કિશોરીઓને કિશોરાવસ્થાએ મૂંઝવતા પ્રશ્નો૧. માસિક એટલે શું?
છોકરી જ્યારે ૧૨ થી ૧૫ વર્ષની ઉંમરે પહોંચે તે સમયે મગજમાં રહેલ પીટ્યુટરી ગ્રંથીમાંથી નીકળતા અંતસ્ત્રાવો (હોમન્સ) એટલે FSH ફોલીકલ, (સ્ટીમ્યુલેટીંગ હાર્મોન) અને LH (લ્યુટીલાઇઝીંગ હાર્મોન)  અંતઃસ્ત્રાવોની અસરથી બીજાશયમાં સ્ત્રીબીજ પરીપક્વ થાય છે. જો સ્ત્રીબીજ અને પુરુષબીજ મળે તો તેમાંથી બનતા ગર્ભને ગર્ભાશયમાં યોગ્ય સ્થાન આપવા ગર્ભાશયની ગાદી જાડી થઈ જાય છે, પરંતુ પુરુષબીજ ન મળવાથી સ્ત્રીબીજ મરી જાય છે એટલે ગર્ભાશયની ગાદી ખરીને ગર્ભાશયમાંથી કાયા વાટે માસિક રૂપે બહાર આવે છે. ગર્ભાશયની ગાદીમાંથી થતાં આ સ્ત્રાવને માસિક સ્ત્રાવ કહે છે. તે સ્ત્રાવ દર મહિને થતો હોવાથી તેને માસિક કહે છે. તે કુદરતી છે. દરેક સ્ત્રીને આવે છે.

૨. માસિક દરમ્યાન પેટમાં કેમ દુઃખે છે?
ગર્ભાશયમાંથી લોહી આવે ત્યારે ગર્ભાશયનું સંકોચન થવાથી થોડો દુખાવો થાય છે તે સામાન્ય છે. કોઈને ખૂબ દુખાવો થાય તો ડૉક્ટરને બતાવવું. માસિક દરમ્યાન મોટે ભાગે પેઢુમાં ભારેપણું, વધારે પેશાબ, બેચેની, ચીડીયાપણું, પગ, માથું દુ:ખે, વગેરે. તકલીફો શરૂઆતના બે દિવસ થાય છે. જરૂર પડે દુ:ખાવાની ગોળી લેવી. ગરમ પાણીની થેલીની શેક કરવો, નિયમિત કસરત કરવી. ૫૦% કરતા વધુ બહેનોને માસિક આવે ત્યારે થોડી તકલીફ થાય છે.

૩. માસિક આવતા પહેલા સફેદ પાણી ઝરે છે એનું કારણ અને ઉપાય શું?
આ ઉંમરે સફેદ પાણી ઝરવાનું સામાન્ય હોય છે. અંતઃસ્ત્રાવોના અસરથી પારદર્શક પ્રવાહી ઝરતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તે યોનિમાર્ગમાંથી નીકળતો ચીકણો સ્ત્રાવ હોઈ શકે છે જે સામાન્ય છે. યોનીમાર્ગમાં ચેપ
હોય તો પીળો સ્ત્રાવ, બળતરા કે ખંજવાળની ફરિયાદ હોય, ગંધ મારતુ હોય, વસ્ત્રો પ૨ ડાઘા પડતા હોય તો ચેપ વિશે તપાસ કરાવી સારવાર લેવી.

૪. માસિક દરમ્યાન ભગવાન પાસે ના જવાય, કોઈ ચીજવસ્તુઓને ના અડકાય આમ કેમ?
માસિકસ્ત્રાવ એ ગર્ભાશયનું આંતરિક પડ ખરતાં નીકળતું લોહી અને ચામડીનું અંદરનું પડ (એન્ડોમેટ્રીયમ) રેસાનું મિશ્રણ છે, જે શરીરનાં કોઈપણ ભાગમાંથી નીકળતા લોહી જેવું જ હોય છે, માટે વૈજ્ઞાનિક રીતે તે ગંદુ કે અછૂત ગણવામાં આવતું નથી. શરીરની અન્ય ક્રિયાઓની જેમ આ કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમ્યાન સ્વચ્છતા રાખવી મહત્ત્વની છે. જુના સમયમાં લોકો ગામડામાં બે - ત્રણ દિવસો કે તેથી વધુ દિવસે સ્નાન કરતા, તેથી આ દિવસ દરમ્યાન સ્વચ્છતાનો અભાવ હોય તો રસોઈ, પાણી ભરવું, પૂજા વગેરે જેવા કાર્યોથી દૂર રાખવામાં આવતી હતી. જરૂર એ છે કે આ સમયમાં બેનને પૂરતો આરામ મળે, ખોરાક મળે.

૫. માસિક સ્ત્રાવ વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
માસિકસ્ત્રાવ સમયે યોગ્ય શારીરિક ચોખ્ખાઈ સૌથી મહત્ત્વની બાબત છે. પોષક આહાર લેવો જોઈએ. કસરત, વ્યાયામ ચાલુ રાખી શકાય. તૈયાર પેડ વાપરો કે કપડુ, તે એકદમ સ્વચ્છ રાખવું જઈએ, નિયમિત બદલતા રહેવું જોઈએ. દરરોજ સ્નાન કરવું જોઈએ.

૬. માસીક ઓછું આવે તો શું કરવું?
પહેલાથી જ માસિક ઓછું કે વધુ આવે તે ઘણા ભાગે સામાન્ય હકીકત જ હોય છે. સામાન્યતઃ માસિકસ્ત્રાવ ર-૭ દિવસ હોય છે. અચાનક ઓછું વધુ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પુરતો આહાર જેમ કે લીલા શાકભાજી, દૂધ અને ફળોનો આહાર લેવો. આનંદમાં રહેવાય તે તંદુરસ્તી માટે જરૂરી છે.

૭. છોકરીઓને એક જ દિવસ માસીક આવીને જતું રહે ત્યારે શું થયેલું ગણાય?
આવું થાય તો ઘરગથ્થુ ઇલાજ ન કરાવતાં ડૉક્ટરને બતાવી તેમની સલાહ લેવી. છોકરીઓને માસિક એક જ દિવસ આવવાના ઘણાં બધા કારણ હોઈ શકે, જેમ કે થાઈરોઈડની બિમારી, લોહી ઓછું હોય, શારીરિક કોઈ અંદરની ખામી અથવા ગર્ભધારણ વિગેરે માટે તબીબી તપાસ પ્રથમ કરાવવી.

૮. શું માસિક સમયના લોહીથી HIVનો ચેપ લાગી શકે?
HIV નો ચેપ લાગેલ લોહી જાતીય સાથીના કે અન્ય વ્યક્તિનાં લોહી સાથે ભળવાની સંભાવના હોય અને એ વ્યક્તિ સાથે સંભોગ કરવામાં આવે તો સ્ત્રીને ચેપ લાગવાના જોખમો ખૂબ જ વધી જાય છે. તેનું કારણ એ છે કે એવા સમયે ગર્ભાશયની દિવાલ ખુલ્લી હોવાથી HIVના વિષાણુ અંદરથી તરત જ શરીરમાં પ્રવેશે છે.

૯. અમુક છોકરીઓને માસિક અનિયમિત કરે આવે છે?
આમ થવાનું કારણ મગજમાંથી ઝરણાં અંતઃસ્ત્રાવ વધતાં ઓછા પ્રમાણમાં ઝરવાથી થઈ શકે. એવી રીતે અંડાશયમાં જો અંતઃસ્ત્રાવ પુરતા પ્રમાણમાં ના ઝરે, સ્ત્રીબીજ નિયમિત છુટુ ના પડે તો પણ માસિક અનિયમિત આવે છે. માસિકના શરૂઆતમાં એક બે વર્ષ ઘણી છોકરીઓને માસિક અનિયમિત આવે છે તે સામાન્ય છે પછીથી તે નિયમિત થઈ જાય છે. પછી પણ નિયમિત માસિક ન આવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો.

૧૦. સેનેટરી પેડ, વાપરે તેણે શું કાળજી રાખવી જોઈએ?
અમુક છોકરીઓ તૈયાર સેનેટરી પેડ વાપરે છે. તે વાપરવા સારા પણ અમુક બાબતની કાળજી લેવી ખૂબ જરૂરી છે. પહેલું કે પેડ ભીનું થાય એટલે તરત જ બદલી નાખવું જોઈએ. ઘણી છોકરીઓ પેડ મોંઘા મળતાં હોવાથી કે બદલવાની કે ફેંકવાની જગ્યા મળતી ન હોવાથી તેને લાંબો સમય મુકી રાખે છે. આવું કરવાથી તે ભાગમાં ચેપ લાગી શકે
છે. આ પેડ ગમે ત્યાં ફેંકવા નહિ. કોથળી, પેપર કે કાગળમાં બરાબર વીંટાળીને કચરા પેટીમાં જ ફેંકવા અથવા બાળી દેવા. તેને શૌચાલયમાં કદી ફેંકવા નહિ, શૌચાલય બ્લોક થઈ જશે. તેને જાહેર રસ્તા પર ગમે ત્યાં ફેંકવા નહીં. અમુક બહેનોને પેડમાં જેલી જેવા પદાર્થની એલર્જી થઈ શકે છે.

૧૧. માસીક સામાન્ય રીતે કેટલા દિવસ આવવું જોઈએ?
મોટાભાગની છોકરીઓને માસીક ૩-૪ દિવસ સુધી આવે. આમ ૨૭ દિવસ વચ્ચે માસિક આવે તો જે તે વ્યક્તિ માટે સામાન્ય જ ગણાય.

૧૨. માસિક ૧૨-૧૪ વર્ષની ઉંમરે જ કેમ શરૂ થાય છે?
આપણા મગજમાં પીટ્યુટરી નામની ગ્રંથી હોય છે. તેમાંથી કેટલાક અંતઃસ્ત્રાવ ઝરે છે. આમ તો ઘણી જાતનાં અંતઃસ્ત્રાવ મગજની ગ્રંથિમાંથી ઝરે છે અને શરીરનાં જુદા જુદા અવયવો પર અસર કરે છે. આમાં. FSL, LH, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવાં અંત:સ્ત્રાવ ખાસ કરીને પ્રજનનતંત્ર ઉપર અસર કરે છે અને તેનાં અવયવોમાં ફેરાર લાવે છે. આ અંત:સ્ત્રાવ ૧૨-૧૪ વર્ષની ઉંમર પછી ઝરવાનું શરૂ થાય છે જેથી તેની અસરનાં લીધે આ ઉંમરે માસિક આવે છે.

૧૩. માસિક જ ન આવે તો શું કરવું?
માસિક આવવાની સરેરાશ ઉંમર ૧૧-૧૪ વર્ષની છે. તેમ છતાં ૧૬ વર્ષ સુધી રાહ જોઈ શકાય. તે માટે ડૉક્ટરી તપાસ કરાવવી. શારીરિક ફેરફાર શરૂ થાય છે, પણ માસિક ન આવે, મગજના અંતઃસ્ત્રાવોની, ગર્ભાશય અથવા યોનીમાર્ગની જન્મજાત ખામી, અલ્પવિકસીત અથવા કુદરતી વિકાસ જ ન થવો. વગેરે. હોઈ શકે.

૧૪. મેનોપોઝ એટલે શું?
સ્ત્રીનાં પ્રજનન અવયવોમાંથી અંડાશય (ઓવરી) પોતાની કાર્યદક્ષતા ધીમે ધીમે ગુમાવે એટલે અંડબીજ પરિપક્વ ન થાય અને અંડાશયમાંથી ધીમે ધીમે અંતઃસ્ત્રાવ આવતો બંધ થઈ જાય અને સ્ત્રીને માસિક આવતું બંધ થઈ જાય. સ્ત્રીનાં આ પરિવર્તનને મનોપોઝ કહેવાય છે જે સામાન્યત: ૪૫ થી ૫૦ વર્ષની ઉંમરે આવે છે.

૧૫. મધુરજની વેળા. યોનિમાર્ગમાંથી લોહી બહાર ના આવે તો શું કરવું?
કુંવારી છોકરીઓમાં યોનીમાર્ગના મુખ ઉપર આંશિક રીતે એક પડદા જેવું પડ હોય છે. જેને હાયમેન અથવા યોનિપટલ કહે છે. આ બહુ પાતળું પડ હોય છે. કેટલીક વાર સાયકલ, સ્કુટર ચલાવવાથી કે કસરત કરવાથી તે તૂટી જતું હોય છે. કોઈકવાર બાળપણમાં થયેલી ઈજાથી યોનીપટલ તૂટેલું
હોય તો છોકરીએ અગાઉ શારીરિક સંબંધ થયો હશે, એમ માની ન શકાય. સમાગમ વેળા જો યોનિપટલ તૂટે તો તે જગ્યાએ થોડું લોહી આવે છે અને સાધારણ દુ:ખાવો થાય છે.

૧૬. જાતિય સમાગમ કઈ ઉંમર સુધી થઈ શકે?
તરૂણાવસ્થાથી. વૃદ્ધાવસ્થા સુધી સ્ત્રી પુરષો, જાતીય સમાગમ કરી શકે છે. આ માત્ર વ્યક્તિગત ઇચ્છા અને પસંદગીનો તેમજ તંદુરસ્તીનો પ્રશ્ન છે.

૧૭. ગભશય વિશે માહિતી આપો.
ગર્ભાશય એ સ્ત્રીનું પ્રજનન અંગ છે. તરૂણ અવસ્થામાં બીજા અવયવોની સાથે આનો પણ વિકાસ થાય છે. ગર્ભાશયમાંથી માસિક આવે છે. અને તેમાં ગર્ભનો વિકાસ થાય છે. પ્રજનનતંત્રમાં આવેલા અવયવો-ગર્ભાશય, અંડાશય, અંડનલિકા અને ગર્ભાશયનું મુખ.

૧૮. છોકરીઓને કેવી રીતે ખબર પડે કે મહિના (ગર્ભ) રહ્યાં છે?
છોકરીને માસિક આવતું બંધ થઈ જાય તો તેને ગર્ભ રહ્યો હોઈ શકે. જે છોકરીને નિયમિત રીતે માસિક આવતું હોય અને તે ગર્ભનિરોધકનાં ઉપયોગ વર શારીરિક સંબંધ/સંભોગ કરતી હોય, થોડા સમય પછી તેને જીવ અકળાવવો, ઉલ્ટી થવી, સ્તન ભારે થવા, સ્તનમાંથી સફેદ રંગનો સ્ત્રાવ નીકળવો વિગેરે નિશાનીઓ જોવા મળે છે. આવી બાબતમાં ઘરગથ્થુ ઉપાય ન કરતાં તબીબની સલાહ લેવી વધુ હિતાવહ છે.

૧૯. સ્ત્રીબીજ એક બને તો પુરુષબપીજ આટલા બધા કેમ બને?
સ્ત્રીબીજ પણ ઘણા બને છે, પરંતુ પરીપક્વ થઈએક જ બીજ બહાર આવે છે. જ્યારે પુરુષબીજ અસંખ્ય બને છે અને એના પૂંછડી જેવા અંગથી સ્ત્રીના યોનીમાર્ગમાંથી થઈને ગર્ભાશયની બીજનળીમાં પ્રવેશે છે. પુરુષબીજ કાયામાં દાખલ થાય પછી નળી સુધી પહોંચતા રસ્તામાં લાખો પુરુષબીજ મરી જાય છે. કરોડોમાંથી લગભગ એક જ પુરુષબીજ સ્ત્રીબીજની નજીક પહોંચે છે અને સ્ત્રીબીજમાં દાખલ થાય છે. બીજુ કારણ સ્ત્રીબીજનું કવચ સખત હોય છે આથી તેને તોડવા ઘણા પુરુષબીજ સ્ત્રીબીજની ફરતેનું કવચ તોડવા પ્રયત્ન કરે છે, જ્યારે આ કવચ તૂટે ત્યારે એક પુરુષબીજ સ્ત્રીબીજમાં દાખલ થાય છે.

૨૦. પેશાબ, મળ અને માસિકનો માર્ગ એક જ હોય કે અલગ અલગ?
સ્ત્રીયોમાં પેઢુમાં આવેલ ગર્ભાશયની આગળની બાજુ મૂત્રાશય હોય છે અને પાછળની બાજુ આંતરડાનો છેલ્લો ભાગ મળાશય આવેલો હોય વચ્ચે ગર્ભાશય હોય છે. સ્ત્રીઓના શરીરમાં નીચેના ભાગે ત્રણ માર્ગ હોય છે. આ બધા માર્ગનાં બહાર ખુલતા છીદ્રો એકબીજાની નજીક આવેલા હોય છે. માટે નીચેની સ્વચ્છતા રાખવી જરૂરી છે.

૨૧. જોડીયા બાળકો કેમ જન્મે છે?
કોઈવાર એકબાજુનાં અંડાશયને બદલે બંને બાજુના અંડાશયમાંથી એક એક એમ બે સ્ત્રીબીજ પરિપક્વ થઈ છૂટા પડી બંને નળીમાં આવે છે. હવે વીર્યમાં પુરુષબીજ તો લાખોની સંખ્યામાં હોય છે. તેથી આ બે સ્ત્રીબીજ અને બે પુરુષબીજ ફલિત થાય ત્યારે જોડીયા બાળક બને છે. ક્યારેક એક જ ફ્લીત બીજનું વિભાજન થઈ બે સરખા જ બાળકો (બે છોકરી કે છોકરા) જન્મે છે.

૨૨. સ્ત્રીઓનો છાતીનો ભાગ શા માટે ઉપસેલો હોય છે? પુરુષોમાં કેમ નથી?
કુદરતે સ્ત્રી અને પુરુષને જુદી જુદી જવાબદારી સોંપેલી છે. છોકરી મોટી થઈને બાળકને જન્મ આપે છે અને તેને છાતી (સ્તન)માં ધાવણ આવે છે જે બાળકને ધાવણ આપે છે. બાળકને પોષણ મળે છે. અને દરેક માતા પોતાનાં બાળકને આપે છે. આ ફેરફાર કુદરતી છે. કિશોરાવસ્થામાં તથા હોર્મોન્સનાં અસરથી થાય છે. પુરુષોને તેવુ ધાવણ આપવાનું ન હોવાથી છાતીનો ભાગ ઉપસેલો હોતો નથી.

૨૩. છોકરા-છોકરીઓના આકર્ષણથી શું થાય?
કિશોરાવસ્થામાં પ્રવેશ થતાં શારીરિક અને માનસિક પરિવર્તનો આવે છે. તે મગજમાં પીટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતા હોર્મોન્સ/અંતઃસ્ત્રાવોનાં લીધે થાય છે. વિજાતીય આકર્ષણ થવું એ સામાન્ય છે, પરંતુ તેની સીમા દરેક
પોતે બાંધવી રહી. વિજાતીય આકર્ષણ શારીરિક સંબંધમાં પરિણમે તો છોકરીને ગર્ભ રહી શકે, તેના માટે તે જીવલેણ નિવડી શકે.

૨૪. ચહેરા પર ખીલ કેમ થાય છે?
આપણી ચામડીની અંદર સતત ચીકણો પદાર્થ ઝરે છે જે ચામડીને ચીકણી રાખે છે. તૈલી પદાર્થ સાથે ધુળ લાગવાથી તેનું મહો બંધ થઈ જાય છે જેથી આ પદાર્થ ચામડીની અંદર જમા થાય છે અને શેલ્લી જેવું ઉપસેલું દેખાય છે. આને ખીલ કહેવાય. ખીલમાં કાળી/સફેદ ફોલ્લીઓ દેખાય છે. ખીલ થવાનું કારણ આ ઉંમરે અંતઃસ્ત્રાવ વધુ ઝરવાને લીધે થાય છે. આ માટે વારંવાર મોઢું ધોઈ ચોખ્ખું રાખવું. જાતે ખીલ ફોડવા નહીં. ખૂબ ખીલ હોય કે મોટી ફોલ્લીઓ હોય તો ચામડીના ડૉક્ટરનો સંપર્ક કરવો અને સારવાર લેવી.


Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

પટાવાળાના પિતરાઈઓ

ચોરનો ભાઈ 😂😂😂😂😂😂😂