શ્રીકૃષ્ણે રાધા સાથે લગ્ન શા માટે કર્યાં ન હતાં?

   તમે જાણો જ છો કે ભગવાન વિષ્ણુ ધરતી પર ધર્મની રક્ષા કરવા અને અધર્મનો નાશ કરવા વારંવાર અવતરિત થાય છે. તેમજ ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મી પણ ધર્મની રક્ષા માટે સહભાગી થવા તેમની સાથે અવતરિત થાય છે. 

   જ્યારે ભગવાન વિષ્ણુ ત્રેતાયુગમાં રામ થયાં, ત્યારે દેવી લક્ષ્મી સીતા થયાં. એમ જ ભગવાન વિષ્ણુ દ્વાપરયુગમાં કૃષ્ણ થયાં, ત્યારે દેવી લક્ષ્મી રુક્મણી થયાં.


   દ્વાપરયુગમાં એક વિદર્ભ નામનું રાજ્ય હતું. તેનાં રાજા ભીષ્મક હતાં. તેમનાં મહેલમાં દેવી લક્ષ્મી રુક્મણી રૂપે અવતર્યા હતાં. પુત્રી રુક્મણીનાં જન્મથી રાજા ભીષ્મક બહુ ખુશ થયા હતાં. પરંતુ રુક્મણીનાં જન્મનાં થોડાં માસ બાદ રુક્મણીને મારી નાખવા માટે રાક્ષસી પુતના રાજા ભીષ્મકનાં મહેલમાં આવી હતી. આ એ જ રાક્ષસી પુતના હતી જેણે કંસના કહેવા પર કૃષ્ણને વિષનુ સ્તનપાન કરાવી મારી નાખવાની કોશિશ કરી હતી. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના સ્તનપાન કરવાથી રાક્ષસી પુતના મૃત્યુને ભેટી હતી. આ પુતનાએ પોતાના વિષયુક્ત સ્તનપાનથી રુક્મણીને પણ મારવાની કોશિશ કરી હતી. પરંતુ રુક્મણીએ રાક્ષસી પુતનાનાં ઘણાં પ્રયત્નો બાદ પણ તેનું સ્તનપાન કર્યું ના હતું. 

   આ રીતે રાક્ષસી પુતના રુક્મણીને સ્તનપાન કરાવવાના અસફલ પ્રયત્નો કરી રહી હતી ત્યારે બાળકીના રડવાના અવાજથી મહેલના કેટલાક લોકો જ્યાં રાક્ષસી પુતના રુક્મણીને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં આવી પહોંચ્યા. અચાનક મહેલના કેટલાક લોકો આવી જતાં તેમને જોઈને રાક્ષસી પુતના રુક્મણીને લઈને આકાશમાં ઊડી ગઈ હતી. તે જોઈને મહેલના ઘણા માણસો તેની પાછળ દોડ્યા હતાં. પરંતુ રાક્ષસી પુતના રુક્મણીને લઈને આકાશમાં બહુ ઊંચે ઊડી ગઈ હતી. આ જોઈને મહેલના લોકોએ રુક્મણીની જીવીત રહેવાની આશા છોડી દીધી હતી.

   આ તરફ રુક્મણીએ ખૂબ ઊંચે લઈ જઈ રહેલી રાક્ષસી પુતનાથી પોતાને મુક્ત કરવા માટે પોતાનું વજન વધારવાનું શરૂ કરી દીધું હતું. આ રીતે રુક્મણીએ પોતાનું વજન એટલું વધારી દીધું હતું કે રાક્ષસી પુતનાને રુક્મણીનો ભાર સહન થતો ન હતો. તેથી રાક્ષસી પુતનાએ રુક્મણીને પોતાના હાથમાંથી છોડી દીધી હતી. રાક્ષસી પુતનાના હાથમાંથી છુંટતાં જ આકાશની ધરતી તરફ આવીને એક સરોવરનાં કમળ પર બિરાજમાન થઈ હતી.
 
   રાક્ષસી પુતનાના કારણે વિદર્ભ રાજ્યની રાજકુમારી રુક્મણી મથુરા રાજ્યના એક ગામ પરસાનાની પાસે એક સરોવરમાં કમળ પર પડી હતી. એ સમયે પરસાના ગામના એક નિવાસી વૃષવાન તેમની પત્ની કૃતીદેવી સાથે તે સરોવરના કિનારેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે તે દંપતીની નજર સરોવરમાં કમળ પર બિરાજીત બાળકી રુક્મણી પર પડે છે અને તેઓ રુક્મણીને કમળ પરથી ઊંચકીને પોતાની સાથે લઈ જાય છે. તેમજ તેઓ રુક્મણી પોતાની પુત્રી બનાવીને તેનું પાલન-પોષણ કરે છે અને તેનું નામ રાધા રાખે છે.

    રાધા જ્યારે મોટી થાય છે ત્યારે તેની મુલાકાત ગોકુળના ભગવાન શ્રીકૃષ્ણ સાથે થાય છે. તમે કૃષ્ણ અને રાધાના અતૂટ પ્રેમ અને રાસલીલા વિશે તો તમે જાણતા જ હશો અને તમે એ પણ જાણતા જ હશો કે કોઈ કારણથી વિવશ થઈને શ્રીકૃષ્ણે દ્વારકા જવું પડ્યું હતું. શ્રીકૃષ્ણએ વિચાર્યું હતું કે દ્વારકામાં નગરી બનાવીને ગોકુળ જઈને રાધાને તેડીને પોતાની રાણી બનાવીશ.

     આ તરફ વિદર્ભ દેશના રાજા ભીષ્મકને પણ ખબર પડી ગઈ કે રાધા જ તેની પુત્રી રુક્મણી છે. તેથી રાજા ભીષ્મક પોતાની પુત્રી રુક્મણી એટલે કે રાધાને પોતાના રાજ્યમાં લઈ જાય છે. વિદર્ભ રાજ્ય શ્રીકૃષ્ણના શત્રુનું રાજ્ય હતું. તેથી રાજા ભીષ્મકનો પુત્ર અને રુક્મણીની ભાઈ રુક્મી પોતાની બહેન રુક્મણીના લગ્ન કૃષ્ણ સાથે નહીં પણ પોતાના મિત્ર શિશુપાળ સાથે કરાવવા ઇચ્છતો હતો. પણ રુક્મણી કૃષ્ણને પોતાના મનથી વરી ચૂકી હતી.

   આ કારણે રુક્મણીએ સુદેવ નામના બ્રાહ્મણની મદદથી શ્રીકૃષ્ણને એક પત્ર લખી રુક્મણીનું હરણ કરી કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી શ્રી કૃષ્ણએ એક મંદિરમાંથી રુક્મણીની સહમતીથી તેમજ કૃષ્ણની પણ રુક્મણી એટલે કે પોતાની રાધા સાથે લગ્ન કરવાની ઈચ્છાથી રાજકુમારી રુક્મણીનું હરણ કરી પોતાના રથમાં લઈ ગયાં હતાં અને માધોપુર ખાતે શ્રીકૃષ્ણ અને રુક્મણી (રાધા)નાં લગ્ન થયાં હતાં. એટલે કે રાધા જ રુક્મણી હતી. તેમના લગ્ન પછી રુક્મણી શ્રીકૃષ્ણની મુખ્ય રાણી થઈ હતી. 

   આ જ કારણે જ્યારે પુરાણો કે ગ્રંથોમાં શ્રીકૃષ્ણના બાળપણમાં રાધાનો ઉલ્લેખ રુક્મણી સાથે થતો નથી. તેમજ શ્રીકૃષ્ણ અને રુક્મણીના લગ્ન પછી રાધાનો ઉલ્લેખ થતો નથી.

      ||ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ||

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !