અનુકૂલનો : ઈશ્વરીય શકિતના પુરાવા

અનુકૂલનો : ઈશ્વરીય શકિતના પુરાવા


"દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે” તે ઉકિતને સત્ય ઠેરવવા સાબિતીઓની જરૂર હોય તો સજીવોમાં જોવા મળતાં અનુકૂલનોનો અભ્યાસ કરવો જોઈએ.

અહિંયા આપણે કેટલાંક કુતુહલપ્રેરક અને ચમત્કારિક અનુકૂલનોના ઉદાહરણો જોઈશુ.


(૧) જૈવિક દિપ્યતા

(અ) સમુદ્રીજીવોમાં


ઉંડા દરિયામાં રહેતાં સમુદ્રી સજીવોમાં જૈવિક પ્રકાશ ઉત્પન્ન કરવાની શક્તિ જોવા મળે છે. પ્રકાશ ઉત્પન્ન કરતાં અંગો શીર્ષ ૫૨, જઠરની આસપાસ અથવા આખા શરીરના કોઈપણ ભાગમાં આવેલા હોય છે. મોટાભાગના આવા દરિયાઈ પ્રાણીઓના પ્રકાશ પેદા કરતાં અંગોમાં બેકટેરીયા ઉપયોગી બનતાં હોય છે.


જૈવિક પ્રકાશ દ્વારા આવા પ્રાણીઓ લિંગભેદ પારખી શકે છે. માદાને આકર્ષી શકે છે. પોતાના લક્ષ્યને ભ્રમમાં નાખીને છેતરી શકે છે.

આ રચના માછલીઓમાં, સ્તરકવચીઓમાં, શીર્ષપાદમાં, કોષ્ઠાત્રિઓમાં તેમજ કેટલીક તારક માછલીઓ અને વલયકૃમિઓમાં જોવા મળે છે. ઈપનોટસ, લીનો ફાઈન જેવી માછલીઓમાં દાંત અને મુખ્ય પ્રદેશ ભાગ પર ખાવો જૈવિક પ્રકાશ જોવા મળે છે.

(બ) કીટકોમાં


આપણે સૌ આગિયાથી પરિચિત છીએ જૈવિક પ્રકાશ પેદા કરતાં અંગો કીટકના શરીરના વિવિધ ભાગો પર હોઈ શકે છે. તે પુખ્ત કીટકો ઉપરાંત પ્યુપા, લારવા અને ઈંડામાં પણ જોઈ શકાય છે. માદામાં રહેતાં અપરિપકવ ઈંડામાં પણ પ્રકાશ જોવા મળે છે.


પ્રકાશ પેદા કરતાં ખાસ અંગો ન હોવા છતાં ઘણાં કીટકો "ફેટબોડી” ના કોષો દ્વારા પણ પ્રકાશ પેદા કરતાં હોય છે.

કીટકના શરીરમાંથી પ્રકાશ ફેંકનારૂ તત્વ રસાયણીક પ્રોટીન ધરાવતું હોય છે. તે બેકટેરીયામાંથી ઉદભવેલ હોતું નથી. આવો પ્રકાશ સફેદ, પીળો, લાલ કે ભુરો પણ હોઈ શકે છે. પરંતુ મોટાભાગે લીલારંગનો પ્રકાશ હોય છે.

આગિયા નામના જાણીતા કીટકમાં નર માદાને આકર્ષવા માટે આવો પ્રકાશ પેદા કરે છે. જેથી અંધારામાં માદા દૂરથી જોઈ શકે પરંતુ બધાં જ નર પ્રજનન ઋતુમાં પોતાની બાયોલોજીકલ લાઈટ એક સાથે ઓન કરે છે અને વળી એક સાથે બુઝાવે છે. તેવા સંજોગોમાં માદાઓ પણ મુલાકાતનું સિગ્નલ ગણીને સામી બત્તી કરે છે. પરંતુ તેમાં ચોક્કસ નર-માદાની જોડી કઈ રીતે બને છે તે હજુ સુધી શોધી શકાયું નથી. અન્ય કીટકોમાં ભક્ષકને ડરાવવા કે ભયને છેતરવા આવો પ્રકાશ મદદરૂપ થતો હોય છે. કેટલાક મોથ (ઉદા) ની આંખોમાં લાલ રંગનો વીજળીક પ્રકાશ તેના શરીરમાંથી પેદા થતો નથી. પરંતુ આંખોમાં પ્રકાશનું પરાવર્તન થઈ શકે તેવી રચના હોવાથી તેની આંખમાં બહારી પ્રકાશ પડે ત્યારે જ તે જોઈ શકાય છે.


(૨) વીજળીક અંગો


અન્ય સજીવોના આક્રમણ સામે રક્ષણ આપવા કેટલીક માછલીઓમાં વીજળી પેદા કરી શકે તેવા વિશિષ્ટ અંગો હોય છે.


દા.ત. ઈલેકિટ્રક ઈલ માછલીના વીજળીક અંગોમાં ૫,૦૦૦ જેટલા ખંડો હોઈ શકે છે. તે ક્રિયાશીલ બનતાં આ અંગ (પ૦૦૦x ૧.૫ મિલીવોટ) ૭૫૦ વોલ્ટ વીજળીક શકિત પેદા કરી શકે છે.

ઈલેકટ્રો ફોસ્ફરસ, માલાટેરૂરસ તથા ટોર્પેડો જેવી માછલીઓમાં વીજળી અંગો પ૦૦-૬૦૦ વોલ્ટ વીજળી પેદા કરે છે.

સામાન્યપણે આ પ્રકાશની માછલીઓ કાયમી ધોરણે વીજળી ઉત્પાદન કરતી હોય છે અને મંદ વીજળીનો પ્રવાહ પોતાની હલન-ચલનની દિશા નકકી કરવામાં મદદરૂપ છે. તેમ માનવામાં આવે છે. શિકારને પકડવા માટે આ વીજળીક અંગો શોક આપવામાં પણ મદદરૂપ થાય છે.


(૩) અક્રિયાત્મક શિથિલ ઉડયન (Gliding)

(ક) ઉડતી ગરોળી (Draco/Gliding Lizard)ઉડતી ગરોળીની પાંખ ચામડીની ગડીમય રચનાથી બનેલી હોય છે. જે આગળ અને પાછળના ઉપાંગની વચ્ચે વિસ્તાર પામેલી હોય છે. આ ચામડી પાંસળીઓની સાથે જોડાયેલી હોય છે. ઉડયન ઉંચા વૃક્ષ પરથી પવનની દિશામાં નીચા વૃક્ષ તરફ હોય છે. ઉડતી વખતે તે નીચેની તરફ જ પ્રયાણ કરે છે. આવું ઉડયન ૨૦ મીટર જેટલું નોંધાયું છે.

(ખ) ઉડતો ગેકો (Gliding Gecko)આ ગરોળીમાં ચામડીમય ગડી રચના (પાંખ) ગરદન, ઘડ, પૂંછડી અને અંગૂઠાના ભાગો સાથે જોડાયેલી હોય છે. ૧૯૦ મી.મી.ની લંબાઈ ધરાવતી આ ગરોળી ૧૩ મીટર અંતર ઉડયન કર્યાનું નોંધાયું છે. ભારતમાં આંદામાન-નિકોબાર ટાપુઓ પર જોવા મળે છે.

(ગ) ઉડતો દેડકો (Malabar Gliding Frog)આ દેડકો વૃક્ષની ડાળીઓ પર જાળીયુકત આંગળીઓની મદદથી ઉડી શકે છે. અગ્ર અને પશ્વ ઉપાંગમાં જાળીયુકત આંગળીઓ જોવા મળે છે. હવામાં છલાંગ મારે ત્યારે આંગળીઓ વચ્ચેનું જાળીયુકત આવરણ ફેલાવે છે. જે હવાઈ છત્રી જેવું કામ કરે છે. તે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ તરફ ૪૫ મીટર જેટલું ઉડયન કરી શકે છે.

(ઘ) ઉડતી ખિસકોલીઓ (Flying Squirrel)

આપણાં ભારતની ઉડતી ખીસકોલીઓને બે જૂથમાં વહેંચી શકાય.

(૧) મોટી ઉડતી ખિસકોલી

મોટી ખિસકોલીનું માથુ તથા ધડ ૪૫ સે.મી. લંબાઈનું અને પૂંછડી ૬૦ સે.મી.ની કે તેથી વધુ હોય છે.


(૨) નાની ઉડતી ખિસકોલી

નાની ખિસકોલીનું માથુ તથા ધડ ૨૫થી ૩૦ સે.મી. હોય છે.

દક્ષિણ ગુજરાતના શૂલપાણેશ્વર અભ્યારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી બદામી રંગની ઉડતી ખિસકોલી જોઈ શકાય છે. જેના અગ્રથી પાશ્વ ઉપાંગ વચ્ચેની ચામડી જોડાયેલી હોય છે. ઉંચા વૃક્ષ પરથી નીચા વૃક્ષ તરફ હવામાં તરતી હોય તે રીતે કુદે છે. અન્ય જાતની મોટી ખિસકોલી ૭૫ મીટર વધુ અંતર ઉડતી નોંધવામાં આવી છે.

(ચ) ઉડતો સાપ, ઉડકણો સાપ, સોનેરી ઉડકણો (Gliding (Flying) Snake or Golden tree
Snake)


ઉંચા ઝાડની ડાળી પરથી નીચેની તરફ બીજા ઝાડની ડાળી તરફ કુદે છે. આવું કરતી વખતે શરીર વળાંકોમાં ગોઠવીને ઝાટકો મારે છે ત્યારે સાપ ઉડતો હોય તેવા ભાસ થાય છે. આ માટે તેની લાંબો કૂદકો મારવા માટે અનુકૂલિત થયેલ પાંસળીઓની રચના સહાયક બને છે. તે આવું કરે ત્યારે પાંસળીઓ ફેલાવે છે. આ પ્રમાણે એક પ્રકારની મીકેનીકલ અસર ઉભી કરી ગુરૂત્વાકર્ષણ બળની મદદથી લાંબુ અંતર કાપે છે. એક નોંધ પ્રમાણે ૫૦ મીટર જેટલું અંતર તે આ રીતે ગ્લાઈડીંગ કરીને કાપી શકે છે.


આ સાપ દક્ષિણ ગુજરાતમાં ડાંગ વિસ્તારમાં અને રાજકોટ પાસે રાણકી ગામે મળી આવ્યાની નોંધ છે.

(છ) ઉડતો સાપ, સામાન્ય બિલ્લી સાપ, કોડીયો, મીદડીયો(Indian gamma or common cat
snake)આ સાપને પણ ઉડતો સાપ ગણવામાં આવે છે. આ સાપ સમગ્ર ગુજરાતમાં મળી આવે છે. તે ઘણીવાર વૃક્ષ ઉપર ખાસ્સી ઉંચાઈએથી જમીન ઉપર કુદતો જણાય છે. શરીરની પાંસળીઓના હલનચલન દ્વારા શરીરનો ભાગ ફેલાવીને નીચેની તરફ અર્ધગોળાકાર જેવો આકાર બનાવે છે અને ઉંચા વૃક્ષ પરથી નીચે જમીન પર કે વૃક્ષની ડાળી પર કુદે છે. આ રીતે તે ૩૦ મીટર જેટલું અંતર નીચેની તરફ ગ્લાઈડ કરી શકે છે.


(૪) આંખ વગર જોવાની શકિત

ભારતીય ફળભક્ષી ચામાચીડીયું / સામાન્ય વાગોળ(Indian Flying Fox)

એક માત્ર ઉડતું સસ્તન પ્રાણી મનુષ્ય ન સાંભળી શકે તેવા અવાજના મોજાના પડધા સાંભળવાની શકિત ધરાવે છે.


ચામાચીડીયાને એના શરીરની-પાંખોની ચામડી પર પથરાયેલા અત્યંત મર્મગ્રાહી સૂમ જ્ઞાનતંતુઓના જાળાથી સૂચિભેદ અંધકારમાં પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પર્શજ્ઞાન થાય છે. એના નાકના ટેરવે આવેલ ચર્મપત્ર શરીરની ત્વચાની સ્પર્શશકિત કરતાં પણ તીવ્રતર સ્પર્શજ્ઞાન આપનારી અતિ ઉત્તમ સ્પર્શેન્દ્રિય છે. એના અતિ લાંબા કાનના ટેરવા પણ વાતાવરણમાં સ્પર્શજ્ઞાનથી દિશાજ્ઞાન આપવામાં મદદરૂપ થાય છે. આ ત્રણેય અંગોની મદદથી ચામાચીડીયા ગાઢ અંધકારમાં પણ ગમે તેવા પ્રતિબંધક નડતરોની વચ્ચે બંધ આંખે પણ સરળતાથી ઝડપથી ઉડી શકે છે.

ચામાચીડીયાની અડધા કરતાં પણ વધારે જાતિઓ દ્વારા રાત્રિ સમયે પોતાની દિશા અને શિકાર શોધવા માટે પોતાના નાક અને મોં દ્વારા અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે. આ અવાજો માનવ માટે અશ્રાવ્ય હોય છે. આ અવાજમાં મોજાં સામેની વસ્તુ ઉપર પડી અથડાઈને પડઘારૂપે પાછાં પડે તેને ચામાચીડીયાં સાંભળીને સામેની વસ્તુનું પોતાનાથી અંતર, તેનો આકાર વગેરે નકકી કરી લે છે. તે રીતે ઉડતાં નાના કીટકીને પણ તે પારખી લે છે. આવા તંત્રને ઈકોલોકેશન (Ecolocation) તંત્ર કરે છે. ચામાચીડીયા પોતાની જાતના અન્ય સભ્યો સાથે સંપર્ક રાખવા પોતાના શરીરના જુદાજુદા ભાગોમાંથી ધ્રુજારી દ્વારા વિવિધ અવાજો ઉત્પન્ન કરે છે અને સંદેશો મોકલે છે.

ચામાચીડીયાના સ્વરયંત્રના વિકસિત સ્નાયુઓ દ્વારા "સુપર સોનીક સાઉન્ડ” (અલ્ટાસોનીક અવાજ) પેદા કરવામાં આવે છે. આવા સ્વરયંત્રમાંથી એક સેકન્ડ માં ૧૦ થી ૫૦ સીગ્નલો મોકલી શકે છે.

વધુ આશ્ચર્યની વાત તો એ છે કે “ટાઈગરમોથ" નામનું ફુંદુ આ ચામાચીડીયા સામે ઈલેકટ્રોનીક વોર ચલાવે છે. તે જામિંયનું શસ્ત્ર અજમાવે છે. ટાઈગરમોથ ચામાચીડીયા કરતાં જુદી ફ્રિકવન્સીનો અશ્રાવ્ય અવાજ વહેતો મૂકે છે જે ચામાચીડાયું સમજી શકતું નથી અને સામે કશી અડચણ હોવાનું સમજીને દિશા બદલી કાઢે છે અને ટાઈગરમોથ બચી જાય છે.


(૫) પાણી પર દોડવું

બેસિલિક કાચિંડોમધ્ય અમેરિકામાં જોવા મળતો બેસિલિક કાચિંડો પ્રતિ સેકન્ડે ૨૦ ડગલાંના વેગે પાણી પર દોડી શકે છે. તપકિરિયા રંગનો, ૫૦ સે.મી. લંબાઈ અને ૯૦ ગ્રામ જેટલું વજન ધરાવતો આ કાચિંડો ખાસ પ્રકારના પગની રચના ઉપરાંત પાણીની સપાટી પર જે સ્કૂર્તિ, ઝડપ અને સમયસૂચકતા વાપરે છે તે તેને પાણી પર દોડવા માટે ખુબ જ ઉપયોગી નીવડે છે.


(૬) શ્વાસ લીધા વગર પણ જીવી શકાય છે

દરિયાઈ સીલ


દરિયાઈ સીલ દોઢ કલાક પ્રાણવાયુ લીધા વગર પાણીમાં ડુબકી લગાવે છે. પાણીમાં ડુબકી લગાવતાં અગાઉ ફેફસામાંથી હવાનો જથ્થો બહાર કાઢે છે. કારણ કે ફેફસામાં હવા હોય તો પાણના દબાણથી હવામાનો નાઈટ્રોજન છૂટો પડે અને લોહીમાં પરપોટા પેદા કરે છે જે પ્રાણધાતક નિવડી શકે છે.


આવું કેવી રીતે બને છે.

(અ) સીલના લોહીમાં અન્ય ભૂચર સસ્તન પ્રાણીઓ કરતાં બમણાં હિમોગ્લોબીનની માત્રા છે જે ઓકિસજનનો બમણો સંગ્રહ કરી શકે છે.

(બ) ડુબકી માર્યા બાદ સીલ મગજ, કરોડરજજુ તથા એડ્રિનલ ગ્રંથિ સિવાયના અંગોમાં લોહીનું ભ્રમણ રોકી દે છે.

(ક) સીલનું હદય સામાન્ય સંજોગોમાં એક મિનિટમાં ૧૫૦ ધબકારા કરે છે પરંતુ ડુબકી મારે ત્યારે તે એક મિનિટમાં ૪૦ થી ૧૦ જેટલા ધબકારા જેટલું ઘટાડી દે છે.

(ડ) ૬૦૦ મીટર સુધી ઉડે ડુબકી મારનાર સીલને ડુબકી મારવામાં સમય વધુ લાગે તો ઈમરજન્સીમાં શરીરના કાર્બોહાઈડ્રેડનું વિઘટન કરીને ઓકિસજન પેદા કરી લે છે.


(૭) શરીરના અંગોનું સ્વયં પુનઃ સર્જન કરવું

કરચલો


કરચલાને તેના ભક્ષક પકડે ત્યારે તે તેના પગ જેવા ભાગને શરીરથી છૂટો પાડીને ભાગી જાય છે. થોડા સમય બાદ તે આવા શરીરના અંગને ફરીથી મૂળ જગ્યાએ પેદા કરી લે છે.

ગરોળી


તેવી જ રીતે ગરોળીઓ પણ પોતાની જાત બચાવવા પૂંછડીને શરીરથી છૂટી પાડી દે છે. આવી છૂટી પડેલ પુંછડી થોડીક સેકડો તરફળતી હોય છે. જેથી શિકારી પ્રાણીનું ધ્યાન તે તરફ ખેંચાય છે અને ગરોળી ભાગી છુટે છે. થોડા સમય પછી ગરોળીની બલિદાન આપેલ પૂંછડીને સ્થાને નવી પુંછડી ફરી પાછી ફુંટી નીકળે છે. કેટલાંક કાચિંડા અને સાપમાં પણ આવી રચના જોવા મળે છે.


કુદરતે મનુષ્યને આવી બક્ષિસ આપેલ હોત તો અકસ્માતમાં ગુમાવેલા હાથ-પગના સ્થાને કૃત્રિમ અંગો બેસાડવા ન પડત અને દુનિયામાં કોઈ અપંગ ન હોત.


(૮) જીભની લંબાઈ પણ શરીરની લંબાઈ જેટલી

સરડો


મોટામાં મોટા સરડાની લંબાઈ ૩૭.૫ સે.મી. જેટલી નોંધાઈ છે ત્યારે બંધનાવસ્થામાં બીજા એક સરડાની મોંના છેડાથી બહાર નીકળેલ જીભની લંબાઈ ૩૦ સે.મી. ની નોંધાઈ છે. આમ, સરખામણી કરીએ તો સરડામાં શરીરની લંબાઈ જેટલી જ જીભની લંબાઈ ગણી શકાય. તે હિસાબે મનુષ્યમાં પ થી ૬ ફુટ લંબાઈના હિસાબે પ થી ૬ ફુટ લાંબી જીભ હોય તો કેવું રહે?


આમ, તો સરડો વૃક્ષ પર રહેતાં પ્રાણીઓના અનુકૂલનોના અભ્યાસ માટેનો ઉમદા નમૂનો છે.

(૧) બન્ને આંખો અલગથી ફરી શકે તથા શરીરથી બહારની તરફ ઉપસેલી.

(૨) રંગ બદલવાની શક્તિ.

(૩) વૃક્ષની ડાળી પર ચાલી શકે તેવા પગની ૨ચના.

(૪) વૃક્ષની ડાળીઓ પર સંતુલન જાળવી શકે તેવી પૂંછડી.


(૯) પગથી સાંભળી શકાય છે

હાથી


હાથીના કાન મોટા હોય છે. પણ તે કાનથી સાંભળવા કરતાં ગરમી ઘટાડવાનું કાર્ય વધારે કરે છે. આફ્રિકાન હાથીઓના એક સંશોધન દરમ્યાન જોવાયું કે હાથીના બે ટોળા વચ્ચે ૨૫ કિલોમીટરનું અંતર હોય તો પણ તેઓ એકબીજાની હાજરી જાણી લે છે. જમીન વાટે આવતાં સ્પંદનોને તે તેના પગના તળિયે રહેલ સેન્સિટીવ જ્ઞાનકોષો દ્વારા મેળવે છે. પગ પછાડીને હાથી એક બીજાને સંદેશાની આપ-લે કરે છે.


કુદરતે લગભગ દરેક ચોપગા પ્રાણીઓના પગ ખરીવાળા કે જાડી ચામડીવાળા બનાવ્યા છે, પરંતુ હાથીના પગ નરમ તળિયાના છે અને પગનું હાડકું તળિયા સુધી લંબાતું નથી.

આજ રીતે તીતીઘોડા આગળના પગ પર આવેલ સંવેદી અંગો દ્વારા અવાજના તરંગો પારખી શકે છે. પતંગીયા પણ તેમના આગલા પગની નીચેની સપાટી પરની ગ્રંથિઓ દ્વારા ફુલના રસનો સ્વાદ માણી શકે છે.


(૧૦) પાણી નીચે ઉંઘી શકાય છે

ડોલ્ફિન અને વહેલ


મલારિયા (ડોલ્ફિન) અને વ્હેલ જેવા સસ્તન પ્રાણી આખી જિંદગી દરિયામાં વીતાવે છે ત્યારે દરિયામાં તે ઉંઘવાનું કાર્ય કેવી રીતે કરતી હશે? તે વિચારણા માગતો પ્રશ્ન છે. તેમને શ્વાસ લેવા માટે પણ અવારનવાર પાણીની સપાટી પર આવવું પડે ત્યારે ઉંઘ ક્યારે, કેવી રીતે લેતા હશે?


સંશોધન બાદ જાણવા મળ્યું કે, મલારિયાની બોટલનોઝ ડોલ્ફિન ૨૪ કલાકમાંથી ૮ કલાક ઉધવામાં વીતાવે છે. ઉંઘતી વખતે તરવાનું ચાલુ રાખે છે. શ્વાસ લેવા પણ નિયમિત પાણીની સપાટી પર આવે છે. માત્ર ડોલ્ફિન નહિ પણ વહેલ સહિતના બધાં સસ્તન જળચર પ્રાણીઓ મગજના બે ભાગને વારાફરતી ઓન તથા ઓફ કરે છે. ડાબો હિસ્સો ઉધે ત્યારે જમણી આંખ ખુલ્લી રહે છે અને જમણો હિસ્સો ઉઘે ત્યારે ડાબી આંખ દશ્યો જુએ છે.

આમ, સંશોધનને અંતે જાણવા મળ્યું કે આ પ્રાણીઓમાં ડાબું તથા જમણું મગજ સમાન કાર્યો બજાવી શકે છે. અને એક મગજ આરામ કરતું હોય ત્યારે બીજુ મગજ તમામ કાર્ય સંભાળી લે છે.

ભગવાન પાસે માગીએ તેવું મળે તેવી આપણી શ્રધ્ધા હોય તો તે ખોટી નથી તેમ આવા ઉદાહરણો જોઈને માનવું રહયું. સાથે સાથે આ પ્રકારના અનુકૂલનોના દાખલા ઈશ્વરીય ગૂઢશકિતના પુરાવા કહી શકાય. ઈશ્વર બધા જ જીવોને જીવાડવા માંગે છે તેવો સંદેશ આધુનિક પ્રગતિવાદી માનવોએ આ ઉદાહરણોમાંથી લેવો રહયો.

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !