સાચું સૌંદર્ય - ગુજરાતી પ્રેમકથા
આ વાત જાપાન દેશની છે. ઘણાં સમય પહેલાં જાપાનનાં એક ગામમાં એક ગરીબ ખેડૂત પરિવાર રહેતો હતો. પરિવારમાં ખેડૂત પોતે અને તેની પત્ની હતી. તેઓ ખેતમજૂરી કરીને ઘર ચલાવતાં હતાં. અને માંડ પોતાનાં ઘરનું ગુજરાત ચલાવતાં હતાં.

થોડાં વર્ષો બાદ તેમનાં ઘરે રૂપરૂપનાં અંબાર જેવી એક દીકરી જન્મી. ખેડૂત યુગલ દિકરીના જન્મથી બહુ ખુશ થયાં. તેમણે દીકરીનું નામ મિમોસા રાખ્યું. જેનો જાપાનીઝ ભાષામાં અતિશય સુંદર એવો અર્થ થાય છે. પરંતુ ગરીબ પરિવાર હોવાથી ખેડૂત યુગલ પોતાની સુંદર દિકરીને પૂરતાં લાડ લગાવી શકતાં ન હતાં.

મિમોસા ગરીબ પરિવારમાં જન્મી હોવા છતાં સુંદર, સુશીલ અને સંસ્કારી હતી. મિમોસાનું બાળપણ વિત્યા પછી તે યુવાનીની ઉંમરે આવી ગઈ અને એક સુંદર યુવતી બની ગઈ. મિમોસા પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવવાં માટે તે પણ પોતાનાં માતાપિતા સાથે અન્ય લોકોનાં ખેતરે ખેતમજૂર તરીકે કાર્ય કરવા લાગી. તે ખેતરમાં અન્ય કરતાં વધુ મહેનત કરતી હતી.

આ બાજુ ખેડૂતને ચિંતા સતાવવા લાગી. મારી દીકરીની ઉંમર પરણવાલાયક થઈ ગઈ છે. પણ અમે જેમ-તેમ કરીને પોતાનાં ઘરનું ગુજરાત ચલાવીએ છીએ. તો અમારી દીકરીને સારો અને પૈસાદાર પતિ કેવી રીતે મળશે? તેનાં લગ્ન સારી રીતે સારાં પરિવારમાં કેવી રીતે થશે? તે સમયે જાપાનમાં પણ ભારત જેવી હાલત હતી. દીકરી પરણાવવું ઘણું મુશ્કેલ હતું. પૈસાદાર પરિવારની યુવતી સામાન્ય દેખાવની હોય કે સુશીલ ના હોય તો પણ તેનાં લગ્ન ઝડપથી લેવાય જતાં હતાં. જ્યારે ગરીબ પરિવારની યુવતી કેટલી પણ સુંદર, સંસ્કારી કે સુશીલ કેમ ન હોય, પણ કોઈ તેની સાથે લગ્ન કરવાં ઝડપથી ત્યાર થતું ના હતું.

કદાચ કોઈ દુષ્ટ યુવાનની નજર એમની સુંદર દિકરી પર પડી તો? અંતે ઘણું વિચાર્યા બાદ ખેડૂત પરિવારે એક સુથાર પાસે લાકડાનું એક મહોરું બનાવડાવ્યું. તે સમયે જાપાનમાં પોતાનાં બાળકોનાં ચહેરામાં રહેેેલી ખોડખાંપણ છુપાવવા તેનાં માતાપિતા તેનાં ચહેેરા પર લાકડાંનું મહોરું પહેરાવતા હતાં. 

સુંદર મિમોસા હવે ખેતરમાં કામ કરવા જાય તોપણ ચહેરા પર લાકડાનું મહોરું પહેરી રાખતી હતી. તેને જોઈને ખેતરમાં કામ કરતાં અન્ય લોકોને એવું જ થતું કે મિમોસાનાં ચહેરા પર કોઈ ખોડખાંપણ જરૂર હશે તો જ એ પોતાનાં ચહેરા પર હંમેશા લાકડાનું મહોરું પહેરી રાખે છે. આમ, વિચારીને કોઈ મિમોસા પર વધુ ધ્યાન આપતા ન હતાં. હવે ખેડૂત પરિવારની ચિંતા થોડી હળવી થઈ.

આ તરફ પાસેનાં ગામમાં રહેતાં એક ધનવાન જમીનદાર મિમોસા જે ખેતરમાં કામ કરતી હતી. ત્યાં પાસે આવેલ રસ્તા પરથી જઈ રહ્યા હતાં. જમીનદારે ખેતરમાં અન્ય ખેતમજૂરો કરતાં મિમોસાને વધુ મહેનત કરતાં જોઈ તેમણે વિચાર્યું આવી મહેનતુ યુવતી મારા ખેતરમાં છોભે. જમીનદારે ત્યારબાદ મિમોસાના માતાપિતા સાથે વાત કરી. અને પોતાનાં ખેતરમાં કામ કરવાં મિમોસાને મોકલવા કહ્યું. વધુ આવક અને હંમેશની નોકરી મળતી હોવાથી ખેડૂતે હા કરી દીધી.

હવે મિમોસા જમીનદારના ખેતરે કામ કરવા જવા લાગી. આ તરફ નિયમિત સારી આવક મળવાં લાગતાં ખેડૂતનાં પરિવારનું ગુજરાત ચલાવવું સરળ થઈ ગયું. હવે ખેડૂત પરિવારને લાગવા લાગ્યું કે તેમની દીકરી મિમોસાને સારો વર મળશે અને તેનાં લગ્ન પરિવારમાં થશે. જમીનદાર અને તેની પત્ની, ખેતરમાં મિમોસાની વધુ મહેનત જોઈને બહુ ખુશ હતાં. તેઓ મિમોસાને પોતાની દીકરીની જેમ માનતાં હતાં.

જમીનદારનો એક યુવાન પુત્ર હતો. તેનાં માટે દૂરદૂરથી લગ્નનાં માંગા આવતાં હતાં. જમીનદાર પોતાનાં યુવાન પુત્રને લગ્ન કરવાં સમજાવતા. પણ તેનો યુવાન પુત્ર લગ્ન કરવા માટે ઇન્કાર કરી દેતો. 

એક દિવસ તેણે ખેતરમાં કામ કરતી યુવતી મિમોસાને જોઈ. એ એની મહેનત જોઈને બહુ ખુશ થઈ ગયો. એણે એની સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. જો હું મિમોસા સાથે લગ્ન કરીશ તો તે ઘરનું બરોબર ધ્યાન રાખશે અને ઘરને દિપાવશે.

યુવાન પુત્ર ત્યારબાદ પોતાનાં જમીનદાર પિતા પાસે ગયો અને કહ્યું, "પિતાશ્રી મેં મારા માટે યુવતી શોધી છે."

જમીનદાર પિતાએ ખુશ થઈને કહ્યું, "કોણ છે એ ભાગ્યશાળી યુવતી?"

જમીનદારના યુવાન પુત્રએ કહ્યું, "મિમોસા"

જમીનદારે આશ્ચર્યચકિત થઈને તેનાં યુવાન પુત્રને કહ્યું, "ભાઈ, તને ખબર છે ને મિમોસા હરહંમેશ ચહેરા પર લાકડાનું મહોરું પહેરી રાખે છે, તેથી તેનાં ચહેરા પર કોઈ ખોડખાંપણ જરૂર હશે."

યુવાન પુત્રએ કહ્યું, "ભલે ને તેનાં ચહેરા પર કોઈ ખોડખાંપણ હોય, પણ મારે મારા જીવનસાથીની પસંદગી તેનાં રૂપથી નહીં પણ ગુણો જોઈને કરવી છે. મારે ઘર દીપાવે એવી યુવતી સાથે લગ્ન કરવું છે."

જમીનદાર અને તેની પત્ની પોતાનાં પુત્રની પસંદગી જીવનસાથીની પસંદગીથી એકદમ ખુશ થઈ ગયાં. આ તરફ ગરીબ ખેડૂત પરિવાર પણ આ સમાચાર સાંભળીને બહું ખુશ થયું. જમીનદારનું પરિવાર બહું સમૃદ્ધ અને પૈસાદાર હતું.

જમીનદારના યુવાન પુત્રના લગ્ન મિમોસા સાથે નક્કી થયાં. મિમોસા પણ બહુ ખુશ હતી. હવે, જમીનદારના યુવાન પુત્રને તેનાં મિત્રો ચિડવવાં લાગ્યાં, તારી પત્ની જરૂર કદરૂપી હશે એટલે જ ચહેરા પર લાકડાનું મહોરું પહેરી રાખે છે. પણ જમીનદારનો યુવાન પુત્ર પોતાનાં નિર્ણયથી બહુ ખુશ હતો.

આ તરફ લગ્નનો સમય આવી ગયો. લગ્નનાં દિવસે જ્યારે જમીનદારનાં યુવાન પુત્રએ મિમોસાના ચહેરા પરથી લાકડાનું મહોરું ઉતાર્યું ત્યારે તે એનું અતિશય સુંદર રૂપ જોઈને દંગ થઈ ગયો અને પોતાની જાતને બહુ ભાગ્યશાળી માનવા લાગ્યો. જાપાનની સૌથી વધુ સુંદર યુવતી સાથે તેનાં લગ્ન થયાં હતાં. 

મિમોસા અને તેનો પતિ તેમની આનંદભરી જિંદગી સુખપૂર્વક જીવવાં લાગ્યાં.


બોધ: જીવનસાથીની પસંદગી એનાં રૂપથી અંજાઈને  નહીં, પણ ગુણો જોઈને કરવી જોઈએ.
    


Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

ચોરનો ભાઈ 😂😂😂😂😂😂😂