સત્યવ્રત

સત્યવ્રત


(એક ચોર ચોરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એવામાં ચોરને એક જૈન મુનિનો સંપર્ક થાય છે. મુનિ વ્રત લેવાનું કહે છે. ચોર સત્ય બોલવાનું વ્રત લે છે, રાજમાં ચોરી કરી સત્ય પુરવાર કરે છે. અને ‘સત્યવ્રત’ નામ ધારણ કરે છે.)

[પાત્રો : ચોરી કરનાર ચોર, ચોરની પત્ની, જૈન સાધુ (મુનિ), તેમની સાથે બીજા બે મુનિશ્રીઓ, રાજા , પ્રધાન, સિપાઈઓ, મુનીમ, રાજદૂત, નગરજનો.]

-: પ્રવેશ પહેલો :

(જૈન મુનિ વહોરવા નીકળે છે, રસ્તામાં એક જુગારી, ચોર, દારૂના સેવનવાળો માણસ મળે છે.)
ચોર : (જૈન મુનિને હાથ જોડી) મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.
જૈન મુનિ : ભાઈ, તું દારૂ પીએ છે, જુગાર રમે છે અને ચોરી પણ કરે છે. તેથી તારા ઘેર કેમ વહોરવા પધારું ?
ચોર : (પગમાં પડીને) મહારાજ, તમે કહો તેમ કરવા હું તૈયાર છું, પણ એક વાર મારા ઘેર પધારો.
જૈન મુનિ : ભાઈ, તારે ત્યાં હું વહોરવા પધારી શકું તેમ નથી, પણ જો તું કંઈ નિયમ લે તો હું આવું !
ચોર : હું નિયમ લઉં પછી તો પધારશોને !
જૈન મુનિ : બોલ, શો નીમ લઈશ ?
ચોર : (હસતા-હસતા) મહારાજ ! દારૂ, જુગાર અને ચોરી છોડવા સિવાય બીજો કોઈ નીમ લેવડાવો. 
જૈન મુનિ : (થોડો વિચાર કરીને) ભાઈ, તું તો ખરો માણસ છે ! ભલે, તો તું સાચું બોલવાનું નીમ લે.
ચોર : (પગમાં પડીને) મહારાજ, આજથી હું સાચું બોલવાનું વ્રત લઉં છું.
જૈન મુનિ : આ વ્રતનું પાલન બરાબર કરજે.
ચોર: (હાથ જોડી) મહારાજ, જીવને જોખમમાં મૂકીને પણ હું આ વ્રતનું પાલન કરીશ. એની હું ખાતરી આપું છું. (ચોર પોતાના ઘેર જાય છે.)
પત્ની : કેમ, આજે તો પીધા વગર આવ્યા !
ચોર : હા, મુનિજી પાસે મેં સત્ય બોલવાનું વ્રત લીધું છે.
પત્ની : હાશ, સારું થજો મુનિજીનું તે આ પીટ્યાને સાચું બોલવાનું વ્રત લેવરાવ્યું.
ચોર : સત્ય બોલવાનું વ્રત તો મેં મુનિજી પાસેથી લઈ લીધું, પણ આજે તો દારૂ પીધા વગર મારી નસો તૂટે છે.
પત્ની : નસો તૂટે કે શરીર તૂટે, પણ હવે પીવાય નહીં.
ચોર : અલી, મેં તો ફક્ત સત્ય બોલવાનું જ વ્રત લીધું છે. દારૂ પીવાનું, ચોરી કરવાનું કે જુગાર રમવાનું વ્રત ક્યાં લીધું છે ?
પત્ની : અલ્યા, મારી વાત સાંભળ. દારૂ પીવાથી નશો ચડે એટલે જુગાર રમવાનો જીવ થાય અને જુગાર ૨મો એટલે જૂઠું બોલવું પડે ને ?
ચોર : હા, તારી વાત સાચી ! પણ એક વાત કહું.
પત્ની : કહી દો, શું વાત છે ?
ચોર : હવે હું એક વાર મોટી ચોરી કરી લઉં પછી આખી જિંદગી કંઈ કમાવા ન જવું પડે એવી મોટી ચોરી કરી લેવા દે,
પત્ની : હા, ઈ વાત સાચી, પણ... તમે એવી મોટી ચોરી કરવા જશો ક્યાં ?
ચોર : વળી બીજે ક્યાં ? રાજાના મહેલમાં !
પત્ની : રાજાના મહેલમાં ચોરી કરવા જશો ને પકડાઈ જશો તો અમારું કોણ ?
ચોર : પકડાઈશ તો નહીં પણ એક વાર આ વ્રતનો સહારો લઈ અખતરો કરી લેવા દે.
પત્ની: ચોરી કરવા જાવ એના કરતાં ગામમાં કોઈના ત્યાં મજૂરીએ જાવ તો સારું.
ચોર : આ ગામમાં મને કોઈ મજૂરીએ લઈ જાય ખરા !
પત્ની : ઠીક, તો તમારી મરજી કહે ઈમ કરો, પણ જો જો, મુનિજીએ આપેલું વ્રત ભૂલી જાતા નહીં.
ચોર : અરે ગાંડી ! તું કેવી વાત કરે છે. ઈ તો મારો જીવનમંત્ર છે.

-: પ્રવેશ બીજો :

(ચોર રાજમહેલમાં ચોરી કરવા જાય છે. ચોર ચોરી કરી પાછો ફરે છે. ત્યારે રાજા વેશપલટો કરી ચોરને રસ્તામાં મળે છે. અને ચોરીની તમામ હકીકત રાજાને જણાવે છે.)

ચોર : (મહેલમાં ચોરી કરવા જાય છે. ત્યાં તેને રત્નો ભરેલી દાબડી મળે છે.) આ દાબડીમાં તો સાત રત્નો છે ! મારે મારી જિંદગીભર ગુજારો કરવા ચાર રત્નો બસ છે. બીજાં ત્રણ રત્નો ભલે દાબડીમાં જ પડ્યાં હોય.
(ત્રણ રત્નો દાબડીમાં રાખે છે. )
રાજા : (ચોરને પૂછપરછ કરે છે.) અલ્યા કોણ છે ?
ચોર : (વ્રત યાદ આવતાં) ચોર છું.
રાજા : ક્યાંથી આવે છે ?
ચોર : ચોરી કરીને આવું છું .
રાજા : કોને ત્યાંથી ?
ચોર : રાજાના મહેલમાંથી,
રાજા : શું ચોરી લાવ્યો ?
ચોર : (ધોતિયાના છેડે બાંધેલાં રત્નો બતાવીને) આ ચાર રત્નો ચોરી લાવ્યો છું.
રાજા : (વિચાર કરી, રત્નો જોઈને) ક્યાં રહે છે ? અને તારું નામ શું છે ?
ચોર : હું ગામના પછવાડે રહું છું, મારું નામ અગડમબગડમ છે. (ગમે તે કાલ્પનિક નામ આપવું.)
મુનીમ : (સવારે દોડતો હાંફળો-ફાંફળો થતો) ગજબ થઈ ગયો રાજાજી, ગજબ થઈ ગયો,
રાજા : શું વાત છે ? મુનીમજી.
મુનીમ : મહારાજ, કંઈ કીધા જેવું નથી.
રાજા : અરે મુનીમજી ! માંડીને વાત કરો તો ખબર પડેને !
મુનીમ : (થોથડાતી જીભે બોલે છે.)
રા. જ.. મ...હે. . .લ...માં ચોરી થઈ છે.
રાજા : (ઊભા થઈને) શું ચોરી ! માનવામાં આવે તેવી વાત નથી, મારા રાજમાં આવું કદી બને જ નહીં.
મુનીમ : પણ, બની ગયું છે.
રાજા : મુનીમજી ! પ્રધાનને બોલાવો. (મુનીમ પ્રધાનને બોલાવવા જાય છે )
મુનીમ : પ્રધાનજી ! મહારાજનો હુકમ છે ; રાજમાં હાજર થાવ .
પ્રધાન : (રાજા પાસે આવીને) જી, મહારાજ.
રાજા : પ્રધાનજી ! આપણા રાજમાં ચોરી થઈ છે. તેની તપાસ કરો.
પ્રધાન : (નવાઈથી) આપણા રાજમાં ચોરી ! કદાપિ થાય જ નહીં !
રાજા : પ્રધાનજી ! ચોરી થઈ છે તે સત્ય છે. શાની ચોરી થઈ છે ? તેની તપાસ કરો.
પ્રધાન : જી મહારાજ. (ચોરીની તપાસ કરવા જાય છે.) કાંઈ ચોરાયું હોય તેવું લાગતું તો નથી.
રાજા : પ્રધાનજી ! ચોરીની તપાસ કરી ? (પ્રધાન તપાસ કરી પાછા આવે છે.)
પ્રધાન : મહારાજ ! ચોરી થઈ હોય એવું ક્યાંય લાગતું નથી,
રાજા : પ્રધાનજી !તમે મહેલમાં જઈ બરાબર તપાસો.
(ફરીવાર ચોરીની તપાસ કરવા જાય છે. આમતેમ ફરે છે. ત્યાં રત્નોની દાબડી નજરે પડે છે.)
પ્રધાન : (દાબડી ખોલીને) હા, આ દાબડીમાંથી રત્નો ચોરાયાં છે. અરે, આમાં તો સાત રત્નો હતાં ! હવે તો ત્રણ જ છે. ચોર કોઈક કાચા કાનનો લાગે છે. દાબડીમાં તો સાત રત્નો હતાં અને તેણે ચાર જ ચોર્યા છે. લાવને આ ત્રણેય રત્નો હું લઈ જાઉં, બધું પડશે ચોરના માથે.
(દાબડીમાંથી ત્રણ રત્નો લઈ ખિસ્સામાં મૂકી દોડતો રાજા પાસે જાય છે. )
મુનીમ : પ્રધાનજી, ચોરીની તપાસ થઈ ?
પ્રધાનજી : હા, હા, મુનીમજી ! રત્નોની ચોરી થઈ છે.
મુનીમ : ઓહ... બાપ રે !
પ્રધાન : મહારાજ ! સાત રત્નોની ચોરી થઈ છે ,
રાજા : પ્રધાનજી ! ચોરને જલદી પકડી પાડો.
પ્રધાન ; મહારાજ ! રાજના સિપાઈઓને બોલાવી ઘડીના છઠ્ઠા ભાગમાં શોધી કાઢીશ ! (સિપાઈઓને બોલાવે છે.)
સિપાઈ : પ્રધાનજી ! અમને શા માટે બોલાવ્યા ?
પ્રધાન : સિપાઈઓ ! રાજમાં ચોરી થઈ છે. અત્યારે હાલ જ જઈ તપાસ કરો. ચોરીનો ભેદ ઉકેલી ચોરને પકડી રાજમાં હાજર કરો.
(સિપાઈઓ ચોરની તપાસ કરે છે અને પાછા આવે છે.)
સિપાઈ : મહારાજ ! ચોર પકડાતો નથી !
રાજા : કેવી વાત કરો છો ! ચોર પકડાતો નથી ?
પ્રધાન : (ગુસ્સે થઈને) મહારાજ ! આ સિપાઈઓ નમકહલાલ થઈ ગયા છે. ચોરીનો ભેદ ઉકેલી શકતા નથી ! ચોરને શોધી લાવો નહીંતર છૂટા કરી દેવામાં આવશે.
રાજા : શાંત થાઓ પ્રધાનજી ! શાંત થાઓ. તમે ગામના પછવાડે જઈ અગડમ-બગડમ નામના માણસને બોલાવી લાવો. ચોરીનો ભેદ તે ઉકેલી શકશે.
પ્રધાનજી : મહારાજ ! આ અગડમ-બંગડમ ભૂવો કે જ્યોતિષ છે ?
રાજા : તે એક સામાન્ય માણસ છે, તમે દૂતને બોલાવો.
પ્રધાન : (દૂતને બોલાવે છે.) રાજાનો દૂત હાજર થાવ.
(રાજદૂત આવે છે.)
રાજદૂત : જી, મહારાજ !
રાજા : રાજદૂત, તમે ગામના પછવાડે રહેતા અગડમબગડમને રાજમાં બોલાવી હાજર કરો. (દૂત બોલાવવા જાય છે.)
રાજદૂત : મહારાજ ! અગડમ બગડમ હાજર છે.
રાજા : તારું નામ અગડમ-બગડમ છે ?
ચોર ; જી, મહારાજ !
રાજા : તું શું ધંધો કરે છે ?
ચોર : ચોરીનો ધંધો કરતો હતો, અન્નદાતા !
રાજા : હવે શું કરે છે ?
ચોર : હવે ચોરી નથી કરતો,
રાજા : હવે કેમ ચોરી કરતો નથી ?
ચોર : રાજમહેલમાંથી ચોરી કર્યા પછી નથી કરતો,
રાજા : રાજમહેલમાંથી શાની ચોરી કરી હતી ?
ચોર : રત્નોની ચોરી કરી ગયો હતો.
રાજા : કેટલાં રત્નો ચોર્યા હતાં ?
ચોર : ચાર રત્નો ચોરી ગયો હતો.
રાજા : અલ્યા, દાબડીમાં તો સાત રત્નો હતાં. તે સાતમાંથી ચાર જ ચોરેલાં ?
ચોર : મહારાજ, મારા આયખાભર પેટગુજારો કરવા માટે એટલાં પૂરતાં હતાં.
રાજા : તો બાકીનાં ત્રણ 'રત્નો' ક્યાં ગયાં ?
ચોર : ચોરીની તપાસ જેરી કરી હશે એણે લીધાં હશે.
રાજા : ચોરીની તપાસ તો પ્રધાનજીએ જાતે કરી હતી.
ચોર : મહારાજ ! આ વિશે પ્રધાનજીને પૂછો.
રાજા : પ્રધાન, સાચું બોલો શું હકીકત છે ?
પ્રધાન: (કરગરતો-ગભરાતો) જી..મ..હા..રા..જ.. ત્રણ રત્નો મારી પાસે છે.
રાજા : (ચોરને) આ બધું શું છે ? તે ચોરી કરી છે છતાં તું બધું સાચું કેમ બોલે છે ?
ચોર : મહારાજ, હું દારૂ પીતો, જુગાર રમતો અને ચોરી પણ કરતો હતો. એક વાર જૈન મુનિને મેં મારા ઘેર વહોરવા કહ્યું. તેમણે મને સાચું બોલવાનું વ્રત આપેલું તેથી હું બધું સાચું બોલી ગયો છું.
(બધા સભાજનો શાબાશી આપે છે. )
સભાજનો : (એકસાથે) શાબાશ... શાબાશ...
રાજા : પ્રધાનજી ! આ માણસે તો તેના પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી, છતાં તે સાચું બોલવાનું ચૂક્યો નથી. તમારે તો કશી વાતની ખોટ નથી, છતાં વધુ સંઘરો કરવા તમે ત્રણ રત્નો ચોરી ગયા, જેથી ચોરને કેદખાનામાં જવાનું હતું તે જગ્યાએ હવે તમે જાવ. અને હવેથી તમારી જગ્યાએ સત્યનું વ્રત પાળનાર ‘સત્યવ્રત' પ્રધાનપદે બેસશે.
***


Comments

Post a Comment

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

ચોરનો ભાઈ 😂😂😂😂😂😂😂

સાચું સૌંદર્ય - ગુજરાતી પ્રેમકથા