાહ્યકના છેક અંદરના સ્તરને અંત:સ્તર કહે છે.

    ૪. અંત:સ્તર : આ સ્તરના કોષોની અરીય તેમજ અંદરની દીવાલ લિગ્નિન અને સુબેરિન દ્રવ્યથી સ્થૂલિત થયેલી હોય છે. આ સ્થૂલન અંગ્રેજી અક્ષર આડા C' જેવું દેખાય છે.

     કુમળા મૂળમાં મૂળરોમો જોવા મળે છે, જે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરે છે. આ પૂરવઠો મધ્યરંભના જલવાહિ સમૂહો સુધી જઈ શકે તે માટે અંતઃસ્તરમાં આદિજલવાહિનીઓની સામે આવેલા અંતઃસ્તરના કેટલાંક કોષોમાં સ્થૂલન હોતું નથી. આ કોષો કોષરસથી ભરેલા
અને પાતળી દીવાલવાળા હોય છે; તેમને પથકોષો (passage cells) કહે છે. મૂળ ઘરડું થતાં મૂળરોમો સહિત મૂલાધિસ્તર નાશ પામે છે, તેની સાથે પથ કોષોનું કાર્ય પણ પૂરું થાય છે. આ કોષો તેમની અંદરની તેમજ અરીય દીવાલો પર લિગ્નિન અને સુબેરિનનું 'C' આકારનું સ્થૂલન ઉત્પન્ન કરે છે.
   (C) મધ્યરંભ : મધ્યરંભમાં પરિચક્ર, જલવાહિની, અન્નવાહિની અને મજ્જાનો સમાવેશ થાય છે. જલવાહિની અને અન્નવાહિની સમૂહોની સંખ્યા લગભગ ૨૫ થી ૩૦ જેટલી હોય છે અને તેઓ જુદી જુદી ત્રિજ્યાઓ ઉપર ગોઠવાયેલી હોય છે. આવી ગોઠવણીને એકાન્તરિક કહે છે. જલવાહિની બહિરારંભી હોય છે. જલવાહિની અને અન્નવાહિનીના સમુહોની સંખ્યા ઘણી હોવાથી, આવા મધ્યરંભને બહુસૂત્રી (polyarch) કહે છે.

   ૧. પરિચક : અંતઃસ્તરની નીચે આવેલું આ સ્તર પાતળી દીવાલવાળા મૃદુતક કોષોથી બનેલું છે. આદિદારુની ઉપર આવેલા આ સ્તરના કોષો વિભાજન પામી પાર્થ મૂળો ઉત્પન્ન કરે છે. મકાઈના મૂળના છેદમાં પાર્થ મૂળોનું અસ્તિત્વ જોવામાં આવે છે, જેનો ઉદ્ભવ અંતર્જાત છે.

   ૨. જલવાહિની : જલવાહિની સમૂહો અન્નવાહિની સમૂહોથી જુદા હોય છે, જલવાહિનીનો વિકાસ કેન્દ્રાભિસારી હોવાથી, આદિદારૂ પરિચક્ર ત૨ફ જોવામાં આવે છે. જલવાહિની બહિરારંભી હોય છે. આદિદારૂ કુન્તલાકાર અને વલયાકાર સ્થૂલન બતાવે છે. અનુદારના કોષો પરસ્પર એકબીજા સાથે દઢોતક કોષોથી જોડાયેલા હોય છે. દેઢોતક કોષો (સંયોજી પછી) અનુદારૂની બદી બાજુએ વીંટળાય છે અને આમ મધ્યમાં જરૂરી યાંત્રિક પેશીનું સર્જન થાય છે.

   ૩. અનુવાહિની : ચાલની નલિકાઓ અને સાથી કોષો ધરાવતા અન્નવાહિની સમૂહ ઘણાં જ નાના હોય છે અને બે આદિદારૂ સમૂહોની વચ્ચે જોવામાં આવે છે. મકાઈ એકદળી વનસ્પતિ હોવાથી તેમાં અન્નવાહક મૃદુતકો જોવા મળતા નથી.

    ૪. મજ્જા : મજ્જાનું પ્રમાણ સૂર્યમુખી કરતાં અહીં વધુ હોય છે અને તે મધ્યના પ્રદેશનો મોટો ભાગ રોકે છે. કોષો પાતળી દીવાલવાળા અને મૃદુતકી હોય છે. કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકોશો જોઈ શકાય છે. સુવિકસિત મૂળમાં અને હવાઈ મૂળમાં મજ્જાના કેટલાંક કોષો જાડી દીવાલવાળા બને છે. મકાઈના મૂળમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.

● દ્વિદળી મૂળની અંત:સ્થ રચના (Internal Structure of Dicot Root)

    સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં સાધારણ પ્રાથમીક મૂળ તેની શાખાઓ કરતાં જાડું અને લાંબુ સોટી જેવું હોય છે અને તેમાંથી પાર્શ્વશાખાઓ અગ્રાભિવર્ધીક્રમમાં ઉત્પન્ન થાય છે.
તેની શાખાઓ કરતાં જાડા અને લાંબા સોટી જેવા પ્રાથમીક મૂળને સોટીમૂળ (tap root) કહે છે. દ્વિદળી મૂળની અંત:સ્થ રચના શીખવા માટે સૂર્યમુખીના મૂળની ચર્ચા કરીશું.
 
    સૂર્યમુખી દ્વિદળી વનસ્પતિ છે. તેના મૂળના પાતળા અનુપ્રસ્થ છેદને સેફ્રેનીનથી અભિરંજિત કરી, સૂક્ષ્મદર્શકથી તપાસતાં તેમાં નીચેની રચના જોવામાં આવે છે.

    (A) રોમસ્તર અથવા મૂલાધિસ્તર : મૂળના પરિધ તરફના આ એકસ્તરીય પડમાંથી એકકોષી, પાતળી દીવાલવાળા નલિકાકાર બહિરુદ્ભેદો નીકળતા જોઈ શકાય છે, જેઓને મૂળરોમો કહે છે. આ સ્તરના કોષો નળાકાર અને પાતળી દીવાલવાળા હોય છે. આ સ્તરમાં
છિદ્રો હોતાં નથી; તેમજ તેની બાહ્ય દીવાલ ઉપર કોઈપણ પ્રકારનું રક્ષકસ્તર હોતું નથી. આ સ્તરનું પ્રાથમિક કાર્ય જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું છે.

    (B) બાહ્યક : બાહ્ય કમાં મુખ્ય બાહ્યક અને અંત:સ્તરનો સમાવેશ થાય છે.

    ૧. મુખ્ય બાહ્યક : રોમસ્તર અને મધ્યરંભ વચ્ચે આવેલા આ પ્રદેશમાં મૃદુતકી કોષો જોવામાં આવે છે. આ કોષો આકારમાં ગોળ અથવા લંબગોળ અને પાતળી દીવાલવાળા હોય છે. કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશો જોવામાં આવે છે. કોષોમાં નીલકણો હોતા નથી. કોષોમાં કેટલીક વખત ખોરાક મંડકણોના સ્વરૂપમાં સંગ્રહ પામેલો જોવામાં આવે છે. આ પ્રદેશનું કાર્ય ખોરાક અને પાણીનો સંગ્રહ કરવાનું તેમજ આશૂન બની આધાર આપવાનું છે. મૂળરોમ દ્વારા શોષાયેલું પાણી આ પ્રદેશમાં થઈને મધ્યરંભમાં પ્રવેશ પામે છે. બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંત:સ્તર કહે છે.

   ૨. અંત:સ્તર : બાહ્યક અને મધ્યરંભ વચ્ચે આવુતં આ સળંગ સ્ત૨ નળાકાર કોષોથી બનેલું છે. આ એકસ્તરીય સ્તરના કોષોની અરીય દીવાલો સુબેરિન યુક્ત પદાર્થથી સ્થૂલિત થાય છે, જેથી બાહ્યક અને મધ્યરંભની વચ્ચે હવાચુસ્ત સ્તરનું સર્જન થાય છે. સ્થૂલન પટ્ટીઓ અથવા બિંદુઓના સ્વરૂપમાં હોય છે. આ પટ્ટીઓ અથવા બિંદુઓને કાસ્પેરિઅન પટ્ટીઓ અથવા કાસ્પેરિયન બિંદુઓ (casparian strips; casparian dots) કહેવામાં આવે છે.

   (C) મધ્યરંભ : મધ્યરંભમાં પરિચક્ર, જલવાહિની, અન્નવાહિની અને મજાનો સમાવેશ થાય છે. સૂર્યમુખીના મધ્યરંભમાં ચાર જલવાહિની સમૂહો અને ચાર અન્નવાહિની સમૂહો જુદી જુદી ત્રિજ્યાઓ ઉપર હોય છે. આવી ગોઠવણીને એકાન્તરિક કહે છે, જલવાહિની બહિરારંભી હોય છે અને તેથી આદિદારૂ પરિચક્ર તરફ હોય છે. જલવાહિની અને અન્નવાહિની સમૂહો ચારની સંખ્યામાં હોવાથી આવા મધ્યરંભને ચતુઃસૂત્રી (tetrach) કહે છે. સૂર્યમુખીની કેટલીક જાતિઓનાં મૂળમાં જલવાહિની અને અન્નવાહિની સમૂહોની સંખ્યા ત્રણ, પાંચ, છ કે સાત જેટલી પણ જોવામાં આવે છે.

    (૧) પરિચક Pericycle) : અંતઃસ્તરની નીચે આવેલું આ એકસ્તરીય સ્તર, પાતળી દીવાલવાળા મૃદુત્તકી કોષોથી બનેલું હોય છે. જલવાહિનીની ઉપર આવેલા આ સ્તરના કોષો વિભાજન પામી, પાર્શ્વ મૂળોના નિર્માણમાં મદદ કરે છે. દ્વિતીય વૃદ્ધિ વખતે આ સ્તરના કોષો કાર્યશીલ બની પાર્શ્વીય એધાનું નિર્માણ કરે છે. આ એધા દ્વિતીય જલવાહિની અને દ્વિતીય અન્નવાહિની પેશીઓનું સર્જન કરે છે. આમ, આ સ્તર દ્વિતીય વૃદ્ધિમાં મદદ કરે છે. સૂર્યમુખી એકવર્ષાયુ વનસ્પતિ હોવાથી, પ્રકાંડના બાહ્યકના પ્રદેશમાં વૃદ્ધિ થતી નથી, પરંતુ મૂળમાં પરિચકના કોષો ત્વક્ષૈધા (phellogen) નામે ઓળખાતી દ્વિતીય પાર્શ્વીય વર્ધમાન પેશી ઉત્પન્ન કરે છે. એ એધા અંદરની બાજુ એ ઉપત્વક્ષા (pheloderm) અને બહારની બાજુએ ત્વક્ષા (phellem) નામે ઓળખાતી દ્વિતીય પેશીઓ ઉત્પન્ન કરે છે. ત્વક્ષા રક્ષણનું કાર્ય કરે છે.

    (૨) જલવાહિની : જલવાહિનીના ચાર અરીય સમૂહો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. જલવાહિની બહિરારંભી હોય છે. આદિદારૂનું સ્થાન પરિચક્ર તરફ હોય છે. આયામ છેદમાં તે કે વલયાકાર (annular) અને કુન્તલાકાર (spiral) સ્થૂલનો બતાવે છે. અનુદારૂનું સ્થાન છેદના મધ્યના ભાગ તરફ હોય છે. આયામ છેદમાં તે ગર્તાકાર (pitted) સ્થૂલન બતાવે છે. જલવાહિનીના કોષો અનુપ્રસ્થ છેદમાં વર્તુળાકાર દેખાય છે. સેફ્રેનીનથી અભિરંજિત કરાતાં જલવાહિનીની દીવાલ ચમકતો લાલ રંગ ધારણ કરે છે, કારણ કે દીવાલો લિગ્નિનથી
સ્થૂલિત થયેલી છે.

   (૩) અન્નવાહિની : અન્નવાહિની સમૂહો પણ ચારની સંખ્યામાં તેમજ જલવાહિની સમૂહોથી જુદા અને તેમને એકાંતરિક અને એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે.
અન્તવાહિની ચાલની નલિકાઓ, સાથી કોષો અને અન્નવાહિની મૃદુતક કોષોથી બને છે. કોષદીવાલમાં પેકટિન દ્રવ્યનું પ્રમાણ વિશેષ હોવાથી તે વક્રભાવી ગુણ ધરાવે છે. આ ગુણને લીધે આ પેશીના કોષોની દીવાલો પ્રકાશિત દેખાય છે.

   (૪) મજ્જા (Pith) : છેદના મધ્યમાં જોવામાં આવતો, અત્યંત નાનો મૃદુતક કોષોનો સમૂહ મજ્જા અથવા મજ્જક છે. કેટલાંક આ ભાગને ગર પણ કહે છે. જલવાહિની અને
અન્નવાહિની સમૂહોની વચ્ચે આવતા મૃદુતક કોષોના અરીય સમૂહો મજ્જક રશ્મિઓ છે. . વીધ ના પેશીના કોષોની દીવાલો પ્રકાશિત દેખાય છે. મજ્જક રશ્મિઓ (medullary rays), જલવાહિની અને અન્નવાહિની પેશી વચ્ચે સંબંધ છે તેનું સૂચન કરે છે. કેટલાંક વનસ્પતિશાસ્ત્રીઓ. આ સમૂહને સંયોજી પેશી (conjunctive issue) કહે છે. સંયોજી પેશી અથવા મસ્જક રશ્મિના કોષો વર્ધમાન બની વિભાજન પામી દ્વિતીય વૃદ્ધિમાં મદદ કરે છે.
 
    ‘‘સામાન્ય રીતે સૂર્યમુખીના મૂળમાં દ્વિતીય વૃદ્ધિ જલદી થતી હોવાથી પ્રાથમિક રચના જોઈ શકાતી નથી. બીજાંકુરણ વખતે ઉત્પન્ન થતાં ભૃણમૂલના અનુપ્રસ્થ છેદમાં જ પ્રાથમિક રચના જોઈ શકાય છે.

***

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !