3. પર્ણમાં પ્રાથમિક પેશી રચના(Primary Tissue Structure in Leaf)

વનસ્પતિશાસ્ત્ર - 302
વનસ્પતિ દેહધર્મવિદ્યા અને વનસ્પતિ પરિસ્થિતિવિદ્યા
(Plant Physiology and Plant Ecology)
યુનિટ - ૧ : અંતઃસ્થવિદ્યા - I 


3. પર્ણમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Leaf)


પર્ણદંડ અને પર્ણફલકમાં પણ મૂળ અને પ્રકાંડની જેમ અધિસ્તરીય પેશીતંત્ર, આધાર પેશીતંત્ર અને સંવહન કે વાહક પેશીતંત્ર જોઈ શકાય છે. અધિસ્તરીય પેશીતંત્ર અધિસ્તરનું નિર્માણ કરે છે. ફલકમાં આ પેશીતંત્ર ઉપરી અધિસ્તર અને ઉપરી અધિસ્તર બનાવે છે. આધાર પેશીતંત્ર આધારપેશી બનાવે છે. પર્ણફલકમાં આ પેશીતંત્ર પર્ણની મધ્યમાં અર્થાત્ બે અધિસ્તરોની વચ્ચે આવેલું છે. પર્ણફલકમાં આધાર પેશીતંત્રથી બનતી આધારપેશીને મધ્યપર્ણ પેશી કહે છે. પર્ણમધ્ય પેશીની રચના વિવિધ વનસ્પતિઓનાં પર્ણોમાં વિવિધ પ્રકારની હોય છે. દ્વિદળી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓનાં પર્ણોની મધ્યપર્ણ પેશીમાં બે પ્રકારના કોષો હોય છે. (૧) આ કોષોની આયામ ધરી ઉપરી અધિસ્તરના કોષોને કાટખૂણે રહે છે. ઉપરી અધિસ્તરની નીચે આવતા આ પેશીના કોષો લાંબા અને પાસે પાસે ગોઠવાયેલા હોય છે. આ કાષોમાં નીલકણો હોય છે. આવા કોષોથી બનતી પેશીને લંબોતક કે લંબપેશી (palisade tissue) કહે છે. (૨) નીચેના અધિસ્તર તરફ આવતા મધ્યપર્ણ પેશીના કોષો ગોળ, લંબગોળ કે અનિયમિત આકારના અને નીલકણોયુક્ત હોય છે. આ કોષો વચ્ચે મોટા આંતરકોષીય અવકાશો હોય છે. આવા કોષોથી બનતી પેશીને શિથિલોતક કે શિથિલ પેશી (spongy tissue) કહે છે. જે પર્ણોની મધ્યપર્ણ પેશીમાં, લંબપેશી અને શિથિલ પેશી જેવો ભેદ હોય છે, તે પર્ણોને પૃષ્ઠવલી (dorsi-ventral) કહેવામાં આવે છે.

મકાઈનાં પર્ણની મધ્યપર્ણ પેશીમાં ઉપર જોયો તેવો ભેદ હોતો નથી. બંને અધિસ્તર વચ્ચે આવતા મધ્યપર્ણ પેશીના કોષો રચનામાં સરખા છે અને તેથી મકાઈનું પર્ણ રચનાની દૃષ્ટિએ સૂર્યમુખીના પર્ણ કરતાં સરળ છે. આ પર્ણોમાં બંને અધિસ્તર તરફ આવેલા મધ્યપર્ણ પેશીના કોષો રચનાની દૃષ્ટિએ એકસરખા હોય છે અને તેથી તેઓને સમદ્વિપાર્થ (isobilateral) કહેવામાં આવે છે.

એકદળી પર્ણની અંતઃસ્થ રચના :


એકદળી પર્ણની આંતરીક રચના શીખવા માટે આપણે મકાઈના પર્ણના આડા છેદનો અભ્યાસ કરીશું.

મકાઈના પર્ણનો અનુપ્રસ્થ છેદ :


મકાઈના પાતળા અનુપ્રસ્થ છેદને મંદ સેક્રેનિનથી અભિરંજિત કરી, સૂક્ષ્મદર્શકથી તપાસતાં, તેમાં નીચેની રચના જોવામાં આવે છે.

૧. ઉપરી અધિસ્તર : આ અધિસ્તર પર્ણની ઉપરની સપાટી બનાવે છે. મૃદુતકી કોષોથી બનતા આ અધિસ્તરનાં આદ્રતાગ્રાહી કોષો (hygroscopic cells) અને પર્ણરંદ્રો જોઈ શકાય છે. એક સમચોરસ સે.મી.માં લગભગ ૫,૨૦૦ પર્ણરંદ્રો હોય છે. રક્ષત્વચા સુવિકસિત છે.

(I) આર્દ્રતાગ્રાહી કોષો : આ કોષો બે, ત્રણ કે કવચિત્ વધુ કોષોના સમૂહમાં હોય છે. આ કોષો અધિસ્તરના બીજા કોષો કરતાં પ્રમાણમાં મોટા હોય છે અને તેઓની બાહ્ય દીવાલ ક્યુટિકલથી રક્ષિત હોતી નથી. સામાન્ય રીતે આ કોષોની બંને બાજુએ વાંકા એકકોષીય રોમો હોય છે. આ રોમોને વક્રકંટક કહે છે. કવચિત્ આદ્રતાગ્રાહી કોષસમૂહની મધ્યમાંથી એક લાંબુ બહુકોષીય રોમ નીકળતું જોઈ શકાય છે. આ કોષો વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે તે અંગે સૂચન કરે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તો તેઓ પાણી ગુમાવે છે અને તે કારણથી તેઓને ભેજદર્શક કોષો પણ કહે છે. પાણી ગુમાવતાં સમગ્ર પર્ણફલક એક કિનારીથી બીજી કિનારી તરફ વીંટળાય છે અને તે કારણથી આર્દ્રતાગ્રાહી (ભેજદર્શક) કોષોને ચાલક કોષો (motor cells) કે યાંત્રિક કોષો પણ કહેવામાં આવે છે. આ કોષોની મદદથી વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયાનું નિયંત્રણ કરી શકે છે.

(ii) પર્ણરંદ્રો : ઉપરિ અધિસ્તર અને નીચેના અધિસ્તર તરફ આવેલાં પર્ણરંદ્રોની રચના સરખી હોય છે. ઉપરી અધિસ્તરમાં એક ચોરસ ઈંચમાં લગભગ ૬૦,૦૦૦ પર્ણરંદ્રો હોય છે, જ્યારે નીચેના અધિસ્તરમાં એક ચોરસ ઇંચમાં લગભગ ૧,૦૦,૦૦૦ પર્ણરંદ્રો હોય છે. પર્ણરંદ્રોની રચના તેમજ અધિસ્તરના કોષોનું સ્વરૂપ અધિસ્તરની સપાટીમાં (surface view) સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

અધિસ્તરના કોષોનો આકાર લંબચોરસ હોય છે. કોષો બે પ્રકારના હોય છે : નાના અને મોટા. નાના કોષોને લઘુકોષો કહે છે, જ્યારે મોટા કોષોને ગુરુકોષો કહે છે. આ કોષોની આયામ દીવાલ તરંગિત દેખાય છે.

પર્ણરંદ્રો સામાન્ય રીતે આયામ હારોમાં ગોઠવાયેલાં છે. પ્રત્યેક પર્ણરંદ્રની બંને બાજુએ એક ડમ્બેલ આકારનો રક્ષક કોષ હોય છે. રક્ષક કોષની બંને પાર્શ્વ બાજુએ એક ત્રિકોણાકાર કોષ હોય છે, જેને ગૌણ કોષ (subsidiary) કહે છે.

૨. મધ્યપર્ણ પેશી : મધ્યપર્ણ પેશીમાં સૂર્યમુખીની જેમ લંબોતક અને શિથિલ પેશી જેવી પેશીઓ હોતી નથી. બંને અધિસ્તર તરફ આવતા કોષો રચનામાં એક પ્રકારના હોય છે અને તેથી મકાઈનું પર્ણ રચનાની દૃષ્ટિએ સમદ્વિપાર્થ (Isobilateral) છે. મધ્યપર્ણ પેશીમાં શિથિલ પેશી અને વાહિપૂલો જોઈ શકાય છે.

(i) શિથિલ પેશી : મધ્યપર્ણ પેશી બંને અધિસ્તરો વચ્ચે આવેલી છે. કોષો ગોળ, લંબગોળ, બહુકોણીય વગેરે આકારો ધરાવે છે. આ નીલકણોધારી કોષો વચ્ચે હવાથી ભરાયેલાં નાના કોટરો હોય છે. પર્ણરંદ્રોની નીચે આવતી આ પેશીના કોષો વચ્ચે હવાથી ભરાયેલા કોટરો હોય છે, જેઓને શ્વસનકોટરો કહેવામાં આવે છે.

(ii) વાહિપૂલો : શિરાવિન્યાસ સમાંતર હોવાથી બધાં જ વાદિપૂલો અનુપ્રસ્થ દિશામાં કપાયેલાં દેખાય છે. વાહિપૂલોમાં જલવાહિની ઉપરિ અધિસ્તર તરફ, જ્યારે અન્નવાહિની નીચેના અધિસ્તર તરફ હોય છે. કેટલાંક વાહિપલો ફક્ત જલવાહિની અથવા તો ફક્ત અન્નવાહિની પેશીથી બનેલાં હોય છે. પ્રત્યેક વાહિપૂલને વીંટળાતા મૃદુતક કોષો પ્રમાણમાં મોટા હોય છે; તેઓ પૂલકંચુક બનાવે છે. સામાન્ય રીતે ફલકમાં ત્રણ પ્રકારના વાહિપૂલો જોવામાં આવે છે.


(અ) કેટલાંક વહિપૂલો ફક્ત મૃદુતક પૂલકંચુક ધરાવે છે; આવાં વાહિપૂલોની સંખ્યા વધુ હોય છે. આ વાહિપુલ એક સરળ રેખામાં ગોઠવાયેલા હોય છે.

(બ) કેટલાંક વાહિપૂલોની બંને બાજુએ અથવા એક બાજુએ દઢોતકી કોષોનો સમૂહ જોઈ શકાય છે. આ વાહિપૂલો સામાન્ય રીતે ઉપર (અ) માં દર્શાવેલા વાહિપૂલો જેવાં વાહિપૂલો સાતમા, આઠમાં અથવા નવમા પછીના સ્થાને જોઈ શકાય છે. વાહિપૂલની સંરચના પ્રથમ પ્રકારનાં વાહિપૂલ જેવી જ હોય છે.

(ક) કેટલાંક વાહિપૂલો સામાન્ય રીતે પાર્શ્વ શિરાના પ્રદેશમાં જોઈ શકાય છે. આ વાહિપુલ પ્રકાંડના વાહિપૂલ જેવું જ હોય છે. જલવાહિની ઉપરની બાજુએ, જ્યારે અન્નવાહિની નીચેની બાજુએ હોય છે. વાહિપૂલની બંને બાજુએ ઉપરની અને નીચેની બાજુએ દઢોતકી કોષો પ્રમાણમાં વધુ વિકસિત હોય છે.

૩. અધ:અધિસ્તર : આ અધિસ્તર ફલકની નીચેની સપાટી બનાવે છે. આમાં આર્દ્રતાગ્રાહી કોષો હોતા નથી. રક્ષકત્વચા અને પર્ણરંદ્રો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ સ્તરમાં એક સમચોરસ સે.મી. માં લગભગ ૬,૮૦૦ પર્ણરંદ્રો હોય છે.

૪. મધ્યશિરા : મધ્યશિરામાંથી પસાર થતાં છેદમાં વાહિપૂલો નીચેના અધિસ્તરની બાજુએ જ જોઈ શકાય છે. ઉપરિ અધિસ્તરની નીચે આવેલા અંધ:સ્તરના મૃદુતકી અને દઢોતકી કોષો એકાંતરે ગોઠવાયેલા હોય છે. આધારપેશીના કોષો મૃદુતક હોય છે.

વહિપૂલોની નીચેની બાજુએ આવેલા દઢોતકી કોષો સુવિકસિત હોય છે. સામાન્યતઃ આ વાહિપૂલો સુવિકસિત હોય છે.

દ્વિદળી પર્ણની અંતઃસ્થ રચના :


સૂર્યમુખી દ્વિદળી વનસ્પતિ હોય, તેના પર્ણની આંતરીક રચનાનો અભ્યાસ કરીશું.

સૂર્યમુખીના પર્ણનો અનુપ્રસ્થ છેદ :


સૂર્યમુખીનું પર્ણ ચપટું હોવાથી અનુપ્રસ્થ છેદમાં દ્વિપૃષ્ઠી (bifacial) દેખાય છે. તેના અનુપ્રસ્થ છેદમાં નીચે દર્શાવ્યા મુજબ રચના જોઈ શકાય છે.

૧. ઉપરિ અધિસ્તર (Upper epidermis) : તે ઉપરની સપાટી બનાવે છે. રક્ષકત્વચા, બહુકોષી રોમો અને પર્ણરંદ્રો ધરાવતા તેમજ એકસ્તરીય મૃદુતકી કોષોથી બનેલા આ પડનું પ્રાથમિક કાર્ય રક્ષણનું છે. એક સમચોરચ સે.મી. માં લગભગ ૮,૫૦૦ પર્ણરંદ્રો હોય છે. પ્રત્યેક પર્ણરંદ્ર બે વૃક્કાકાર રક્ષક કોષોથી રક્ષાયેલું છે. રક્ષક કોષોમાં નીલકણો જોઈ શકાય છે. કોષદીવાલ તરંગાકાર હોવાથી અધિસ્તરીય કોષો આકારમાં અનિયમિત દેખાય છે.

૨. મધ્યપર્ણ પેશી (Mesophyll tissue) : ઉપરિ અધિસ્તર અને અધ:અધિસ્તર વચ્ચે આવેલા નીલકણોધારી કોષોયુક્ત પેશીને મધ્યપર્ણ પેશી કહે છે. મધ્યપર્ણ પેશીમાં લંબોતક, શિથિલ પેશી અને વાહિપૂલો જોઈ શકાય છે.

(i) લંબોતક : આ પેશી ઉપરિ અધિસ્તરની નીચે બે સ્તરો બનાવે છે; તેના કોષો લાંબા અને આયામ દિશામાં ગોઠવાયેલા હોય છે. આ પેશીના કોષોની આયામ ધરી, ઉપરિ અધિસ્તર કોષોને કાટખૂણે હોય છે. કોષોમાં નીલકણો હોય છે. પર્ણરંદ્રની નીચે આવતી આ પેશીમાં હવાથી ભરાયેલું કોટર હોય છે, જેને શ્વસનકોટર કહે છે.

(ii) શિથિલ પેશી : નીચેના અધિસ્તર (અધ:અધિસ્તર) ઉપર આવેલા આ પેશીના કોષો અનિયમિત આકારના હોય છે. આ પેશીના કોષો વચ્ચે મોટા આંતરકોષીય અવકાશો હોય છે અને તેથી આ પેશીને શિથિલ પેશી કહે છે.

(iii) વાહિપૂલો : શિરાવિન્યાસ જાલાકાર હોવાથી વાહિપૂલો અનુપ્રસ્થ, આયામ અને ત્રાંસાં કપાયેલાં હોય છે. આયામ અને ત્રાંસા કપાયેલાં વાહિપૂલોમાં જલવાહિનીઓની દીવાલના સ્થૂલનો જોઈ શકાય છે. અનુપ્રસ્થ દિશામાં કપાયેલાં વાહિપૂલમાં જલવાહિની ઉપરની બાજુએ, જ્યારે અન્નવાહિની નીચેની બાજુએ હોય છે. પ્રત્યેક વાહિપુલ મૃદુતક કોષોથી વીંટળાયેલું હોય છે. આ મૃદુતકી કોષોના વલયને પૂલકંચુક કહે છે. કેટલાંક વાહિપૂલોમાં વાહિપુલની ઉપરની તેમજ નીચેની બાજુએ મૃદુતક કોષોનો એક પટ્ટો જોવામાં આવે છે, જે મધ્યપણે પેશીને વિભાજિત કરે છે.

૩. અધ:અધિસ્તર : તે પર્ણફલકની નીચેની સપાટી બનાવે છે. બહુકોષી રોમો અને પર્ણરંદ્રો ધરાવતું આ સ્તર મૃદુતકી કોષોથી બનેલું હોય છે. પર્ણરંદ્રોની સંખ્યા ઉપરિ અધિસ્તર કરતાં વધારે હોય છે. એક સમચોરસ સે.મી. માં લગભગ ૧૫,૬૦૦ પર્ણરંધ્રો જોઈ શકાય છે. રક્ષકત્વચા ઓછા પ્રમાણમાં વિકાસ પામેલી હોય છે.


૪. શિરા : શિરાવિન્યાસ જાલાકાર હોવાથી મુખ્ય શિરા કે પાર્શ્વ શિરાઓ છેદમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. સામાન્યતઃ આ પ્રદેશમાંથી પસાર થતાં છેદમાં અધિસ્તરો બંને બાજુએ બહિર્ગોળ દેખાય છે. ઉપરિ અધિસ્તરની નીચે અને અધ:અધિસ્તરની ઉપર બે કે ત્રણ સ્થૂલકોણક કોષોના સ્તરો જોવામાં આવે છે. વાહિપૂલોની રચના પર્ણદંડ જેવી હોય છે. વાહિપૂલમાં જલવાહિની ઉપરિ અધિસ્તર તરફ, જ્યારે અન્નવાહિની નીચેના અધિસ્તર તરફ હોય છે. વાહિપૂલો અને સ્થૂલકોણક અધઃસ્તરની વચ્ચે આવતા કોષો મૃદુતકી આધારપેશી બનાવે છે. આધારપેશીના કોષોમાં નીલકણો હોતા નથી.

***

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !