ચોરનો ભાઈ 😂😂😂😂😂😂😂


" તમારા બધા ભાઈઓ તો બહુ પૈસાવાળા, તમને તો કઈ કામ પણ ના આવડે... તમે તો છે તેવા જ રહેવાના, તમે આવું જ કરશો તો હુું નાસી જઈશ."

આવું એક વેંત્યાને તેની પત્ની રોજ વઢે. એટલે આજે રાતના ભાઈઓ જ્યાં જાય ત્યાં હું પણ જવાનો એવું વેંત્યાએ નક્કી કરી નાખ્યું.

વેંત્યાના છ ભાઈ ! છયે જણ આખો  દિવસ ઝૂંપડામાં પડીને ઘુવડ જેવાં ઉંઘે ! અને દિવસ આથમે ત્યારે આંખો ઊઘડે ને ઘરથી બહાર નીકળી પડે.

છયે ભાઈ ચોર હતાં. છયે જણા જાડા પાડા જેવાં. પણ તેમાં વેંત્યો તો બહુ પતલો એટલે તેને બિચારાને ચોરી કરવાં બિલકુલ પણ ના લઈ જાય.

એક વેળા છયે જણા ચોરી કરવાં નીકળ્યાં, વેંત્યાની પત્ની તો આવું શોધ્યા જ કરતી હતી, એટલે તરત જ વેંત્યાને વિચાર કર્યાં વગર ભાઈઓની પાછળ ધકેલી મુક્યો ! વેંત્યો ભાઈઓથી બહુ પાછળ ચાલે.

રસ્તામાં ચાલતા હતાં ત્યાં છયે ભાઈઓની નજર વેંત્યા પર પડી. એટલે ત્યાં જ ઉભા રહી ગયાં અને વેંત્યાને સમજાવવા લાગ્યાં, "તું અમારી સાથે નહીં આવ. તારે લીધે અમે પકડાઈ જશું, થોડોઘણો ભાગ તને પણ આપીશું, પણ હમણાં નહીં આવ."

વેંત્યો કહે...મને તો કોઈનું મફતનું ના જોઈએ. મારી મહેનતનું જ જોઈએ. તમે આજ સુધી મને શું આપેલું તે તમારા પર આશા રાખું.

એણે તો એક જણની પણ વાત ના માની, અને જીદે ચડીને પણ આવાનો એટલે આવાનો જ એવું કહી દીધું.

"આવવા દેવોની એવો જ, રાતનાં થાકીને ભાજી જેવો થઈ જશે, પછી બીજીવાર આવવાનું ભૂલી જશે. બોલાવેલો ના આવશે." મોટાભાઈએ બધાંને સમજાવ્યું.

સાતેજણ અડધી રાતે એક ગામમાં ગયાં. કોને ત્યાં ચોરી કરવી તે તો જોયેલું જ હતું. એટલે એક ઘરનાં પાછલાં બારણે પહોંચી ગયાં, પણ સીધું ઘૂસી જવાય એમ ના હતું. વાંસના કુડાની નીચે ખાડો ખોદીને અંદર ભરાયાં, પછી પાછલુ બારણું ખોલી નાખ્યું.

મોટાં પેટારાનું તાળું તોડીને છયે ભાઈઓએ પોતપોતાનાં હિસાબે લઈ લીધું, પણ વેંત્યો તો ખાલીનો ખાલી જ !

"ઘરે જઈને પત્નીને શું જવાબ આપવો," એવું વિચારીને વેંત્યાનું મોં પડી ગયું, પણ એટલામાં તે વેંત્યાએ એક કોઠી જોઈ !

છોકરાંઓને કંઈ રમવા કામ આવશે એવું વિચારીને ભાઈઓને કહ્યું, મોટા મારે માથાં પર કોઠી ચડાવો તો !

ભાઈઓ તો પોતપોતાનાં કામમાં. કોઈએ કંઈ સાંભળ્યું નહીં. મોટા ! મારા પર કોઠી જલદી ચડાવો, ને તો પોકારું.

વેંત્યાએ એવો ધાક દેખાડ્યો એટલે છયે જણ ડરી ગયાં, જલદી જલદી વેંત્યાના માથા પર કોઠી ચડાવી દીધીને ત્યાંથી નાસ્યા.

"વેંત્યા સાથે આપણે પણ પકડાઈ જશું તો, એવી બીક એટલે ચોરીનો સામાન લઈને ઝડપથી ચાલતા છે. સાથે ગભરાયેલા પણ ખરાં !"

વેંત્યાના માથા પર તો કોઠી ! વેંત્યો ધીરે ધીરે ચાલે છે. વેંત્યાએ જોયું તો છયે જણ બહુ આગળ નીકળી ગયેલાં. તે જોઈને વેંત્યાએ બૂમ પાડી.

"મોટા, ધીરે જ ચાલો, ને તો બૂમ પાડું."

"બૂમ તો પાડી જ નાખી." એવું મોટા ભાઈએ કહ્યું ને બધાં અટકી ગયાં, વેંત્યાને સાથે લીધો.

વેંત્યો તો સાવ ધીરો ચાલે, તે જોઈને મોટાભાઈએ કહ્યું. આવું સીધાં જ જશું તો અડધાં રસ્તે જ સવાર પડી જશે, અને પકડાઈ ગયાં તો લોકો આપણી સવાર પાડી નાખશે, તેથી જંગલનાં સુમસામ રસ્તે જવું પડશે.

મોટાભાઈની વાત સાચી હતી, થોડીવારમાં તો સવાર પડી ગઈ, તેઓએ રસ્તા પાસે એક વડો જોયો. એટલે એવું નક્કી કર્યું કે આપણે હમણાં વડ ઉપર ચડી રહીશું, પછી બપોરે માણસોની અવરજવર ઘટશે ત્યારે ઘરે જશું.

પછી છયે જણ વડ ઉપર ચઢી ગયાં, પાંદડાંમાં સામાન સંતાડ્યોને સરખી સાંસ લીધી. ત્યાં તો પાછો કહે, "મોટા, તમે છયે જણ વડ પર ચડી ગયાં ને હું નીચે? કોઠી સાથે મને પણ ચડાવો, નહીં તો ગામમાં જઈને બૂમ પાડી આવું."

આ વેંત્યો તો આપણને મારી નાખવાનો રે... ! ક્યાંક તો ઝપેટમાં પાડશે જ ! એવું કહીને બધાએ આંગળી હોઠ પર મૂકી દીધી.

અને બધા વડ પરથી ઊતર્યા ને વેંત્યા સાથે કોઠીને પણ વડ ઉપર ચડાવવા લાગ્યાં. કોઠી ચડાવતા તો બધા હાંફવા લાગ્યાં ! તેમાં વેંત્યો બૂમ પાડે. મોટા, કોઠી સાચવીને ચડાવો. છાણ-કાદવની છે. તોડતાં તો નહીં જ ! અને જો તોડ્યું તો ગામમાં જઈને બૂમ પાડી આવીશ.

બધા ગભરાયા ! પકડાઈ જશું એમ કરીને જેમ તેમ કરીને કોઠી વડ ઉપર ચડાવી દીધી. વેંત્યાને પણ ચડાવી દીધો.

વેંત્યો તો બે ડાળીની વચ્ચે કોઠી સરખી પકડીને બેઠો. તેનાં ભાઈઓ પણ નિરાંતે બેઠા. બપોર થાય એટલે ઘર બાજુ નીકળશું એવું વિચારતા હતાં.

ત્યાં તો સામે છાંયડો જોઈને વડની નીચે વણજારા આવીને બેઠા. વણજારા ભૂખ્યાં હતાં એટલે સામાન કાઢીને જમવાનું બનાવા લાગ્યાં.

હવે તો મોં બંધ રાખીને બેસી રહેવામાં જ મઝા હતી.

સવારથી વડ પર ચડેલાં એટલે વેંત્યાને તો બહુ પેશાબ લાગી. વેંત્યો ગભરાયો, આકળાયો હતો એટલે કહે, "મોટા ઓ... મોટા ! પેશાબ બહુ લાગી રે... ! મેં તો પેશાબ કરી દેવાનો, તે ક્યારનો આકળાયો હતો એટલે પેશાબ પણ કરી દીધી., તે બધી પેશાબ વણજારાની રસોઈમાં પડી. વણજારા વાતમાં હતાં એટલે ખબર જ ના પડી."

થોડીવાર પછી પાછો વેંત્યો કહે.

"મોટા ઓ..... મોટા ! સહન થતું નથી રે... સહન થતું નથી ! બહુ વિષ્ટા લાગી છે, છયે જણ ઇશારો કરી સમજાવે છે કે જે કરવું હોય તે કર પણ તારું મોં ચૂપ રાખ."

વેંત્યાએ વિષ્ટા કરી ! તે બધી જ રસોઈમાં પડી. તેનાં પર વનજારાઓની થોડી નજર પડી પણ એવું માની લીધું કે એતો વડનાં ટેટા પડ્યા હશે.

હવે વેંત્યાનું પેટ થોડું હલકું થયું, એતો કોઠીને સરખી રીતે વળગીને બેઠેલો છે, તેટલામાં પવન આવ્યોને ડાળી હલી, ડાળી સાથે કોઠી પણ થોડી હલી.

વેંત્યો કહે, મોટા જલદી આવો રે કોઠી પડવાની !

છયે જણે ધીરેથી કહ્યું, સરખું પકડજે.

વેંત્યાએ જેમ તેમ પકડી રાખ્યું હતું. સરખી રીતે પકડે તો પડી જવાય એમ, એટલે વેંત્યાનાં હાથમાંથી કોઠી છટકી ગઈ.

કોઠી વણજારાના ઘોડા પર પડી ! ઘોડાનાં ત્યાં જ પ્રાણપંખેરુ ઊડી ગયાં.

વડ ઉપરથી કોઠી પડી તે જોઈને વણજારા ગભરાયા. નક્કી કંઈ ભૂતબૂત છે અહીં, આવી વાત કરીને વડ ઉપર નજર કરી, વડ ઉપર તો માણસ ! પણ વણજારાઓને લાગ્યું ભૂત છે. એટલે જમવાનું છોડીને બહુ નાસ્યા.

હવે બધાને નિરાંત લાગી. એટલે વડ ઉપરથી ઊતરીને ઘરે જવાં નીકળ્યાં, ત્યારે વેંત્યો કહે, ભાઈ મારી પાસે તો કંઈ પણ નથી, ખાલી તો કેવી રીતે આવું, એટલે મારા માથા પર મરેલાં ઘોડાને ચડાવી દો.

છયે જણ કંટાળ્યા એટલે વેંત્યાના માથા પર ઘોડો મૂકી દીધો, અને પછી વણજારાઓનો સામાન હતો તે પણ લઈને નાસ્યા. કોઈ જોઈ કાઢશે એવું કરીને સુમસામ રસ્તે ગયાં એટલે અડધી રાતે ઘર પહોંચ્યા.

ઘોડો માથા પર એટલે વેંત્યો પાછળ રહી ગયો, હવે તો એનામાં બૂમ પાડવાની પણ હિંમત ના રહી. અને બૂમ મારે તો પણ કોને બૂમ મારે, ભાઈ તો વિખૂટા થઈને નાસી ગયેલાં ! વેંત્યો તો જેમ તેમ કરીને ગામના સીમાડે પહોંચ્યો.

સીમાડા પાસે જ પટેલનું મોટું ખેતર હતું. તેમાં ચણા વાવેલાં હતાં. ત્યાં ખેતરની પાસે ઘોડાને ઉતાર્યો, પછી થોડી સાંસ લઈને મરેલા ઘોડાને પાળ પાસે ઊભો કરી દીધો. સીધો ઉભા રાખવા ઘોડાના પગ પાસે ઢેફાં નાખી દીધાં, પછી દૂર જઈને લપાઈને બેઠો.

સવારમાં પટેલ ચણા જોવા આવ્યોને પટેલની નજર ઘોડા પર પડી. પટેલને બહુ ગુસ્સો આવ્યો, એટલે ઘોડાને એક ઝપેટો માર્યો. અને ઘોડો ઢળી પડ્યો.

તે જોઈને વેંત્યો દોડી આવ્યો અને પટેલના માથે પડ્યો.... મને તો મારો ઘોડો જોઈએ. મરેલો નહીં, જીવતો ઘોડો જોઈએ, વેંત્યો રડવા લાગ્યો.

પટેલે વિચાર્યું, આતો માથા પર બેઠો, ને આખા ગામમાં વાત ચાલશે કે પટેલે તો ઘોડો માર્યો. એટલે વેંત્યાને સમજાવવા માટે પટેલે ચુપકીદીથી એક થેલો ભરીને પૈસા આપ્યાં પછી વેંત્યાને કહ્યું.

"જા, પણ પટેલે ઘોડો મારી નાખ્યો એવું કોઈને નહીં કહેતો." વેંત્યો તો મનમાં ખુશ થઈ ગયો. અને પટેલને સમજ પાડી. સારું તો, હું જાઉં, પણ તારા ખેતરમાં જ દાટી દેવાડજો.

વેંત્યો તો પૈસાનો થેલો લઈને ઘરે આવ્યો, ભાઈઓને ઇર્ષા લગાડવા માટે ઓટલા પર ચડ્યો, અને પૈસા ખંખેરી નાખ્યા. બધા પૈસા તો આખા ઓટલે જ્યાં ત્યાં પહોંચી ગયાં.

પછી વેંત્યાએ પત્નીને કહ્યું, તમે ભાઈને ત્યાંથી ટોકરી માંગો લાવો તો, આજે તો ટોકરી ભરી ભરીને પૈસા ગણવાનો.

વેંત્યાની પત્નીએ જેઠને ત્યાં જઈને ટોકરી માંગી.

જેઠ પૂછે... ટોકરી શું કરવાના છો?

વેંત્યાની પત્ની કહે, એતો મારો પતિ પૈસા બહુ લાવ્યો છે તો ટોકરી ભરી ભરીને ગણવાનો છે.

વેંત્યાની પત્નીને જેઠાણીએ ટોકરી શોધી આપી, તેટલામાં તો બધા ઘરોમાં વાત પહોંચી ગઈ કે આ વેંત્યો આટલા બધા પૈસા લાવ્યો ક્યાંથી? કે ટોકરી ભરીને ગણવાનો? ! છયે જણ આંગણામાં બેઠા, અને બેઠા બેઠા ચૂપચાપ જોયા કરે કે વેંત્યો હવે શું કરે તે?

વેંત્યાએ તો ટોકરી ભરવા માંડી, ટોકરી ભરે ને ઓટલે ઠાલવે, પૈસા જ્યાં ત્યાં ગબડી. પાછો તેની મેળે જ પૈસા ભેગા કરે ને ટોકરી ભરે. આમ તે જ પૈસા ચારવાર ભર્યાને ચારવાર ઠાલવ્યો. પછી પૈસા ઘરમાં મૂકી દીધાં. ટોકરી પણ આપી દેવાડી.

કાનાએ ગમે તેવો પૈસાનો અવાજ સાંભળ્યોને બધાં ભાઈઓને જાણ કરાઈ એટલે વેંત્યાને પૂછવા આવ્યાને પૂછ્યું... તમે આટલા બધા પૈસા લાવ્યા ક્યાંથી?

વેંત્યો કહે, તમે રોજ ચોરી કરવા જાય, પણ મને કોઈ દિવસ લઈ ગયાં. એક દિવસ અણગમો કરીને લઈ ગયાં પણ મને શું આપ્યું?

અડધે રસ્તેથી પડતો મૂકીને નાસી છૂટેલા ને હવે પૈસા વિશે પૂછે? તે હું શા માટે દેખાડુ?

ભાઈઓ રોજ ઠગે એટલે બધાનો ઘાટ પાડવા વેંત્યો કહે, હવે તો હાટવાડામાં હાથીની જેમ જીવતા ઘોડા કરતાં મરેલા ઘોડાનો બહુ સારો ભાવ આપે. મારી પાસે તો એક જ ઘોડો હતો એટલે ઓછાં પૈસા મળ્યાં. બાકી તમારે ત્યાં છે તેવાં જો ઘોડા હોય તો બહુ સારો ભાવ મળે, પૈસા જ પૈસા !

છયે જણ તો, પૈસા કેવી રીતે કમાવવાના તે જાણી ગયાં એમ કરીને ખુશ થઈને ઘરે ગયાં. પછી બીજાં દિવસે ઘોડા પર બેસીને હાટવાડે ગયાં. ત્યાં ઘોડા મારી નાખ્યાંને વેચવા બેઠા.

મરેલા ઘોડા જોઈને લોકોએ બહુ મશ્કરી કરી ને હાટવાડામાંથી ભગાડ્યા.

છયે જણ જીવ લઈને નાસ્યા, ઘરે આવી ગયાં. છયે જણ બહુ ગુસ્સામાં હતાં. એટલે વેંત્યાનાં ઘરમાં આગ લગાડી દીધી.

વેંત્યો તો ઘરે ના હતો પણ તેની પત્ની જીવ બચાવવા પૈસાનું પોટલું લઈ બહુ.... નાસી.

વેંત્યો આવી ગયો, પણ આ શું? ઝુંપડુ તો સળગી ગયેલું, વેંત્યો વાત સમજી ગયો, ભાઈઓએ ઘોડા કેટલામાં વેંત્યા તે તેમનાં મોં જોઈને સમજી ગયો.

છયે જણ આંગણામાં બેસીને જોવા લાગ્યા કે વેંત્યો હવે શું કરશે?

વેંત્યાએ તો ઉકરડામાંથી એક કોથળો શોધી કાઢ્યો, તેમાં બળેલા ઝુંપડાની રાખ ભરી, પછી કોથળો માથા પર મૂકીને નીકળ્યો.

ભરબળતા બપોરે ઘણો આગળ નીકળી ગયો, થાકેલો હતો, તેટલામાં તો સામેથી એક માણસ આવતો દેખાયો, તેનાં માથા પર પણ કોથળો હતો, બંને તડકામાં થાકેલા, બંને ભેગા થઈ ગયાં. ત્યાં એક ઝાડ હતું, તેની નીચે બેઠા. થોડીવાર તો બંને કંઈ નહીં બોલ્યાં.

પણ વેંત્યાનું મોં બહુ વાર સુધી ચૂપ ના રહ્યું. વેંત્યાએ પેલાં માણસને પૂછ્યું, "તારા કોથળામાં શું છે રે...?"

પેલો કહે, "એમાં તો પૈસા છે."

પેલા માણસે વેંત્યાને પૂછ્યું, "તારા પોટલામાં શું છે?"

વેંત્યા તો થોડીવાર ચૂપ જ રહ્યો ! પછી કોઈ સાંભળતું તો નથી ને, તે ચારેબાજુ જોઈ લીધું. પસી ગણગણ્યો, "મારા પોટલામાં તો સોનું છે !"

ઠીંગણો માણસ જોઈને પેલો માણસ સોનું પડાવવા આકળાયો એટલે વેંત્યાને કહે, "ચાલની આપણે એકબીજાના પોટલા પર બેસીએ."

"મને ગધેડો સમજે છે કે? કે તને હું મારા સોનાં ભરેલા પોટલા પર બેસવા દઉં, મને કોઈ પર વિશ્વાસ નથી. તોપણ બેસવાનો જ હોય તો બેસ, પણ પોટલા પર બેસીને વાછૂટ નહીં કરવાની. નહીં તો સોનાની રાખ થઈ જાય." વેંત્યાએ પેલાને સમજ પાડી.

બંને જણ એકબીજાના કોથળા પર બેસી ગયાં. ગફાટવા લાગ્યાં એટલામાં તો પેલો માણસે ઢમ્ કરીને વાછૂટ કરી દીધી.

પેલાએ વાછૂટ કરી એટલે વેંત્યો તો માથે પડી ગયો. અને વઢવાં લાગ્યો મેં તને કેટલું કહેલું, વાછૂટ નહીં કરવાની, તોપણ તમે વાછૂટ કરીને મારું સોનું રાખ થઈ ગયું. હવે રાખ તમે જ રાખો. હું તો તમારો કોથળો લઈ લેવાનો.

પેલા માણસે તો કોથળો બહુ ફાંટવી જોયો પણ વેંત્યો તો જળા જેવો વળગી ગયેલો.

આખરે કોથળો પડાવ્યો જ. રાખવાળો કોથળો ભેરવીને ઘરે આવ્યો. ઘર તો સળગાવી દીધેલું. એટલે પત્નીએ તો એક ઝાડની નીચે પડાવ નાખેલો હતો. ત્યાં જઈને કોથળો નાખી દીધો અને પત્નીને ટોકરી લેવા મોકલી. પત્ની ટોકરી લઈ આવી એટલે વેંત્યાએ તો ટોકરી ભરીને પૈસા ગણ્યાં.

તે બધું વેંત્યાના ભાઈઓ વળેજ ડોકાવીને જોયા કરે. છયે ભાઈઓની પત્નીઓ પણ બહુ ઈર્ષ્યા કરવા લાગીને પતિઓને વઢવા લાગી, "આ વેંત્યો તો ખરાં બપોરે પણ પૈસા કમાય. અને તમે આખી રાત ઝપાટો મારો તોપણ ખીસા નહીં ભરાય, એટલે હવે જ પૂછી આવો. એ પૈસા લાવ્યો ક્યાંથી?"

વેંત્યાનું ઘર સળગાવેલું એટલે છયે ભાઈઓને શરમ તો બહુ આવી. તોપણ પત્નીઓનાં ધાકે પૂછવા ગયાં, અને પૂછવા લાગ્યાં, "આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો?"

"એતો સામે ચાલીને ઝપેટમાં આવ્યાં. એમ જ થોડું જવા દેવાય. હું ઝાડની નીચે, ને તેઓ ઘરમાં રહે, એ ના ચાલે. એવું વિચારીને વેંત્યાએ પેલા લોકોને સમજાવ્યું."

હવે તો હાટવાડામાં ઝુંપડાની રાખ બહુ વેચાય. જાત જાતની ઔષધીઓ બને. અને તોલે તોલે વેચાય. હું તો રાખ વેચીને કમાઈ ગયો.

છયે જણે પોતપોતાના ઝૂંપડા સળગાવી દીધાં, થોડીવારમાં તો રાખ થઈ ગઈ ! બધા પોતપોતાની રાખ ભેગી કરીને હાટવાડામાં વેચવા ગયાં.

"રાખ લેવો ભાઈ, રાખ, ગરમ ગરમ તાજી રાખ, જાત જાતની ઔષધીઓ વાળી રાખ, જલદી લેવો," એમ બોલી બોલીને આખો હાટવાડો ભેગો કર્યો.

લોકોએ રાખ ક્યાં કામ આવે તે પૂછયું, ત્યારે પેલા ભાઈઓને બોલતા નહીં આવડ્યું, એટલે લોકો કંટાળી ગયાને ઠગ આવ્યા રે ઠગ એમ કહીને બહુ... માર માર્યો. પછી ભગાડી મૂક્યાં.

રાખવાળા કોથળા હાટવાડામાં છોડીને નાસ્યા.

ઘર બાજુ જતાં જતાં છયે જણ વાત કરે, "સાલ્લો ! આ વેંત્યો પૈસા ક્યાંથી લાવે ત્યારે? મરેલા ઘોડાના પણ લાવ્યો અને સળગેલા ઝૂંપડાના પણ પૈસા લાવ્યો."

પછી છયે જણે નક્કી કર્યું કે હવે એ વેંત્યાથી દૂર જ રહેવું.

                                              - અરવિંદ પટેલ

(સંપૂર્ણ)

Comments

Post a Comment

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

પટાવાળાના પિતરાઈઓ