હાશ! - ગુજરાતી પ્રેમકથા


‘તારું વ્યક્તિત્વ એવું જોરદાર છે કે કોઈપણ છોકરી તને જોઈને ફ્લેટ થઈ જાય! અને તું કહે છે કે તારે કોઈની સાથે અફેક્શન જ નથી થયું? શ્રેયાએ જરાક આવેશથી પૂછયું અને પછી બોલી, લાયર!’

‘જો શ્રેયા, બીજું બધું ચાલશે પણ લાયર નહીં ચાલે! આપણા જીવનની એક જ તો મૂડી છે. કોઈ ગમે તેવો આક્ષેપ કરી શકે, પરંતુ જુઠ્ઠું બોલવાનો આરોપ તો કોઈ જ મૂકી શકે એમ નથી! તું પણ નહીં સમજી?’ અશેષ આવેશથી બોલી ગયો.

‘ઓકે. બાબા! સોરી! પણ સાચું કહું, તારી વાત હજમ નથી થતી!’

‘તારા ગળે ઊતરે એ માટે વિગતોની ફાકી આપું! જો મારા જીવનમાં આમ તો ચારેક છોકરીઓ આવી ગઈ છે, પરંતુ એમાંથી એકને બાદ કરતાં બીજા કોઈ માટે અફેક્શન નહોતું થયું. જેના માટે અફેક્શન થયું હતું એની સાથે બ્રેક-અપ થયાને ચાર વર્ષ થઈ ગયાં છે અને એ પરણી ચૂકી છે. એ પછી કદી કોઈનાય માટે અફેક્શન નથી થયું.’

‘તને કોલેજમાં જોડાયાને ત્રણ વર્ષ થયાં, એટલે કે તારી એ ગર્લફ્રેન્ડ સ્કૂલમાં હતી?’ શ્રેયાએ હિસાબ માંડયો.

‘લાંબી વાત છે, ફરી ક્યારેક કહીશ! યાર! કોઈ બીજી વાત કરીએ! હું ગેટમાંથી અંદર આવ્યો ત્યારે તને જોઈને ખુશ થયો હતો કે હાશ! બોર નહીં થઉં. એને બદલે તું જ બોર કરવા લાગી!’

અશેષ જરાય જુઠ્ઠું નહોતો બોલ્યો. હજી બે મિનિટ પહેલાંની જ વાત છે. એ બસમાંથી ઊતરીને કોલેજ તરફ ચાલતો હતો ત્યારે મનમાં એક જ વાત રમતી હતી,

શ્રેયા કે દેવેન કોઈ આવી ગયું હોય તો સારું!

કોલેજના ગેટમાંથી અંદર પ્રવેશીને એ ૧૮ ઈંચની દીવાલ ધરાવતી કૂંડી પાસે પહોંચ્યો ત્યારે એના ચહેરા પર સ્મિત ઉપસી આવ્યું. શ્રેયા ત્યાં બેઠી હતી.

‘સારું થયું તું આવી ગયો!’ શ્રેયાએ આનંદથી છલકાતા ચહેરે કહ્યું, ‘હું એ જ વિચારતી હતી કે તું સમયસર આવી જાય તો સારું નહીંતર એકલી બોર થઈ જઈશ!’

આ કૂંડી આમ તો વિશાળ કેમ્પસમાંથી માળી સૂકાં પાંદડાં વગેરે એકઠાં કરી નાખે એ માટે બનાવવામાં આવી હતી, પરંતુ સવારના સમયે એ ખાલી જ રહેતી એટલે અશેષ-શ્રેયા માટે એ પ્રિય બેઠક હતી.

અશેષે શ્રેયાની બાજુમાં બેઠક લીધી અને પાછળ ઢળીને બે હાથ વાળી કોણી કૂંડીની પાળી પર ટેકવી હતી.

અચાનક શ્રેયાએ એને પૂછયું હતું, ‘અશેષ, સાચું કહેજે, તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? કોઈ તો હશે જે તારી તરફ આકર્ષાઈ હોય? અથવા કોઈ એવી જેની ઉપર તારી આંખ ઠરી હોય?’

‘મારે કોલેજની કોઈ છોકરી માટે અફેક્શન નથી થયું.’ અશેષે હળવાશથી જવાબ આપ્યો હતો.

એ પછી શ્રેયાએ એને ઉશ્કેર્યો હતો. અને ખરેખર અશેષ ઉશ્કેરાઈ ગયો હતો.

શ્રેયાએ ગંભીરતાથી પૂછયું, ‘શું થયું સવારના પહોરમાં મૂડ બગડી ગયો છે?’

‘અરે યાર! સવારે ચાર વાગ્યે ઊંઘ્યો છું અને સાત વાગ્યે ઊઠીને અહીં આવ્યો છું. આટલા દિવસે આપણે મળવાનું થયું છે એવું ન હોત અને આજે રિઝલ્ટ ન હોત તો કદાચ આજે આવ્યો જ ન હોત!’

‘કેમ? આટલો બધો ઉજાગરો  શાનો થયો?’ શ્રેયાએ હવે ગંભીર થઈને પૂછયું.

‘મારું ફેમિલી કાશ્મીર ફરવા ગયું છે. હું સાતેક મહિના પહેલાં જ આપણી કોલેજની ટૂરમાં જઈ આવ્યો છું એટલે મેં ના પાડી. જતાંજતાં ફાધરે મને જવાબદારી સોંપી દીધી કે તું અહીં જ રોકાય છે તો કાકી અને ફોઈના ઘેર લગ્નપ્રસંગો સાચવી લેજે. આપણા ગામડે જઈને એમાં પૂરેપૂરી હાજરી આપજે! એટલે ગઈ કાલે ફોઈના દીકરાના મેરેજમાં હતો. એમાં પરવારતાં મોડી રાત થઈ ગઈ. ગામડેથી પાછા ઘેર આવતાં પરોઢના ચાર વાગી ગયા. બરાબર થાક લાગ્યો હતો. છતાં રોજની ટેવ છે એટલે સાત વાગ્યે આંખ ખૂલી ગઈ.’

‘પછી સાહેબને યાદ આવ્યું કે ઓહો, આજે તો રિઝલ્ટ છે, કોલેજ જવાનું છે. બધાને મળવાનું છે. એટલે સાહેબ ઉતાવળે ઉતાવળે તૈયાર થઈને અહીં આવી ગયા. અને મેં ફીરકી લેવા માંડી, ખરુંને?’ શ્રેયાએ કહ્યું. ‘હવે નહીં લઉં. ચાલ, ચા પીવા જઈએ.’

‘ના યાર! ચા નથી પીવી! અહીં જ બેસીએ. દેવેન આવે પછી જઈશું.’ અશેષે સહેજ કંટાળા સાથે કહ્યું.

‘ઓ.કે.! અહીં બેસીએ. તો હવે તારે મારી રામકહાણી સાંભળવી પડશે.’ શ્રેયાએ શરત મૂકી.

‘ભલે!’ અશેષે કહ્યું.

કોલેજનો સમય આમ તો ૧૧ વાગ્યાનો હતો, પરંતુ અશેષ, દેવેન અને શ્રેયા મોટેભાગે ૧૦ વાગ્યા પહેલાં કોલેજ આવી જતાં હતાં. અશેષ અને શ્રેયાને બસના ટાઈમિંગના કારણે વહેલા આવવું પડતું હતું અને દેવેન ટેબલટેનિસ રમવાની લાલચે વહેલો આવતો હતો.

‘તારી જેમ હું પણ લગ્નપ્રસંગમાં થાકેલી છું.’ શ્રેયાએ કહ્યું. ‘મારે હમણાં જ મોટી બહેનનાં લગ્ન થયાં. એમાં ભાવનગરથી જાન આવી હતી…’ શ્રેયા બોલતાં બોલતાં અટકી ગઈ. એના ધ્યાનમાં આવ્યું કે અશેષ તો ઊંઘી ગયો છે!

****

‘હજી સાહેબ ઊંઘે જ છે? હવે તો એને ઉઠાડ! કોલેજમાં જવું પડશે.’ દેવેન એટલા મોટેથી બોલ્યો કે અશેષની આંખ ખૂલી ગઈ.

બાજુમાં દેવેન અને કૃતિક ઊભાં હતાં. શ્રેયા જ્યાં બેઠી હતી ત્યાં જ બેસી રહી હતી. પોતે કૂંડીની પાળી પર લાંબો થઈને સૂઈ ગયો હતો. અચાનક અશેષનું ધ્યાન ગયું કે એના પગ શ્રેયાના ખભે ટેકવાયેલા હતા.

‘ઓહ! સોરી!’ કહેતાં અશેષે પગ લઈ લીધા અને બેઠો થયો.

‘એમાં સોરી શાનું?’ શ્રેયાએ સહેજ નારાજ થઈ કહ્યું. ‘તને નિરાંતે ઊંઘતો જોવાની ખૂબ મઝા આવી. તને કોઈએ કહ્યું છે, ઊંઘમાં તારો ચહેરો સાવ નાના બાળક જેવો થઈ જાય છે!’

‘તારા ચહેરાનો અભ્યાસ કરવામાં બહેન એટલાં બીઝી હતાં કે અમે કહ્યું, ચાલ ચા પીવા. એની ચા લેતા આવીશું. તો કહે, તમે પી આવો. હું અહીં બેઠી છું. અમારી ચા લેતા આવજો.’ દેવેને ભારોભાર કટાક્ષ સાથે કહ્યું. ‘અમે ચા લઈ આવ્યા તો બહેનબા ચા પીવાય તને ઉઠાડવા માગતાં નહોતાં. જો પેલી રહી, તમારી ઠરી ગયેલી ચા!’

અશેષે જોયું, ખરેખર થર્મોકોલની બોટલમાં ચા હતી.

****

દેવેન અને અશેષ ત્રીજા વર્ષમાં હતા અને શ્રેયા તથા કૃતિક ફર્સ્ટ યરમાં હતા. પહેલા અને ત્રીજા વર્ષની પરીક્ષા સ્ટેટ બોર્ડ લેતું હતું. એટલે વેકેશનની વચ્ચે કોલેજમાંથી બધાને રિઝલ્ટ લેવા બોલાવવામાં આવ્યાં હતાં.

રિઝલ્ટ લઈને બધા પોતપોતાના ક્લાસની બહાર આવી કોલેજના મુખ્ય પ્રવેશદ્વારની સામે ગાર્ડનમાં પોતપોતાના ગ્રૂપમાં ટોળે વળ્યાં. કોના કેટલા ટકા આવ્યા એની ચર્ચા ચાલતી હતી. બધા અશેષને રાજ્યમાં ર્ફ્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યાનાં અભિનંદન આપતાં હતાં.

શ્રેયા પણ ઉત્સાહમાં હતી. એ પોતે તો ૫૮ ટકાએ પાસ થઈ હતી, પરંતુ અશેષ ફર્સ્ટ આવ્યાની પાર્ટી માગતી હતી. અશેષે બધાને પાર્ટી આપવાની હા પાડી ત્યારે એના મનમાં કંઈક જુદું જ ઘમસાણ ચાલતું હતું.

‘શ્રેયા મારા માટે થઈને સવા કલાક બેસી રહી! એ પહેલાં મારી ગર્લફ્રેન્ડ વિશે જાણવા માગતી હતી! એના મનમાં કોઈ વિશેષ લાગણી તો નથી જાગીને?’

આ સવાલનો જવાબ શી રીતે મેળવવો? અશેષના મનમાં એનું ઘમસાણ ચાલતું હતું. શ્રેયાનો ચહેરો વાંચવાનો પ્રયાસ કર્યો તો એમાં ભારોભાર ઉત્સાહ, આનંદ અને લાગણી નિતરતાં હતાં. ‘અલ્યા ભાઈ, એ તો પહેલાંથી જ બધા સાથે આટલી જ આત્મીયતા રાખે છે!’ એણે પોતાના મનને ટપાર્યું.

પાર્ટીની વાતો ચાલતી રહી. શહેરની એક સારી રેસ્ટોરાંમાં અશેષના ગ્રૂપના સાત જણને નાસ્તો કરાવવા અશેષ સંમત થયો.

‘શું વાત છે, તું ખુશ નથી? ખોવાયેલો ખોવાયેલો લાગે છે?’ શ્રેયાએ પૂછયું.

એ સાથે જ અશેષને સમજાયું કે પોતે ભીડ વચ્ચે એકલો થઈ ગયો હતો. એણે મુક્ત સ્મિત રેલાવીને કહ્યું, ‘તારા જ વિચારોમાં ખોવાઈ ગયો હતો!’

‘ચાલ જા… જા… જૂઠડા!’ શ્રેયાએ ફરી કહ્યું. આ વખતે અશેષે વાંધો ન લીધો.

બધા નાસ્તો કરી રહ્યા હતા. શ્રેયા અશેષની બાજુમાં જ બેઠી હતી. અચાનક અશેષના મનમાં વિચાર ઝબક્યો. એના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘કેમ શું થયું?’ શ્રેયાએ તરત પૂછયું.

‘આપણે મારો ફર્સ્ટ નંબર ઊજવ્યો એમ મારી બર્થ ડે પણ ઊજવીશું.’

‘આટલા બધાને બોલાવીશ?’

‘અરે ના! બધા નહીં. ૧૬ મેના દિવસે તું આવતી હોય તો ફિલ્મ જોવા જઈશું.’

‘આપણે બંને એકલાં?’

‘એકલાં શું કરવા? થિયેટરમાં ઘણા બધા લોકો હશે.’ અશેષના ચહેરા પર તોફાની સ્મિત હતું.

શ્રેયા વિચારમાં પડી ગઈ. પછી કહે, ‘પણ ઘેર શું કહું?’

‘તારી કોઈ બહેનપણી નથી? એની સાથે ગોઠવી દે. એ તારા ઘેર કહે કે તને લઈ જવા માગે છે તો તારા ઘરના જવા દેશે?’

‘જવા તો દે! પણ પછી મારી બહેનપણી આપણી સાથે આવીને શું કરશે?’

‘બુદ્ધુ!’ અશેષે શ્રેયાના માથા પર હળવી ટપલી મારી.

શ્રેયા હસી પડી. ‘ખરેખર તેં એવી વાત કરી દીધી કે હું બઘવાઈ ગઈ છું.’

‘તો ના પાડી દે!’ અશેષે સાવ સામાન્ય રીતે કહ્યું.

‘ના હું આવીશ!’ શ્રેયાએ કહ્યું.

****

અશેષના મનમાં ખાતરી થઈ કે ખરેખર શ્રેયા કોઈ વિશેષ લાગણી ધરાવે છે. ૧૬ તારીખે બની-ઠનીને એ શ્રેયાની બસ જ્યાં ઊભી રહેવાની હતી એ સ્ટેન્ડ ઉપર પહોંચી ગયો.

શ્રેયાએ બસમાંથી ઊતરતાં જ રીક્ષા રોકી લીધી.

બંને રીક્ષામાં બેઠાં કે તરત શ્રેયાએ કહ્યું, ‘મારા ભાઈઓ શહેરમાં આવતા હોય છે. એટલે આપણે શહેરથી દૂર કોઈ થિયેટરમાં જઈએ.’

‘ત્યાં કદાચ સારી ફિલ્મ ન ચાલતી હોય.’ અશેષે દલીલ કરી.

શ્રેયાએ તરત કહ્યું, ‘જે ચાલતી હશે એ જોઈશું!’

અશેષને ફરી ખાતરી થઈ કે શ્રેયાને એના સાથની જ પરવા છે, ફિલ્મની કંઈ પડી નથી.

જોકે થિયેટરમાં અશેષે ત્રણ વખત એના હાથ પર સ્પર્શ કરવા પ્રયાસ કર્યો તો ત્રણેય વખત શ્રેયાએ એનો હાથ ખસેડી દીધો.

અશેષના મનમાં નવેસરથી સમીકરણો ગોઠવાવાં લાગ્યાં. કદાચ શ્રેયા દોસ્તીમાં જ મારી સાથે આવી છે. કોઈ વિશેષ લાગણી એને નથી. પોતે જ મનગમતી કલ્પનાઓ કરી લીધી છે.

અશેષ પોતાની જાત પર ક્રોધે ભરાયો. એટલામાં શ્રેયાએ એના ખભે માથું ઢાળી દીધું અને અશેષના વિચારોએ ફરી યુ ટર્ન લઈ લીધો. અશેષ એના ખભા પાછળ કોણી ટેકવી માથે હાથ ફેરવવા લાગ્યો.

ફિલ્મ દરમિયાન અને બહાર નીકળીને નાસ્તો કરતાં કરતાં શ્રેયા એની મોટી બહેનનાં  લગ્નની વાતો કરતી રહી. અશેષ રસપૂર્વક સાંભળતો રહ્યો.

બીજી કોઈ વાતના ખુલાસા વગર એમની મુલાકાત પૂરી થઈ ગઈ.

ફરી કોલેજ ચાલુ થઈ ત્યાં સુધી અશેષનું મન વારંવાર ‘શી લવ્ઝ મી, શી લવ્ઝ મી નોટ…’ના ઝોલાં ખાતું રહ્યું.

કમનસીબે એ દિવસે એ કોલેજ પહોંચ્યો તો દેવેન હાજર હતો. એટલે બંને ટેબલટેનિસ રમવા સ્પોર્ટ્સ રૂમ પહોંચી ગયા. શ્રેયા ત્યાં આવીને ઊભી રહી, પરંતુ ગેમ પૂરી થતાં સુધી બેલ વાગી ગયો.

અશેષે નક્કી કર્યું, ‘રિસેસમાં શ્રેયાને અલગ બોલાવી ખુલાસો કરી જ લેવો છે.’ રિસેસ પડતાં જ શ્રેયા એના ક્લાસમાં ધસી આવી, ‘ચાલ, મારે તારું કામ છે!’

બંને એમના માનીતા સ્થળે પહોંચ્યાં.

‘બોલ! શું કામ હતું?’ અશેષે પૂછયું

‘મારા ક્લાસની એક છોકરીને તારા માટે પ્રેમ થઈ ગયો છે. પણ તમારા બંનેની કાસ્ટ જુદી છે. તો તું એને સ્વીકારીશ?’

‘ના!’ અશેષે શ્રેયાની આંખ પર આંખ માંડી કહ્યું, ‘સોરી, હું એને નહીં સ્વીકારું.’

‘કેમ? કાસ્ટ જુદી છે એ માટે?’શ્રેયા ચિંતામાં પડી.

‘ના! હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું એટલા માટે!’ અશેષે ગંભીરતાથી કહ્યું. ‘તને ખબર નથી પડી?’

‘કોને પ્રેમ કરે છે?’ શ્રેયા રડમસ થઈ ગઈ.

‘તને!’ અશેષે કહ્યું. અને શ્રેયા ઘડીભર એને વળગી પડી. પછી તરત કોલેજનો ખ્યાલ આવતાં જુદી પડી ગઈ.

‘હાશ!’ શ્રેયાએ કહ્યું. ‘ક્યારની મૂંઝાતી હતી.’

‘હાશ!’ અશેષે કહ્યું, ‘હુંય ક્યારનો મૂંઝાતો હતો.’

બંને ખિલખિલાટ હસી પડયાં.

****
                                                          - માખન ધોળકિયા

Read This Love Story In English = Click here

Comments

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. http://a1-world-news.blogspot.com/2021/05/the-riyaliti-of-indian-government.html

  ReplyDelete
 3. I found your blog on Google and read a few of your other posts too, it is very informative and also influencing me to read more of yours. You have done an exceptional job by adding your hardwork and dedication to it. I am a big fan of art and craft. I just added you to my bookmarks and recommending your blog to my social profiles too. Just like the other budding bloggers i have started my blog, You can support me by visiting my site for more paper airplane related information and knowledge, Keep up the great work Look forward to reading more from you in the future. Thanks in anticipation.
  how to make a paper airplane that flies far and straight | classic dart paper airplane | how to make a good paper | nakamura lock paper airplane instructions | best paper airplane design for distance and accuracy | best paper airplane design for distance and speed | Boomerang paper airplane instructions | Zazoom internet | Eagle paper airplane | how to make a paper airplane that flies far and straight step by step | 4 aerodynamic forces | Paper airplane templates for distance | the eagle paper airplane | best paper plane in the world | How to make a successful paper airplane

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

પટાવાળાના પિતરાઈઓ